ખાતાકીય તપાસની માંગણી કરતા સરકારી આલમમાં ખળભળાટ
જાતિ વિષયક ગાળો ભાંડનારા ગ્રામસેવક વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ કરવાની માંગ
ગ્રામસેવક ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતો નથી, સરકારી યોજનાની માહિતી પુરી પાડતો નથી: ગ્રામજનોનો આક્ષેપ
રાજપીપલા તા 4
સરકારે દરેક વિસ્તારમાં ગ્રામ સેવકની નિમણૂક કરી છે. ગ્રામસેવકે ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવાના હોય છે ત્યારે નર્મદા જિલ્લાના એક ગ્રામસેવક વિરુદ્ધ આદિવાસી ખેડૂતોએ CM રૂપાણીને ફરિયાદ કરી છે. ગ્રામસેવક આદિવાસીઓને ગાળો ભાંડી ધમાકાવતો હોવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે. નર્મદા જિલ્લાના આદિવાસીઓએ CM રૂપાણીને રજુઆત કરી છે કે એ ગ્રામસેવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ખાતાકીય તપાસની માંગણી કરતા સરકારી આલમમાં ખળભળાટ મચ્યો છે.
આદિવાસીઓની રજુઆત મુજબ નર્મદા જિલ્લાના અંતરિયાળ નાંદોદ તાલુકાના ખુંટાઆંબા વિસ્તારના ગ્રામસેવક રિતેશ પટેલ પાસે સ્થાનિક આદિવાસીઓ સરકારની વિવિધ યોજનાઓની માહિતી લેવા ગયા હતા. દરમિયાન સરકારની યોજનાઓની માહિતી આપવાની જગ્યાએ ગ્રામસેવકે અસભ્ય વર્તન કરી જાતિ વિષયક ગાળો ભાંડી હતી. આદીવાસી ગ્રામજનોનું જાહેરમાં અપમાન કર્યું હતું. “તમારાથી થાય એ કરી લો કલેકટર, DDO, TDO કે કોઈ પણ અધિકારી, સરકારમાં કોર્ટમાં કે પોલિસ ફરિયાદ કરો મને કોઈની પણ બીક નથી, કોઈ મારું કશુ જ બગાડી શકવાનું નથી” એવી ધમકી પણ આપી હતી.નર્મદા જિલ્લાના આદિવાસીઓએ CM રૂપાણી સમક્ષ એવી માંગ કરી છે કે જાતિ વિષયક ગાળો ભાંડનારા ગ્રામસેવક વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવે. આ ગ્રામસેવક પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતો નથી, ગ્રામજનોને સરકારી યોજનાની યોગ્ય માહિતી પણ પુરી પાડતો નથી. જેથી ગ્રામસેવક રિતેશ પટેલ વિરુદ્ધ ખાતાકીય તપાસ કરી નોકરીમાંથી દૂર કરવા મામલે યોગ્ય કાર્યવાહી થાય એવી અમારી માંગ છે.
તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા