દેશ અને દુનિયાના ચાર લાખ મોટા વેપારીઓ તથા મોટી બ્રાન્ડ્સને આમંત્રણ અપાશે
કાપડના વ્યાપારમાં પ્રવર્તી રહેલી મહામંદીને દૂર કરવા અને વેપારીઓને મોટા ઓર્ડર મળી રહે તે હેતુસર યોજાઇ રહેલો દેશનો પ્રથમ વર્ચ્યુઅલ એક્સપો ૯૦ દિવસ સુધી ચાલશે. ટેક્સ્ટાઇલ એક્સ્પોમાં ચાર લાખથી વધુ દેશ અને દુનિયાના મોટા વેપારીઓ અને બ્રાન્ડ્સને આમંત્રણ આપવામાં આવશે. એક્સ્પો મા શહેરના વેપારીઓને વધુમાં વધુ ઓર્ડર મળે તેવા પ્રયાસ કરવામાં આવશે.
કોરોનાની મહામારી ને કારણે દેશ અને દુનિયાભરમાં વ્યાપાર ધંધા ઉપર માઠી અસર પડી છે. તેમાંય વળી અમદાવાદની ઓળખ કહેવાતા કાપડ ઉદ્યોગની સ્થિતિ દયનીય બની ગઇ છે. આ પરિસ્થિતિમાં વેપારીઓને કામ ધંધા મળે તેના માટે દર વર્ષે એક્ઝિબિશન યોજાતા હોય છે.જોકે ચાલુ વર્ષે કોરોનાની મહામારી ને કારણે એક્ઝિબિશન યોજવું સંભવ નથી.
માટે જ મસ્કતી કાપડ મહાજનનાવેપારીઓ દ્વારા દેશનો પ્રથમ વર્ચ્યુઅલ ટેક્સ્ટાઇલ એક્સ્પો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતના જણાવ્યા મુજબ 24મી ઓગસ્ટથી શરૂ થતો આ વર્ચ્યુઅલ એક્સપો ૯૦ દિવસ સુધી ચાલશે. જેમાં દેશ અને દુનિયાભરના વ્યાપારીઓ પોતાના ઘર કે ઓફિસમાં બેઠા બેઠા તમામ સ્ટોરમાં ઉપલબ્ધ મટીરીયલ ની વિગતો પોતાની સ્ક્રીન ઉપર જોઈ શકશે. વેપારીઓ પોતાના સમયે વર્ચ્યુઅલ એક્સપો ની ઓનલાઈન વિઝીટ કરી શકશે તથા તેમને સ્ટોરમાં ઉપલબ્ધ મટીરીયલ રૂબરૂ જોતા હોય તેવી ફીલિંગ આવે તેના માટે તમામ મટીરીયલ ની ઈમેજ 3D 4D રાખવાનો પ્રયાસ કરવામાં આવશે.સામાન્ય રીતે અમદાવાદના સુતરાઉ કાપડની માગ માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરના દેશોમાં છે. માટે આ વર્ચ્યુઅલ એક્સપો ને કારણે અમદાવાદના વેપારીઓને ચોક્કસ ફાયદો થઇ શકે તેમ છે.