ક્ષમાપના એ પોતાની ઇન્દ્રિયો પરનું વ્યક્તિનું સખત નિયંત્રણ કે સંયમનું દર્શન કરાવે છે. સામાન્ય માણસ માટે સરળતાથી કોઈને માફ કરવું શક્ય જ નથી એટલા માટે તો કહે છે “ક્ષમા વીરસ્ય ભૂષણમ”. એટલે કે ક્ષમા એ તો વીરોનું આભુષણ છે. ક્ષમાનું દાન માત્ર વીરો જ કરી શકે. આપણે ઘણી વાર આપણાથી શક્તિશાળી વ્યક્તિનું કઈ બગાડી ન શકતા હોવાથી મન મનાવીએ છીએ કે જા તને માફ કર્યો, પરંતુ તેને આપણે માફ કરી શક્યા હોતા નથી. વાસ્તવમાં આપણી નબળાઈ આપણને આવું કરવા પ્રેરે છે જે સાચી માફી નથી. તમે તમામ રીતે શક્તિવાન અને સામર્થ્યવાન હો, ધારો ત્યારે કઈ પણ કરી શકવા જેટલી સમૃદ્ધિ તમારી પાસે હોય, સત્તા હોય, હોદ્દો હોય, પ્રતિષ્ઠા હોય, પૈસો હોય, તમારા એક ઈશારે એક આખી ફોજ યુદ્ધ કરવા તૈયાર હોય છતાં પણ એક સંયમી અને સંસ્કારી પુરુષ તરીકે તમે કોઈને માફ કરો ત્યારે તે સાચી માફી કહેવાય કેમ કે આવા સંજોગોમાં અપાયેલી માફી ખૂબ સમજણપૂર્વકની હોય. આપણે જાણીએ છીએ કે પૂર્વગ્રહ, દ્વેષ, બદલાની ભાવના યોગ્ય નથી તે સમગ્ર સમાજ માટે તો હાનિકારક છે જ પરંતુ સૌથી વધારે ઘાતક વ્યક્તિની પોતાની જાત માટે છે કેમ કે આપણે જયારે કોઈને ક્ષમા નથી આપી શકતા ત્યારે સામેની વ્યક્તિનું જેટલું ખરાબ થાય તેના કરતા અનેક્ગણું ખરાબ આપણું પોતાનું થાય છે. આપણે ક્ષણે ક્ષણે બદલાની ભાવનામાં બળીએ છીએ , સતત એવી યોજનાઓ બનાવવામાં પડી જઈએ છીએ કે તે વ્યક્તિને કેવી રીતે પછાડાય, કેવી રીતે તેનું અપમાન કરાય, કેમ કરીને તેને ખતમ કરાય, કેમ કરીને તેને પાઠ ભણાવાય,જેના કારણે આપણી પોતાની નકારાત્મકતા ખુબ વધી જાય છે. વિજ્ઞાને સંશોધન દ્વારા સાબિત કર્યું છે એક નકારાત્મક વિચાર તમારા કુલ DNA ના અડધાનો નાશ કરે છે જે વ્યક્તિને અંદરથી ખતમ કરે છે નબળો પાડે છે. તે જ રીતે એક અન્ય સંશોધન જણાવે છે કે એક નકારાત્મક વિચાર તમારા ૧૬૦૦ WBC (White Blood Cell)નો નાશ કરે છે જે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારતા સફેદ રક્ત કણો છે. આમ ક્ષમા ન આપવાથી સૌથી મોટું નુકશાન આપણને પોતાને થાય છે. વિજ્ઞાન માને છે કે મગજ અને મનની શક્તિનો આપણે ૨ થી ૨.૫% જેટલો જ ઉપયોગ કરી શકીએ છીએ જેના મુખ્ય કારણો પાંચ છે. તનાવ, ઈર્ષ્યા, ક્રોધ, સ્વાર્થ અને અહંકાર. વાસ્તવમાં તમે કોઈને માફ નથી કરી શકતા ત્યારે આપોઆપ તનાવ, ક્રોધ વગેરે જન્મ લે છે જે હૃદયના ધબકારા વધારી દે છે, બી.પી. વધારે છે, શરીરના તમામ અવયવોની રીધમ બદલી નાખી અનેક રોગોનું સર્જન કરે છે. જેમ કે સંશોધનો અનુસાર લોભ ડાયાબીટીસનું એક મહત્વનું કારણ છે, ઈર્ષ્યાને કારણે અલ્સર થાય છે. ટૂંકમાં જૈન ધર્મની ક્ષમાપના કે મિચ્છામીદુક્કડમની ભાવના ખુબ વૈજ્ઞાનિક છે. વાસ્તવમાં આત્માનો સ્વભાવ જ ઉર્ધ્વગામી છે એટલે કે તેની ગતિ હંમેશા ઉપર તરફની અને ઉત્તમ હોય છે. પરંતુ સ્વાર્થ, ઈર્ષ્યા, ક્રોધ, કામ, લોભ વગેરે તેને નીચે તરફ ખેંચે છે. જેમ ગેસ ભરેલા ફુગ્ગાનો સ્વભાવ જ ઉપર તરફ જવું તે છે પરંતુ નીચે પથરો બાંધવાથી તે ઉપર જઈ શકતો નથી, તેવું જ આત્માનું છે. તેની સ્વાભાવિક ગતિ જ મોક્ષ તરફની (કેવળજ્ઞાન તરફની) છે પરંતુ આવા અનેક કષાયો (લોભ-કામ-ક્રોધ-તનાવ-બદલાની ભાવના) તેને તે તરફ જવા દેતા નથી. જૈનધર્મનો તો પાયો જ કર્મસત્તા જેવી વિભાવના પર ટકેલો છે. જૈનધર્મ ભગવાનને માનતો નથી. તે કહે છે દરેક જીવમાં ભગવાન બનવાની ક્ષમતા છે. તીર્થંકરોની સહાયથી તેણે તે ધ્યેય પ્રાપ્તિ કરવાની છે, પરંતુ બદલાની ભાવના, કંઇક મેળવવાની અધુરી ઈચ્છા તેની મુક્તિની બાધક બને છે અને તેને જન્મમરણના ફેરામાં ફેરવે રાખે છે એટલા માટે જૈનધર્મ દરેકને સાચા દિલથી માફ કરવાની સલાહ આપે છે જેનાથી અન્યનું તો હિત થાય જ છે પરંતુ પોતાનું પણ હિત થાય છે, સહજતાથી મોક્ષની પ્રાપ્તિ શક્ય બને છે. જન્મમરણની પીડામાંથી જીવ મુક્ત થાય છે. વર્ષ ને અંતે જાણે-અજાણે કોઈને મન, વચન, કર્મથી પીડા અપાઈ ગઈ હોય તો તેની માફી માંગવાની વ્યવસ્થા-એટલે “મિચ્છામી દુક્કડમ” જેનું જૈનધર્મમાં અનેરૂ મહત્વ છે, જે ખુબ જ વૈજ્ઞાનિક છે. સમગ્ર વિશ્વને જૈનધર્મની અમૂલ્ય ભેટ કોઈ હોય તો એ ક્ષમાપના છે. “મિચ્છામી દુક્કડમ”.
Related Posts
*એસડી જૈન સ્કૂલે ફીને લઈને વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવતા રોષ*
સુરતઃ વેસુ વિસ્તારમાં આવેલી એસડી જૈન સ્કૂલમાં વાલીઓ ફીને લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા. વાલીઓની ફરિયાદ હતી કે, શાળા સંચાલકો…
સુપ્રીમ કોર્ટે રેપ કેસના આરોપીને પૂછ્યું.”શું તમે રેપ પીડિતાની સાથે લગ્ન કરશો?”
સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ બોબડેએ મારાષ્ટ્ર સરકારના કર્મચારી અને રેપના આરોપીના જામીન અરજીની સુનાવણી કરતી વખતે તેને પૂછ્યું કે, શું…
*યુપી: મેરઠમાં માથું કાપી નાખેલી લાશ મળી આવતા સનસનાટી* 9 વર્ષનાં છોકરાની માથા વગરની લાશ મળી. દિલ્હીમાં રહેતા એક બાળકનો…