કેન્દ્રીય મંત્રી પી.સી. સારંગીજી સાથે મુલાકાત કરતા રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરીયા.

ગાય આધારીત ઉદ્યોગો, પંચગવ્ય પ્રોડકટસને પણ લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું સ્વરૂપ આપવામાં આવે અને આ અંગેના તમામ સરકારી ફાયદાઓ આપવામાં આવે–ડો. કથીરિયા

ભારત સરકારના લઘુ અને મધ્યમ ઉદ્યોગો તેમજ પશુપાલન વિભાગના રાજય મંત્રી પ્રતાપચંદ્ર સારંગીજી સાથે ભારત સરકારનાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરીયાએ શુભેચ્છા મુલાકાત કરી હતી. આ તકે ડો. કથીરીયાએ ગાયના ગોબરમાંથી બનાવેલ ઈકો-ફ્રેન્ડલી શ્રી ગણેશજીની પ્રતિમાથી કેન્દ્રીય મંત્રી પી.સી. સારંગજીનું અભિવાદન કર્યું હતું. ડો. કથીરિયાએ ગાય આધારીત ઉદ્યોગો, પંચગવ્ય પ્રોડકટસને પણ લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું સ્વરૂપ આપવામાં આવે અને આ અંગેના તમામ સરકારી ફાયદાઓ આપવામાં આવે તે અંગે કેન્દ્રીય મંત્રી સારંગીજને વિનંતી કરી હતી. પ્રધાનમંત્રીશ્રીના ‘આત્મ નિર્ભર’ ભારત અને “મેઈક ઈન ઈન્ડિયા” આંદોલનને ધ્યાનમાં રાખી સમગ્ર દેશની ગૌશાળાઓને તથા યુવા–મહિલા ઉદ્યોગીઓ, મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ, સામાજીક, ધાર્મિક સંસ્થાઓ અને ગૌસેવકોને ભારતીય દેશી ગાયોના પંચગવ્યમાંથી વિવિધ પ્રોડકટસ બનાવવામાં તેમજ આ અંગેના ઉદ્યોગો સ્થાપવામાં મોટી મદદ મળશે તેમ ડો. કથીરિયાએ સારંગજીને જણાવ્યું હતું. જેના થકી પરોક્ષ રીતે ગૌસેવાનું પુણ્ય પ્રાપ્ત થશે. યુવા-મહિલાઓને રોજગારી મળશે. ગૌશાળાઓ સ્વાવલંબી બનશે સ્વદેશી અને આત્મ નિર્ભરતાનો રાષ્ટ્રીય ઉદ્દેશ સિધ્ધ થશે. નવી દિલ્હી ખાતે અત્યંત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાયેલ આ મીટીંગમાં કેન્દ્રીય મંત્રી પી.સી. સારંગજીએ પર્યાવરણ રક્ષા અને ગૌરક્ષાનાં આ પરમ સત્કાર્ય અંગે પોતાનાં અંતરની પ્રસન્નતા વ્યકત કરી હતી અને પોતાના શક્ય તમામ સહયોગની ખાતરી આપી હતી.