*શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં શિક્ષાપત્રીની ૧૯૪ મી જયંતી દબદબાભેર ઉજવાઈ*…

*ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે શિક્ષાપત્રી ગ્રંથનું પૂજન કર્યું*

*મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના દેશ-વિદેશના મંદિરોમાં પણ શિક્ષાપત્રી જયંતી ઉજવાઇ*…

*મહાસુદ પાંચમ્ વસંત પંચમી* ”
‘‘ *શિક્ષાપત્રી” શ્રેષ્‍ઠ સદાચાર ગ્રંથ* ‘‘ *શિક્ષાપત્રી” સર્વજીવ હિતાવહ ગ્રંથ*..

જેમ ભગવદ્ગીતા સર્વે વેદો તથા વેદાન્તોના એક સારરૂપ છે, તેમ આ શિક્ષાપત્રી ગ્રંથ, સર્વે ધર્મશાસ્ત્રોના એક સારરૂપ છે. જેમ મધમાખી અનેક પુષ્પોમાંથી સાર ગ્રહણ કરીને એકત્રિત કરે છે, તેમ શ્રીજીમહારાજે અનેક ધર્મશાસ્ત્રોરૂપી ( 365+ )પુષ્પોમાંથી સાર ગ્રહણ કરી આ શિક્ષાપત્રીમાં એકત્રિત કરેલો છે.

શ્રીજી મહારાજે વિચાર કર્યો કે- કળીયુગમાં મનુષ્યની આયુષ્ય બહુજ ટુંકી હોય છે. અને તેમાં પણ સંસાર સંબંધી વ્યવહારિક કાર્યોમાં અને નિદ્રામાંજ આયુષ્યનો મોટો ભાગ વ્યતીત થતો હોય છે. અને વળી કળીયુગમાં મનુષ્યોની સારગ્રાહી બુદ્ધિ પણ હોતી નથી, તેથી મનુષ્ય સર્વે ધર્મશાસ્ત્રોનું મંથન કરીને જાતે ધર્મ અને અધર્મનો નિર્ણય કરી શકશે નહિ. આ રીતે વિચારીને શ્રીજીમહારાજે પોતે જ સર્વ જીવોના કલ્યાણને માટે સર્વે ધર્મશાસ્ત્રોનો સાર ગ્રહણ કરીને પોતાના આશ્રિત ભક્તજનોને એ સાર, શિક્ષાપત્રી રૂપે સમર્પિત કરેલો છે.

શ્રુતિ જેમ જગત જનની કહેવાય છે, અર્થાત્ શ્રુતિ જેમ માતાની પેઠે હમેશાં જગતનું હિત જ કહે છે, અહિત તો ક્યારેય પણ કહેતી નથી. તેમ આ શિક્ષાપત્રી પણ સર્વ જીવપ્રાણીમાત્રની માતા છે. માતા જેમ પોતાના બાળકને નાની મોટી સર્વે ક્રિયાઓ શીખવાડે છે, તેમ આ શિક્ષાપત્રી સર્વે સત્સંગીઓને ક્યારે ઉઠવું, કેવી રીતે દાતણ કરવું, કેવી રીતે મળમૂત્રનો ત્યાગ કરવો, કેવી રીતે સ્નાન કરવું, ઇત્યાદિક તમામ નાની મોટી ક્રિયાઓ શીખવાડે છે. અને માતાની પેઠે હમેશાં જગતનું હિત જ કહેનારી છે. એજ કારણથી આ શિક્ષાપત્રીને (सर्वजीवहितावहः) સર્વ જીવોનું હિતકરનારી કહેલી છે.

અને વળી જેમ વેદોનો ભગવાનના મુખ થકી આવિર્ભાવ થયો છે, તેમ આ શિક્ષાપત્રીનો પણ ભગવાન દ્વારા જ આવિર્ભાવ થયો છે. અને વળી ભગવાને પોતે જ કહેલું છે કે- આ મારી વાણી એ મારૂં જ સ્વરૂપ છે. માટે વેદસ્વરૂપ આ શિક્ષાપત્રી ગ્રંથ ભગવાનનું સાક્ષાત્ મૂર્તિમાન સ્વરૂપ છે. અને આ શિક્ષાપત્રીના ૨૧૨ શ્લોકની અંદર સમગ્ર ધર્મશાસ્ત્રોના રહસ્યનો સમાવેશ કરેલો છે. માટે આ શિક્ષાપત્રી સર્વોપરી અને સર્વોત્તમ ગ્રંથ છે.
(૨) ધર્મનું મહત્વ
**********
धरति इति धर्मः વિશ્વને ધારણ કરે તેને કહેવાય ધર્મ. કોઇ પણ રૂપે ધર્મ વિશ્વને ધારણ કરે છે. મનુષ્યોને સદાચારના રૂપમાં ધર્મ ધારણ કરે છે. જો મનુષ્યોની અંદર અહિંસાદિક સદાચાર ન હોય તો મનુષ્યો હિંસા, ચોરી, લુંટ, ફાટ ઇત્યાદિકે કરીને છિન્ન ભિન્ન થઇ જાય, માટે અહિંસાદિક સદાચાર રૂપે ધર્મ મનુષ્યોને હમેશાં ધારણ કરી રહ્યો છે.

કોઇપણ નાની મોટી સંસ્થાઓ હોય તેને ધર્મ સંસ્થાકીય બંધારણરૂપે ધારણ કરે છે. કોઇપણ સંસ્થાનાં જો સંસ્થાકીય બંધારણો ન હોય, તો એ સંસ્થાના સંચાલકો ઉચ્છૃંખલ બની જાય, અને સંસ્થા વ્યવસ્થિત ચાલી શકે નહિ. અને વળી આ રાષ્ટ્રો છે તેના પણ કાયદા હોય છે. અર્થાત્ રાજકીય બંધારણો હોય છે. તો ધર્મ એ કાયદારૂપે રાષ્ટ્રોને ધારણ કરે છે. જો રાષ્ટ્રોના કાયદા ન હોય તો પ્રજા અને પ્રધાનો ઉચ્શૃંખલ બની જાય, અને ચોરી, હિંસા, અનાચાર, બળાત્કાર ઇત્યાદિકે કરીને દેશની સર્વે પ્રજા છિન્ન ભિન્ન થઇ જાય. આ રીતે કોઇને કોઇ રૂપમાં ધર્મ સંપૂર્ણ વિશ્વને ધારણ કરે છે.

અને વળી ધર્મ મનુષ્યને સાચા અર્થમાં માનવ બનતાં શીખવાડે છે. ધર્મ મનુષ્યોમાં પરસ્પર વિશ્વાસ ઉત્પન્ન કરે છે. કારણ કે ધર્મનિષ્ઠ મનુષ્યનો બધા વિશ્વાસ કરે છે, પણ અધર્મીનો કોઇપણ વિશ્વાસ કરતું નથી. ધર્મ મનુષ્યને વિવેકી અને સંયમી બનાવે છે. ધર્મ વિના તો કોઇપણ સાધનોની કે મંત્રોની સિદ્ધિ થતી નથી. માટે જ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ચાર ભગવાનને પામવાનાં મુખ્ય સાધનો પ્રતિપાદન કરેલાં છે. તેમાં ધર્મને પ્રાથમિક સ્થાન પ્રાપ્ત થયેલું છે.

અનુજ્ઞા અને આદેશ.
****************
આજ્ઞાઓ બે પ્રકારની હોય છે- એક અનુજ્ઞા અને બીજો આદેશ. તેમાં અનુજ્ઞા વૈકલ્પિક હોય છે. જેમ કે- એકાદશીને દિવસે ઉપવાસ કરવો એ અનુજ્ઞા છે, એમાં વિકલ્પ રહ્યો છે કે જો ઉપવાસ ન થઇ શકે તો ફળાહાર કરી લેવું. અને ગમે તેમ હોય તો પણ એકાદશીનું વ્રત તો કોઇ પણ રીતે કરવું જ, એ આદેશ છે. આદેશમાં બાંધ છોડ હોતી નથી, પણ અનુજ્ઞામાં બાંધછોડ હોય છે.

આ શિક્ષાપત્રી ગ્રંથ એક આદેશ ગ્રંથ છે. આ શિક્ષાપત્રીમાં રહેલા તમામ આદેશો શિરોમાન્ય અને અવશ્ય સ્વીકાર્ય છે. કેટલાક લોકો સંકુચિત બુદ્ધિથી પ્રેરાઇને એવું કહેતા હોય છે કે, શ્રીજીમહારાજે રાધાકૃષ્ણાદિક દેવોની મૂર્તિઓ પધરાવેલી છે, એ તો પરોક્ષના જનોને આ સંપ્રદાયમાં ખેંચવા માટે પધરાવેલી છે. માટે એ આપણા માટે ઉપાસ્ય નથી. આ રીતે આ શિક્ષાપત્રીરૂપી આદેશ ગ્રંથની અંદર બાંધછોડ કરતા હોય છે. પણ આ આદેશ ગ્રંથની અંદર કોઇપણ જાતની બાંધછોડ થઇ શકે નહિ. અને વળી કેટલાક લોકો એવું કહેતા હોય છે કે, શ્રીમદ્ભાગવતાદિક આઠ સચ્છાસ્ત્રો શ્રીજીમહારાજને ઇષ્ટ છે, પણ શિરોમાન્ય નથી. આ રીતની બાંધ છોડ આ શિક્ષાપત્રી ગ્રંથની અંદર થતી હોય છે. પણ આપત્કાળ સિવાય આ ગ્રંથની અંદર કોઇપણ જાતની બાંધછોડ આપવામાં આવી નથી. અને જો કરે છે તો આ ગ્રંથનો અનાદર છે. જેમ ન્યાયાલયનો આદેશ શિરોમાન્ય અને અવશ્ય સ્વીકાર્ય હોય છે, છતાં જો કોઇ એ આદેશનો અનાદર કરે તો એમને રાજકીય દંડ આપવામાં આવે છે. તેમ આ શિક્ષાપત્રીના આદેશનો કોઇ પણ પુરૂષ અનાદર કરે છે, તો તેને અવશ્ય પારમેશ્વરી દંડ મળે જ છે. કદાચ રાજકીય દંડથી પુરૂષ પોતાની બુદ્ધિના બળે છટકી શકે છે. પણ પારમેશ્વરી દંડથી કોઇ પણ પુરૂષો પોતાની બુદ્ધિના બળે ક્યારેય પણ છટકી શકતા નથી. કારણ કે પરમાત્મા તો હૃદયમાં બેસીને પ્રાણીમાત્રની બુદ્ધિને પકડી રાખે.

શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના આશ્રિતોને ઉદ્દેશીને લખેલી પુસ્‍તિકા ‘શિક્ષાપત્રી’ શ્રી સ્‍વામિનારાયણ સંપ્રદાયનો અદ્દભૂત અને અભૂતપૂર્વ ગ્રંથ છે. શ્રી સ્‍વામિનારાયણ ભગવાનની પોતાની વાણી એટલે પરાવાણી એ ‘વચનામૃત’ તથા ‘શિક્ષાપત્રી’ એ બે ગ્રંથોમાં વહે છે. આ બંને ગ્રંથોની વિશિષ્‍ટતા એ છે કે સામાન્‍યમાં સામાન્‍ય માણસ પણ વાંચી અને સમજી શકે એવી સરળ ભાષામાં લખાયેલો છે. ‘શિક્ષાપત્રી’ માં સદાચારના ઉપદેશનું પ્રાધાન્‍ય છે.
સંવત ૧૮૮૨ નાં મહાસુદી ૫ અર્થાત વસંત પંચમીનાં શુભ દિવસે લખાયેલી આ ‘કલ્‍યાણ કૃતિ’ એટલે ફકત ૨૧૨ શ્‍લોકની નાની પુસ્‍તિકા ‘દેખન મેં છોટે લગે, પર ઘાવ કરે ગંભીર’ એવા આ શ્‍લોકો આ લોક અને પરલોકનો સુખનો માર્ગ બતાવનારા છે. એટલુ જ નહીં સર્વજીવહિતાવહ સંદેશના અર્થાત સર્વ દેવોનું કલ્‍યાણ કરવા સમર્થ સંદેશના વાહક છે. આ શિક્ષાપત્રીના અંતે ભગવાને સ્‍પષ્‍ટ શબ્‍દોમાં દર્શાવ્‍યું છે કે અમારા આશ્રિત જે પુરૂષો તથા સ્ત્રીઓ આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરૂષાર્થની સિદ્ધિને નિશ્ચે પામશે. શ્રી સ્‍વામિનારાયણ ભગવાનનાં શબ્‍દોમાં કહીએ તો આ શિક્ષાપત્રી મનુષ્‍યોને મન વાંચ્‍છિત ફળ આપનારી છે.
શ્રી સ્‍વામિનારાયણ ભગવાન જયારે આ ભૂમિ પર પધાર્યા ત્‍યારે એટલે કે આજથી દોઢ સો વર્ષ પહેલાં આ ભૂમિ અનીતિ, અસંસ્‍કાર અને અનાચારનું ધામ બની ગઈ હતી. સામાજીક સુરક્ષાનો અભાવ હતો. હિંસા, અજ્ઞાન, વિષય વાસના, વહેમ અને વ્‍યસનોમાં સંપૂર્ણ વ્‍યાપ્‍ત થયેલો. આ ભૂમિને તેમાંથી મુકત કરવી જોઈએ એવું શ્રી સ્‍વામિનારાયણ ભગવાને પ્રથમ દૃષ્‍ટિએ સમજાઈ ગયું.
શ્રી સ્‍વામિનારાયણ ભગવાને ભકિતને જીવનમાં પ્રાધાન્‍ય આપ્‍યુ છે. સાથોસાથ ભકિત પણ ધર્મ સહિત કરવી. એવો ઉપદેશ આપી જે ભકિતને ધર્મ સાથે સાંકળી લીધી છે. સદાચાર વિના ભકિત પણ નકામી છે દંભ છે, પાખંડ છે, ગમે તેવો વિદ્વાન હોય પરંતુ એ ભકિત અને સત્‍સંગ રહિત હોય તો તે અધોગતિને પામે છે.
ભગવાન સ્‍વામીનારાયણ આ શિક્ષાપત્રીમાં સામાન્‍યમાં સામાન્‍ય માણસને અતિ ઉપયોગી થાય તેવી બાબતો જણાવેલી છે. એમાંથી કેટલીક જોઈએ ૧) ભગવાન સ્‍વામીનારાયણે થૂંકવાના અને સોચ વિધિના નિયમો આપ્‍યા છે. ૨) મિત્ર, ભાઈ કે પુત્ર સાથે ઘન અંગેના વ્‍યવહારને લેખિત સ્‍વરૂપ આપવાનું સુચવ્‍યુ છે. ૩) પૂછ્‍યા વિના ફુલ જેવી વસ્‍તુ પણ ન લેવી જણાવ્‍યુ છે. ૪) કૃતજ્ઞી, ચોર, પાપી, પાખંડી, કે વ્‍યસનીનો કદાપી સંગ ન કરવો, એવી આજ્ઞા કરી છે. ૫) ભકિત કે જ્ઞાનના આધારે મહાત્‍માઓ જોસ્ત્રી કે રસના લોભે કે દ્રવ્‍યના લોભે પાપ આચરતા હોય તો અને વિદ્વાન હોય તો પણ સંઘ ન કરવા જણાવ્‍યું છે. ૬) કોઈની થાપણ રાખવી નહીં અને ૭) કોઈના જામીન પણ થવું નહીં ૮) આવક પ્રમાણે ખર્ચ કરવો. ૯) આવક જાવકનો દૈનિક હિસાબ રાખવો ૧૦) ધર્મ માટે પણ શકિત પ્રમાણે ખર્ચ કરવો ૧૧) પશુની ચાકરી કરી શકાય તો જ પાળવા.
ભારતના સ્‍વર્ગસ્‍થ વંદનીય અને વિદ્વાન રાષ્‍ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્‍ણને આ શિક્ષાપત્રીના ઉપદેશની ખૂબ પ્રશંસા કરી છે. શિક્ષાપત્રી એ સદાચારનો ગ્રંથ છે. શિક્ષાપત્રી સર્વજીવ હિતાવહનો ગ્રંથ છે અને સામાન્‍યમાં સામાન્‍ય માનવી આ શિક્ષાપત્રીના શ્‍લોકનું એટલે કે સદાચારનું પાલન કરી ખૂબ ખૂબ સુખી જીવન જીવી શકે છે.
ધરમપુર શ્રી સ્વામિનારાયણ મંદિર પાટોત્સવ, સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ૨૫૪ પ્રાગટ્ય જયંતી, સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી ૨૪૮મી જયંતી, ગઢડા મધ્ય પ્રકરણ ૪૧ અને ગઢડા છેલ્લા પ્રકરણના ૩૨ મુ વચનામૃત આજના દિવસે શ્રી હરિએ ઉદ્બોધેલુ….
આવા અનેક પર્વથી સભર આજના પવિત્રતમ દિને ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપા અને પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની દિવ્ય નિશ્રામાં શિક્ષાપત્રીની ૧૯૪ મી પ્રાગટ્ય જયંતીએ સંતો અને હરિભકતોએ શિક્ષાપત્રીનો સામૂહિક પાઠ કર્યો હતો. ત્યારબાદ વસંત પંચમી અવસરે ઓચ્છવ, શિક્ષાપત્રનું પૂજન-અર્ચન અને નિરાજન કરવામાં આવી હતી. શ્રી હરિ પ્રસાદીભૂત કુમકુમ પૂજ્ય સંતો અને હરિભકતો ઉપર સદ્ગુરુ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીએ કુમકુમ પ્રસાદી છંટકાવ કર્યો હતો. ત્યારબાદ હરિભક્તોએ શિક્ષાપત્રી જયંતીએ શ્રી હરિજીને ધરાવેલ પ્રસાદ આસ્વાદ માણ્યો હતો.