કોરોનાની સારવાર માટે એડમિટ થયેલા સતીશ તન્નાને
પેરાલીસીસ,ઇન્ફેક્શન અને ઘણી તકલીફો થઈ
પરિવારનો હકારાત્મક અભિગમ અને સતીશભાઇનો વિલ પાવર તબીબોને હિંમત પૂરી પાડતો હતો
કોરોના કરતા કોરોનાનો ડર લોકોને વધારે પરેશાન કરી રહ્યો છે. જો કોરોનાગ્રસ્ત દર્દી ની કોરોના સામે જીતી જવાની જીદ હોય તો ચોક્કસ કે કોરોના ને મહાત કરી શકે છે આ વાત સાબિત કરી છે અમદાવાદના ૭૦ વર્ષીય સતિષભાઈ તન્નાએ. કોરોના ની સારવાર માટે CIMS હોસ્પિટલમાં દાખલ થયેલા સતિષભાઈ ૭૦ દિવસની સારવાર બાદ કોરોના ને ને હરાવી ઘરે પરત ફર્યા છે. આ સારવાર દરમિયાન તેમને ઇન્ફેક્શન પેરાલીસીસ સહિતની તમામ તકલીફો થઇ પરંતુ તેમની કોરોના ને હરાવવા ની જીદ આખરે જીતી ગઈ. પરિવારનો હકારાત્મક અભિગમ અને સતિષભાઈ નો વિલ પાવર તબીબોને પણ હિંમત આપતો હતો તેમ સારવાર કરનાર તબીબો જણાવી રહ્યા છે.
CIMS હોસ્પિટલના તબીબ ડોક્ટર ભાગ્યેશ શાહ તથા તેમની ટીમ ડો.વિપુલ ઠક્કર ડૉ.અમિત પટેલ ડો.મિનેશ પટેલ ડૉ. સુરભી અને ડો.પ્રદીપ ડાભી પાસે મે મહિનાની શરૂઆતમાં સતિષભાઈ તન્ના નામના દર્દી કોરોનાની સારવાર માટે એડમિટ થયા. સતિષભાઈ ની મોટી ઉંમર અને કોરોનાનો વધારે ચેપ તેમને પરેશાન કરી મૂકતો હતો.
સતિષભાઈ ની સારવાર અંગે માહિતી આપતા ડો ભાગ્યેશ શાહે જણાવ્યું હતું કે સતિષભાઈ ની સારવાર ચાલુ કરી દીધી પરંતુ દિવસે દિવસે તેમની સ્થિતિ વિકટ બનતી જતી હતી તેમને વેન્ટિલેટર ઉપર લેવા પડ્યા અને ઓક્સિજન આપવાની શરૂઆત કરી આખરે તેમાં પણ ધારી સફળતા ન મળતા તેમને ઓક્સિજન અને વેન્ટિલેટર સાથે પ્રોનિંગ એટલે કે ઊંધા ઊંઘાડીનેવધુ ઓક્સિજન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમને ગળામાં હોલ પાડીને પણ સારવાર શરૂ કરવામાં આવી હતી.
આ સારવાર ચાલતી હતી ત્યારે જ કોરોના ની આડઅસર કહી શકાય તેમ તેમને પેરાલીસીસનો એટેક આવી ગયો એટલે સ્થિતિ વધુ કથળી ગઈ ્બીજી તરફ ઇન્ફેક્શન પણ શરીરમાં શરૂ થઈ ગયું હતું જેને કારણે તબીબોની ટીમ થોડી ટેન્શનમાં આવી ગઈ હતી. જોકે આ સમયે સતિષભાઈ ના પરિવારે તબીબોને કહ્યુ કે તેમના ઉપર સંપૂર્ણ શ્રદ્ધા છે અને તેમનો હકારાત્મક અભિગમ તથા બીજી તરફ સતિષભાઈ નો વિલ પાવર તબીબોને જાણે કે હિંમત આપતા હોય તેમ તબીબોએ બમણી તાકાતથી તેમની સારવાર શરૂ કરી દીધી.
ઘણા દિવસો બાદ ધીરે ધીરે રિકવરી આવવા લાગી અને આખરે વેન્ટિલેટર હટાવી લેવાયું તથા ધીરે ધીરે તેમનું હલનચલન શરૂ થઈ ગયું. તેમને મનોબળ પૂરું પાડવા માટે પરિવાર સાથે તબીબો વીડિયો કોલિંગ પર વાત કરાવતા હતા. સતિષભાઈ ના વિલ પાવર ને કારણે તેમણે પથારીમાંથી જાતે બેઠા થવાનું અને થોડો થોડો ખોરાક પણ લેવાનું શરૂ કરી દીધું આખરે ૭૦ દિવસની સારવાર બાદ સતિષભાઈ જાતે જ ખાતા-પીતા અને હરતા ફરતા થઈ ગયા ત્યારે તબીબોએ તેમને ઘરે જવા વિદાય આપી.