રાજનીતિમાં ધર્મ જોડાશે ત્યારે સુરાજ્ય સ્થપાશે : પ્રિ. સંજય વકીલ.

એચ. એ. કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સીપાલ, રોટરી ક્લબ પ્રહલાદનગર અમદાવાદનાં પૂર્વ પ્રમુખ તથા અશોશીએશન ઓફ ઇન્ડિયન કોલેજ પ્રિન્સીપલ્સનાં જનરલ સેક્રેટરી સંજય વકીલે “ જગતમાં ધર્મો અનેક છે પરંતુ ધર્મ એક જ છે.” વિષય ઉપર રોટરી ક્લબ આયોજિત વેબીનારમાં વક્તવ્ય આપ્યું હતુ. પ્રિ. વકીલે કહ્યું હતું કે બધા જ ધર્મો વિશ્વનાં માનવ સમૂદાયને જોડવાનું કામ કરે છે. જયારે અધર્મ તોડવાનું કામ કરે છે. ધર્મ એ સમસ્ત વિશ્વની વ્યવસ્થાનો આધારસ્તંભ છે. ધર્મ એ મનુષ્યમાં રહેલો સ્થાયી ભાવ છે. એથી જ અન્ય જીવ સૃષ્ટી કરતા મનુષ્ય અલગ તરી આવે છે. ધર્મ એટલે ટીલા, ટપકાં, મંત્ર, પૂજા પાઠ કે દોરા-ધાગા નહી. ધર્મ એટલે સત્ય, પ્રામાણિકતા, નિષ્ઠા, કર્મઠપણું તથા પુરુષાર્થ. આ સદ્દગુણો જગતના દરેક ધર્મે સંબોધ્યા છે. વિશ્વના બધા જ ધર્મોમાં સત્ય, અહિંસા, પ્રેમ, કરૂણા તથા અનુકંપાનું મહત્વ આંક્યું છે. મૂળભૂત રીતે જગતના બધાજ ધર્મોનો સાર તો એક જ છે કે માનવીય મૂલ્યો અપનાવી સદ્દગ્રહસ્થ બનીને જીવન જીવો. રાજનીતિમાં ધર્મ હોવો જોઈએ, ધર્મમાં રાજનીતિ ના હોવી જોઈએ. આ સંદેશ દરેક ધર્મનો સાર છે. દરેકની કહેવાની રીત અલગ અલગ છે. દરેક ધર્મનાં તત્વજ્ઞાનના ગુઢાર્થ મનુષ્યની બુદ્ધિમત્તાને ચકાશે છે. વસ્તુત : એક જ ભાવ પ્રગટે છે. “સત્યંવદ – ધર્મમ ચર.“ વસુદેવ કુટુમ્બકમની ભાવના સાથે વિશ્વનો દરેક માનવી જીવન જીવતા શીખી જશે તો વિશ્વયુદ્ધની નોબત ક્યારેય નહી આવે