*સલાલ – સાબરકાંઠામાં યોગીન્દ્રવર્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીબાપાનો ૨૩૯ મો પ્રાગટ્યોત્સવ ઉજવાયો*…

સુપ્રસિદ્ધ ગાયક શ્રી જૈમિશ ભગતે કીર્તન સ્તવન કરી સ્તુતિ કરી…

યોગીરાજ ગોપાળાનંદસ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના એક મહાન યોગીપુરુષ હતા.યોગી તરીકે તેમની ઐશ્વર્ય શક્તિ સૂર્ય-ચંદ્રની ગતિમાં પણ ફેરફાર કરી શકતી.અનેક ઐશ્વર્યોના સ્વામી હોવા છતાં શ્રીહરિનું દાસત્વ તેમની આગવી છાપ હતી.
પ્રભાવશાળી વ્યક્તિત્વ, સત્તાવાહી આવાજ, ઉત્કૃષ્ટ તત્વજ્ઞાન,વિપુલ સાહિત્ય સર્જન અને ગમે તેવા મનભેદ કે મતભેદનો સરળ ઉકેલ શોધવાની વ્યવ્હાર દક્ષતાને કારણે સંપ્રદાયમાં બન્ને દેશના આચાર્યોના પણ ઉપરી તરીકે શ્રીહરિ દ્વારા નિયુક્તિ પામેલા સંતવર્યશ્રી ગોપાળાનંદ સ્વામીનો પ્રાગટ્ય સાબરકાંઠા જિલ્લાના ટોરડા ગામે રહેતા મોતીરામ ઠાકરને ઘરે માતા શ્રી કુશળબાની કૂખે વિ.સં.૧૮૩૭ મહાસુદ ૮ને સોમવારે થયો હતો.
બાળપણથી જ (ખુશાલ ભટ્ટ) સ્વામીના જીવનમાં અનેક પરચાઓ નોંધાયા છે.શામળાજી ભગવાન તેમની સાથે બાળરુપ ધારણ કરી રમવા આવતા.આ વાત પ્રસિદ્ધ છે.ગામમાં આવેલા માંત્રિકના શાલીગ્રામ ઘણાં પ્રયત્નો કરવા છતાં માંત્રિકને મળ્યા નહતાં એ પણ ખુશાલ ભટ્ટની યોગશક્તિનો જ પ્રભાવ હતો.
ખુશાલ ભટ્ટે પાઠશાળામાં વિપ્ર બટુકોને ભણાવવાનું શરુ કરેલું.થોડી ભણાવી, ઝાઝું ભજન કરાવે.સમય જતાં જેતલપુર આવ્યા.મહારાજને મળ્યા.શ્રી મુક્તાનંદ સ્વામી પાસે રહીને રામાનુજ ભાષ્ય સહિત શ્રીમદ્ ભગવદ્ ગીતા ભણ્યા અને સં. ૧૮૬૪ ના ભાગવતી મહાદીક્ષા ગ્રહણ કરી “ગોપાળાનંદ સ્વામી”થયા.
સ્વામીએ સત્સંગના બંધારણને સ્થિર સ્વરુપ આપ્યું. સ્વયં ઈશ્વર જેવું સામર્થ્ય ધરાવતા હોવા છતાં શ્રીજી મહારાજના સંદેશ વાહક બનીને અવિરત વિચરણ કરતા રહ્યા.તેમની યોગશક્તિ અને ઐશ્વર્યના સ્વતંત્ર ગ્રંથો રચાય એટલા વિપુલ પ્રસંગો છે.
વૈદુષ્યની દુનિયામાં તેઓ બ્રહ્મસૂત્ર,ભગવદ્ ગીતા અને ઉપનિષદ્ ભાષ્યના કર્તા છે.યોગીઓના સમૂહમાં તેઓ જગવંદ્ય “યોગીરાજ” કહેવાય છે. અપાર શક્તિ સામર્થ હોવા છતા તેમણે ક્યારેય પોતાના માટે તેનો ઉપયોગ નથી કર્યો. છતાં અવાર નવાર દુઃખી ભક્તોની પ્રાર્થનાથી તેમનું સંત હૃદય દ્રવી ઉઠતુ ત્યારે તેમના યોગ સામર્થ્યના વિજચમકારા જોવા મળતા.
સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ આશરે સાડાચાર દાયકઓ સુધી સત્સંગની સેવા બજાવી છે.શ્રીજી મહારાજ અતંર્ધાન થયા પછી લગભગ ૨૨ વર્ષ સુધી સત્સંગને ફેલાવવા,સુદ્રઢ બનાવવા શિરછત્ર બન્યા.૭૧ વર્ષ, ૩ માસ અને ૧૨દિવસનું આયુષ્ય વ્યતીત કરી તેઓ સંવત ૧૯૦૮ વૈશાખ વદ પ ના દિવસે અક્ષરધામમાં સિધાવ્યા.સ્વામીનો અંત્યેષ્ટી સંસ્કાર જ્ઞાનબાગ વરતાલમાં કર્યો છે.એની ચિરસ્મૃતિ રુપે હાલ ત્યાં સુંદર છત્રી છે.
અનેક ઐશ્વર્ય સંપન્ન શ્રીજીસંકલ્પમૂર્તિ યોગીન્દ્રવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીબાપાનો ૨૩૯ મો પ્રાગટ્યોત્સવ તેઓશ્રીના પ્રાગટ્ય પ્રદેશ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ તાલુકા પાસે આવેલા સલાલ ગામમાં અનેરા ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મહંત શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી સ્વસિદ્ધચરણદાસજી સ્વામી, શ્રી ધર્મતનયદાસજી સ્વામી, શ્રી યોગપ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો અને હરિભકતોએ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ વારસદાર શ્રી ગોપાળાનંદ સ્વામીબાપાનું પૂજન – અર્ચન, પુષ્પમાળા આરોપણ કરી આરતી ઉતારી હતી. તેમજ મહિમાગાન પણ કરવામાં આવ્યું હતું. તેમજ બાઈ હરિભક્તોએ ભજન-ધૂન્ય કર્યાં હતાં. વળી, આ અવસરે સુપ્રસિદ્ધ ગાયક શ્રી જૈમિશ ભગતે કીર્તન સ્તવન કરી સ્તુતિ કરી હતી. અને સંતો ભક્તો ભક્તિ રાસે રમી દિવ્યાનંદમાં રસતોરબોળ બન્યા હતા. મોટી સંખ્યામાં હરિભક્તો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.