“અંત નો પણ અંત હોય છે.. !
કોઈ કયાં અનંત હોય છે…!!
પાનખર પણ એક ઘટના છે..!
બારેમાસ કયાં વસંત હોય છે..!!”
જીવનને સુગંધિત કરવું હોયતો સત્ય, પ્રેમ અને કરુણાને જીવનયાત્રામાં સાચા સંગાથી બનાવવા પડે. વીતેલા સુખ ઉપર રડે નહી, આવનારી આપત્તિથી ડરે નહી એ માનવી જિંદગીમાં ક્યારેય પાછો પડે નહી.
આપણે હંમેશા ખોટું બોલવામાં ઉતાવળ અને સાચું બોલવામાં મોડું કરીને જીવનમાં ઘણું ગુમાવી દઈએ છીએ. સાથોસાથ સમય અને સંપત્તિનો ભેદ પારખવામાં બહુ વાર લગાડીએ છીયે, કારણકે તમને હંમેશા એ ખબર રહે છે કે કેટલી સંપત્તિ તમારી પાસે છે, પણ તમને એ કયારેય એ ખબર નથી કે તમારી પાસે કેટલો સમય બાકી છે !..સત્કર્મો માણસને સર્વોત્તમ બનાવે છે. સમાજમાં અને પરિવારમાં સારા માણસની કિંમત બે વખત ચોક્કસ થાય છે.
(૧) ગરજ હોય ત્યારે
(૨) ગેરહાજર હોય ત્યારે
મિત્રો, સમાજમાં પરિવર્તન અને બદલાવ જલ્દી નથી આવતો તેનું કારણ એ છે કે…….
ગરીબ હિંમત નથી કરતો,
મધ્યમ વર્ગને સમય નથી, અને..
અમીર ને જરૂર નથી…..
આજના જમાનામાં આપણે સૌએ ભક્ત પ્રહલાદ જેવો વિશ્વાસ, સખી દ્રૌપદી જેવી પુકાર (શ્રદ્ધા) અને મીરા જેવી ભક્તિ દિલોદિમાગ મા પ્રસ્થાપિત કરવાનો નિષ્ઠાપૂર્વક નો પ્રયાસ કરવાની જરૂર છે. જિંદગીને સુવાસિત કરવા માટે અભિમાન કરવું નહી અને સ્વાભિમાનને છોડવું નહી. જયાં કદરના હોય ત્યાં જવું નહી, જે પચે નહી તે ખાવું નહી, સત્યમાં સમાધાન કરવું પડે તેમાં પડવું નહી, જે મનમાંથી ઉતરી જાય તેને ભૂલી જવું નહી, મોસમ જોઈને રંગ બદલે તેવો મિત્ર રાખવો નહી અને સમસ્યા, તકલીફ અને આપત્તિ એ તો જીવનનો હિસ્સો છે, તેનો ગભરાયા વિના સામનો કરવો એ જ સત્ય પથ છે. સરળતા અને સહજતા માટે માફી માંગવાની શરૂઆત પણ તમે કરો અને જ્યાં જરૂર છે ત્યાં માફી આપવાની શરૂઆત પણ તમે જ કરો.
મિત્રો, સુવાસિત જીવન બાગની સાત જડી બુટ્ટી……….
(૧) ખુશનુમા સવારના સૂર્ય કિરણો થી ઊર્જા પ્રાપ્ત કરો.
(૨)કસરત, પ્રાણાયમ અને ધ્યાનને નિયમિત અપનાવો.
(૩) પ્રભુ પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા ને દ્ર્ઢ બનાવો.
(૪) આચાર અને આહાર સંયમિત અને સંતુલિત રાખો.
(૫) શ્વાસમાં વિશ્વાસ તથા વિશ્વાસમાં આત્મવિશ્વાસ પ્રગટાવો.
(૬) પ્રકૃતિ, પર્યાવરણ અને સંસ્કારનું સંવર્ધન અને સિંચન કરો.
(૭) ખુદને ખુદા બનાવો, પરિવારને પરમેશ્વર બનાવો અને સમાજને સર્વશક્તિમાન બનાવીને સ્વર્ગ સમાન બનાવો.
આપ સુવાસિત જીવન બાગ નું નિર્માણ કરો તેવી શુભેચ્છા.