*કાલે પાશાંકુશા એકાદશી (આસો સુદ-૧૧)છે.*

પાશાંકુશા એકાદશી (આસો સુદ-૧૧)
યુધિષ્ઠિરે પૂછયું : “મધુસુધદન ! આસો માસના શુકલ પક્ષની એકાદશીનો મહિમાં જણાવો.”
શ્રીકૃષ્‍ણ બોલ્‍યોઃ રાજન ! આસોના શુકલ પક્ષમાં પાશાંકુશા નામની વિખ્‍યાત એકાદશી આવે છે. એ સઘળા પાપોને હરનારી, સ્‍વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી, શરીરને નિરોગ બનાવનારી, તથા સુંદર સ્‍ત્રી, ધન અને મિત્ર આપનારી છે. મનુષ્‍ય આ એક માત્ર એકાદશીનો ઉપવાસ કરી લે તો એને કયારેય યમયાતના પ્રાપ્‍ત નથી થતી.
રાજન ! એકાદશીના દિવસે ઉપવાસ અને રાત્રે જાગરણ કરનાર મનુષ્‍ય અનાયાસે જ દિવ્‍યરુપ ધારી, ચતુર્ભૂજ, ગરુડની ધ્‍વજાથી યુકત હારથી સુશોભિત અને પિતામ્‍બરધારી થઇને ભગવાન વિષ્‍ણુના ધામમાં જાય છે. રાજન આવા પુરુષો માતૃપક્ષની દશ, પિતૃપક્ષની દશ તથા પત્‍નીના પક્ષની પણ દસ પેઢીઓનો ઉધ્‍ધાર કરી દે છે.
આ દિવસે સંપૂર્ણ મનોરથોની પ્રાપ્તિ માટે મુજ વાસુદેવનું પુજન કરવું જોઇએ. જિતેન્‍દ્રીય મુનિ ચિરકાળ સુધી કઠોર તપસ્‍યા કરીને જે ફળ પ્રાપ્‍ત કરે છે, એ ફળ આ દિવસે ગરુડધારી શ્રી વિષ્‍ણુના દર્શન કરવાથી જ મળી જાય છે.
જે પુરુષ સુવર્ણ, તલ, ભૂમિ, ગૌ, અન્‍ન, જળ, પગરખા અને છત્રીનું દાન કરે છે, એ કયારેય યમરાજને નથી જોતો.
રાજન ! તમે મને જે કંઇ પૂછયું હતુ એ અનુસાર પાશાંકુશા એકાદશીનું મહાત્‍ય મે વર્ણવ્‍યું.