ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ નરેન્દ્રસિંહ રાઠોડને જિલ્લાકક્ષાના સ્વતંત્રતા પર્વ કાર્યક્રમમાં સન્માનિત કરાયા
– ગુજરાત સરકારના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ દ્વારા સન્માનપત્ર આપી કોરોના વોરીયર્સને સન્માનિત કરવામાં આવ્યા
વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા (વિરમગામ) :
કોરોના વૈશ્વિક મહામારી સામેની લડાઇ દરમ્યાન ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અમદાવાદના જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડને ગુજરાત સરકારના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ દ્વારા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહેસુલ ભવન અમદાવાદ ખાતે આયોજિત 74માં સ્વતંત્રતા પર્વ ની ઉજવણીના કાર્યક્રમમાં કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અંગે નરેન્દ્રસિંહ રાઠોડ ને પૂછતાં જણાવેલ કે આ સમગ્ર શ્રેય ટીમને જાય છે કારણ કે ટીમ ભાવનાથી કામગીરી કરી છે. આ સન્માન ટીમને સમર્પિત કરું છું. અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્રસિંહ રાઠોડ કોરોનાને અટકાવવા માટે સેનિટેશન કામમાં વપરાયેલ 30 હજાર લીટર હાઇપોક્લોરાઇડ સોલ્યુશન નિશુલ્ક લાવ્યા હતા અને અમદાવાદ જિલ્લાના 464 ગામમાં એક જ દિવસે એક જ સમયે સેનિટેશન કામગીરી કરવામાં આવી હતી. તેઓએ મ.પ.હે.વ ની ટીમ તથા મેલેરિયા શાખાના કર્મચારીઓને સાથે રાખી ટીમ લીડર તરીકે કામગીરી કરી હતી. ભૂતકાળમાં પુર રાહત કામગીરી તથા બેટી બચાવો બેટી પઢાવો કામગીરી માટે પણ તેઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.