દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર..વર્તુ ડેમ ઓવરફ્લો.. 15 દરવાજા ખોલાયા..ગામડાઓમાં પુર પ્રકોપની પરિસ્થિતિ સર્જાઈ..

દેવભૂમિ દ્વારકા: ભાણવડ ખાતે આજે સવારે બે કલાકના સમયગાળામાં ધોધમાર ચાર ઇંચ વરસાદ વરસી જતા ચારેતરફ પાણી પાણી થઇ ગયું હતું. તાલુકા મથકના નીચાણ વાળા વિસ્તારોં પાણી ભરાઈ ગયા હતા તો નદી નાળા બંને કાંઠે વહેતા થયા હતા. બીજી તરફ ફરી વખત વર્તુ ડેમના 15 દરવાજા ફૂટ ખોલાતા વધુ એક વખત રાવલ બેટમાં ફેરવાઈ જવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ વિસ્તારમાં આજે સવારથી જ વરસાદી માહોલ રચાયો છે. વહેલી સવારે ૬ થી 8 વાગ્યામાં માત્ર ઝાપટા પાડ્યા અને ત્યારે બાદ 8 વાગ્યા પછી ધોધમાર વરસાદ શરુ થયો હતો. જેમાં આ બે કલાકના સમયગાળામાં વરસાદે ચારેતરફ પાણી પાણી કરી નાખ્યું હતું.

દ્વારકા ડિઝાસ્ટર કચેરીએ નોંધાયેલ આંકડાઓ મુજબ 8 થી 10 વાગ્યા સુધીમાં ૯૮ મીમી એટલે કે ચાર ઇંચ વરસાદ પડી ગયો છે. જીલ્લાના અન્ય તાલુકાઓમાં એક પણ મીમી વરસાદ નોંધાયો નથી. જયારે ભાણવડ તાલુકા મથક અને ગામડાઓમાં પુર પ્રકોપ સર્જાયો છે. હજુ પણ મેઘરાજાનો મુકામ યથાવત હોવાથી વધુ વરસાદની શક્યતાઓ તોળાઈ રહી છે. બીજી તરફ ભારે વરસાદને કારણે ફરી વખત વર્તુ ડેમના ૧૫ દરવાજા ત્રણ ફૂટ સુધીખોલવામાં આવ્યા છે . જેને લઈને કલ્યાણપુર તાલુકાનું રાવલ ગામ પાંચમી વખત બેટમાં ફેરવાઈ જવાની સંભાવનાઓ સેવાઇ રહી છે.