શોધ હંમેશા માનવજાતના બચાવ માટે, એનુ જીવન સરળ સીધુ અને સ્પિડી બનાવવા માટે થતી હોય છે.. કુદરતી અને માનવીય આપદા સામે લડવા માટે થતી હોય છે.. વૈજ્ઞાનિકો રાતદિવસ ભૂખ્યા તરસ્યા રહીને આવિષ્કાર કરતા રહે છે..
તમે તમારી માના ખોળામાં કેટલા સુરક્ષિત છો. તમારો ગ્રોથ, તમારો મુડ મિજાજ, તમને શુ ધટે છે… તમે અંગે ઉપાંગે બધી રીતે પરફેક્ટ છો કે કેમ? એ જણાવવા જ મે જન્મ લીધો હતો.. મારુ કામ લોકોનુ જીવન બચાવવાનુ છે.. એવા લોકો જે હજી જન્મ્યા જ નથી… મારુ કામ જીવન બતાવવાનું છે.. જેન્ડર નહિ..
મશીનથી પ્રતિકૂળ કામ કરાવવું તમારી આદત છે.. અમારી નહી.. મશીનમાં જીવ નથી હોતો એ અમારા માટે વરદાનરુપ હકીકત છે..
હમણા એક આઠ વરસનો છોકરો મારા ઉપર થોડા ફુલ મુકી ગયો.. એનો જમણા હાથનું કાંડુ સુનુ હતુ.. જાણે હુ એની નાનકીની કબ્રગાહ હોઉ.. સ્મશાનભૂમિ હોવ.. એની નફરતભરી નિગાહોને જીરવવી મારા માટે કપરી હતી..
મારે કહેવુ હતુ.. બહેન વિહોણા મારા નાનકડા દોસ્ત.. તારો આક્રોશ સાચો છે પણ ખોટા સરનામે છે.. તારી બહેનનો. હત્યારો હુ નથી.. હુ તો છુ માત્ર સાધન..
ફુલ મુક તારા સમાજની રુગ્ણ માનસિકતા ઉપર.. જે સ્ત્રીઓને માણસ નથી સમજતી..
સુખડનો હાર ચઢાવ તારા માબાપની સમજ ઉપર જેને દિકરી બોજ લાગે છે…
આંસુ વહાવ એ પુરુષ માનસિકતા ઉપર.. ધોધમાર રડ એ સ્ત્રીની મજબૂરી ઉપર ..જે સ્ત્રી થઈને સ્ત્રીને મારવાની સંમતિ આપે છે..
ક્યારેક મુક..કયારેય પોતાની જાતે ,ક્યારેય મજબૂરીથી તો ક્યારેક મજબુતીથી…અને થુકવું હોય તો થુંક પેલી કે પેલા ડોક્ટરની પૈસાની ભુંખ ઉપર… વાસ્તવમાં તારી બહેનને મે નથી મારી…
તારો સમાજ તારી સમજ.. સ્ત્રીવિષયક લખનારા તારા ધર્મગ્રંથો.. તારા માબાપની માનસિકતા.. ડોક્ટરની ગંદી પૈસા કમાવવાની વૃતિ બધા સાથે મળીને તારી બહેનની હત્યા કરી છે. કરપીણ હત્યા, ધાતકી હત્યા, ઠંડે કલેજે થયેલી ધૃણિત અને પાશવી હત્યા…
મૃત્યુ પામનાર તો બહૂ સારી વૈજ્ઞાનિક હતી.. કદાચ અંતરિક્ષ વૈજ્ઞાનિક.. બહુ સારી રમતવીરો થવાના બધાજ લક્ષણો હતા.. ભારતને નોબલ એ જ અપાવવાની હતી..
આ દુનિયામાં યૃધ્ધ રોકી શકે એવી તે જ હતી.. તમે એને મારી નાંખી છે…
મને ફુલ નહી રાખડી જરુર છે… પ્લીઝ છોકરા આ ફુલ લઈ જા અને મને રાખડી બાંધ… જલ્દી કર નહી તો પાછો ડોક્ટર આવી જશે…
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા