અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ૫૦૦ કોરોના વેક્સિનની ટ્રાયલ શરૂ થશે : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ▪રાજ્યના સ્વસ્થ, નિરોગી અને યુવાન સ્વયંસેવકોની ટ્રાયલ માટે પ્રાથમિક પસંદગી કરાશે.

સમગ્ર વિશ્વ કોરોના વાયરસની રસીની આતુરતાથી રાહ જોઇ રહ્યું છે. ઘણી ખાનગી કંપનીઓ તેમજ સરકારી એકમો વેક્સિનની શોધમાં લાગેલા છે, ત્યારે આપણા દેશમાં પણ ભારત બાયોટેક કંપની દ્વારા સંશોધન કરીને કોરોના વેક્સિન બનાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જેની ટ્રાયલ સમગ્ર દેશભરમાં ચાલી રહી છે. આપણા રાજ્યમાં અમદાવાદ સ્થિત સોલા સિવિલ હોસ્પિટલની પસંદગી વેક્સિનની ટ્રાયલ માટે કરવામાં આવી છે.
સંપૂર્ણપણે સ્વસ્થ, તંદુરસ્ત અને નિરોગી હોય તેવા યુવાનોની પ્રાથમિક પસંદગી કોરોના વેક્સિનની ટ્રાયલ માટે કરવામાં આવી રહી છે. અત્યારે ૫૦૦ જેટલી વેક્સિન ટ્રાયલ માટે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચી છે.જેને કોલ્ડ સ્ટોરેજમાં મુકવામાં આવી છે. સ્વયંસેવકો દ્વારા વેક્સિનની ટ્રાયલ માટે તેમના નામની નોંધણી કરાવવામાં આવી છે.

ભારત સરકારના આરોગ્ય વિભાગમાંથી તબીબી નિષ્ણાંત વેક્સિન સંલગ્ન તમામ પ્રકારની ટ્રેનિંગ આપણા સોલા સિવિલના તબીબોને આપવા માટે ટૂંક સમયમાં અમદાવાદ આવી પહોંચશે.આ તબીબી નિષ્ણાંતની દેખરેખ હેઠળ જ વેક્સિન માટે નિમાયેલ કમીટી અને અન્ય તબીબોને ટ્રેનિંગ આપી તમામ પરિબળો, પડકારો , માપદંડોથી સજ્જ કરવામાં આવશે.

વેક્સિનની ટ્રાયલ હાથ ધરવામાં આવનાર સ્વયંસેવકોને મહિને ૨ ડોઝ વેક્સિનના આપવામાં આવશે. એક ડોઝ આપ્યા બાદ તેનું સતત દેખરેખ કરવામાં આવશે. તેના શરીરમાં વેક્સિનના કારણે આવી રહેલા બદલાવ તેમજ તેની અસરોનું સતત મોનીટરીંગ કરવામાં આવશે. આ વેક્સિનથી શરીરમાં થતા ફાયદા – નુકશાન તેની આડઅસરોની નોંધણી તબીબી નિષ્ણાંતોની દેખરેખ હેઠળ કરવામાં આવશે.

એક વર્ષ સુધી સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં આ વેક્સિનની ટ્રાયલ હાથ ધરવામાં આવનાર હોવાનું શ્રી નીતિનભાઇ પટેલે કહ્યુ હતું. ગુજરાત રાજ્યમાં પણ શહેર સહિત ગામડાઓમાં રહેતા નાગરિકો ,સંપૂર્ણપણે સ્વસ્થ અબાલવૃધ્ધ, સ્વયંસેવકો , હેલ્થવર્કરો પર આ વેક્સિનના ટ્રાયલ કરીને તેના તમામ પરિણામો ચકાસવામાં આવશે.
********