ભગવાન રામની કથાઓનો સૌથી સુંદર અભ્યાસ ફાધર કામિલ બુલ્કેએ કરીને ભારતમાં રિસર્ચ પેપર રજૂ કર્યા હતાં. મૂળ પૌરાણિક રામકથા પરથી વાલ્મીકિ રામાયણ લખવામાં આવી અને દરેક વિસ્તાર, ભાષાઓ તથા સાહિત્યમુર્મુઓએ પોતાના વિસ્તાર, રિતરિવાજો, સમયના પરિવર્તન પ્રમાણે રામકથાઓમા નવા નવા પ્રયોગો કરતાં ગયાં જે છેક વીસમી સદી સુધી ચાલતા ગયા, કદાચ ભવિષ્યમાં નવા સ્વરૂપ પણ જોવા મળે. અસંખ્ય રામકથાઓ લખાઈ હોવાથી અલગ અલગ કથાકનોના રેફરન્સથી પણ નવી રામકથાઓ લખાતી જાય છે.
ફાધરના મતે પંદરમી સદીથી રામકથાઓ યુરોપ જવા લાગી અને રામકથાને વૈશ્વિક સ્વરૂપ મળવા લાગ્યું. સન 1609માં જે. ફેનિચિયોએ લિબ્રો ડા સૈટા પુસ્તકમાં વાલ્મીકિ રામાયણ આધારિત કથા લખી હતી. સત્તરમી સદીમાં એ રોજેરિયુસ નામના પાદરીએ ધ ઓપન દોરે નામના પુસ્તકમાં રામાયણની વાતો લખી હતી. સન 1672માં પી. બલડેયુસે ડચ ભાષામાં રામકથા લખી હતી.
ઓ ડૈયરની હોલેન્ડમાં, ડે ફેરિયાની સ્પેનિસમાં , રલાસિયો ડેસ એરયરની ફ્રેન્ચ ભાષામાં રામકથાઓ પ્રકાશિત થઈ હતી. સોળથી અઢારમી સદી સુધીમાં યુરોપની વિવિધ ભાષાઓમાં જે બી ટાર્નિવિયે, એમ સોનેરા, ડે પોલિયો, બોલે લે ગ્રોઝ, ચીગેનબાલા, વીનજેનજા મરિયા, લેટ્રસ એડિફિયન્ટ, દિઓગા ગોન્સાલ્વેસ જેવા સાહિત્ય પ્રેમીઓએ રામકથાઓ લખી હતી. નોર્થ ઇસ્ટના દેશોમાં તો રામકથાઓ પ્રચલિત પણ હતી અને તેમની સ્થાનિક સંસ્કૃતિ મુજબ કથાકનોમાં પરિવર્તન પણ લાવ્યા હતાં.
ફારસી ભાષામાં તથા ઉર્દૂમાં પણ રામકથા ઉપલબ્ધ છે. ઉર્દુ તો આધુનિક ભાષા હોવાથી છેલ્લા દોઢસો વર્ષમાં લખાયેલી રામકથા ઉપલબ્ધ છે પણ ફારસીમાં જૂની રામકથા મળે છે. અકબરના આદેશ અનુસાર અલ બદાયૂનીએ વાલ્મીકિ રામાયણનો ફારસી અનુવાદ કર્યો હતો. તુલસીદાસ નો સમય એટલે કે જહાઁગીરના સમયમાં ફારસી રામાયણ રામાયણ મસિહી પ્રચલિત થઈ હતી. આ રામાયણ ઉત્તર પ્રદેશના કિરાના ગામના મુલ્લા મસીહે લખી હતી, બાય ધ વે મુલ્લા મસીહે લગભગ પાંચ હજાર છંદમાં હિન્દુ ગ્રંથનું મુસ્લિમ શાસક માટે ફારસી અનુવાદ કર્યો પણ તે ખ્રિસ્તી હતો….
શાહજહાંના સમયે રામાયણ ફૈજી લખવામાં આવી હતી. અને હા, ઉર્દુમાં મુનશી જગન્નાથ ખુશ્તરની રામાયણ ખુશ્તર સૌથી લોકપ્રિય છે.
ભારતના પ્રત્યેક પ્રાંતમાં રામકથાઓ લખવામાં આવી છે, દરેક પ્રાન્તે એકબીજાના રેફરન્સ પણ વાપર્યા છે. તમિલ કંબર રામાયણ અતિ પ્રચલિત છે, તો તેલુગુમાં દ્વિપદ રામાયણ, કન્નડમા તોરબે રામાયણ, આસામની માધવકંદલી રામાયણ, કાશ્મીરમાં રામાવતારચરિત, ઉડીયા રામાયણ, એકનાથજીનું મરાઠી રામાયણ, હિન્દીમાં તુલસીનુ રામચરિત માનસ, શીખોનું ગોવિંદ રામાયણ સહિત અનેક રામકથાઓ સાહિત્યમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. ભારતની હજારો વર્ષની સંસ્કૃતિ, વિવિધતા, મૂલ્યો તથા જીવનપદ્ધતિનો અભ્યાસ કરવો હોય રામકથાઓમા થતા ફેરફારોનો અભ્યાસ કરવો જોઈએ.
અને હા, આપણી ભાષા ગુજરાતી રામકથાઓથી બાકાત રહે? આપણી રામકથાઓની શૈલીમાં કૃષ્ણ કથાઓનો પ્રભાવ રહ્યો છે. અસાઇતના રામલીલાના પદો, પંદરમી સદીમાં ભાલણે રામવિવાહ તથા રામબાલચરિત તથા કર્મણની સીતાહરણ, ભીમની રામલીલા, લાવણ્યસમયની રાવણ મંદોદરી સંવાદ, પ્રેમાનંદનું રણયજ્ઞ હૈય કે હરિદાસનું સીતા વિરહ…અને આધુનિક ગુજરાતીમાં ગિરધરદાસનું રામાયણ સૌથી વધુ લોકપ્રિય છે. ગુજરાતી રામકથાઓમાં સીતાત્યાગ તથા લવકુશની રામની સેના સાથેના યુદ્ધનું સુંદર વર્ણન છે.
લેખન અને સંકલન
Deval Shastri 🌹