મૂત્રમાં જ સાકર જતી હોય તો અજમાવી જૂઓ. – વૈદ્ય બલભદ્ર મહેતા.

કરંજનું તેલ વાતનાશક, કૃમિનાશક, સ્નિગ્ધ છે. ઘા ભરવામાં ઉત્તમ છે. માથામાં થતાં ખોડામાં લગાવવાથી સુંદર પરિણામ મળે છે

આપણી આજુબાજુ કે આંગણામાં ઉભેલ વૃક્ષ શોભા, આરોગ્ય અને ઓક્સીજન આપે છે એટલું જાણી સંતોષ માનીએ છીએ પણ એમાં રહેલ અનેક ઔષધીય ગુણો જાણવાની આપણે બહુ દરકાર કરતા નથી. આવા વૃક્ષોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. કણજી જેને કરંજ પણ કહે છે. અંગ્રેજીમાં ઈન્ડીયન બીચ અને લેટિનમાં પોંગેમિયા પિનેટા કહે છે. ગુચ્છાદાર ફુલો ધરાવતું વૃક્ષ રાત્રે અતિ સુંદર લાગે છે. આ રૂપાળા વૃક્ષને મહાકવિ કાલીદાસે એમના મહાકાવ્ય રઘુવંશમાં યાદ કર્યું છે.

આ વૃક્ષની છાયા, શીતળ હોવાથી, ઉનાળામાં બહુ ગમે છે. અક્સીર ઔષધીય ગુણો ધરાવતું આ વૃક્ષ અતિપ્રાચીન સમયથી ઔષધ તરીકે વપરાતું આવ્યું છે. ચરક અને સુશ્રુત સંહિતામાં ભારે પ્રશંસા કરેલ છે. વૈદ્યો અને ફાર્મસીવાળા કરંજનો ઘણો ઉપયોગ કરે છે પણ લોકો તાજો કરંજ વાપરી એનો લાભ લેતાં નથી. દક્ષિણમાં આવેલા પ્રદેશો હિમાલય અને શ્રીલંકામાં કરંજ પુષ્કળ પ્રમાણમાં થાય છે. હવે તો જંગલ ખાતાના પ્રયત્નોથી રસ્તાઓની બાજુએ અને શહેરમાં પણ વૃક્ષ અવારનવાર જોવા મળે છે.

કરંજ ચામડીના રોગોમાં વિશેષ વપરાય છે. ખસ, ખુજલી, ખરજવું વગેરે રોગોમાં કણજીનું તેલ અને અન્ય બનાવટો ખૂબજ અસરકારક છે. આ ઉપરાંત વાતકફનાશક હોવાથી પાચનને લગતાં વ્યાધિઓ અને શરદી ઉધરસ વગેરેમાં પણ વપરાય છે. કરંજ રક્તશોધક છે. ગુણમાં લઘુ, તીક્ષ્ણ, રસમાં કડવો, તીખો અને તુરો રસ ધરાવે છે.

પેટનો વાયુ, યોનિદોષ, હરસ, ખુજલી, ગુમડા, ઘા, કફ, કૃમિ, ચામડીના રોગો, પ્રમેહ અને બરોળનો નાશ કરે છે અને ફળ-બીજ ઉષ્ણ, લઘુ, મસ્તક રોગ, અજીર્ણ, વાયુ, કફ, કૃમિ, ચામડીના રોગો, હરસ અને પ્રમેહ મટાડે છે. કરંજનું તેલ વાતનાશક, કૃમિનાશક, સ્નિગ્ધ છે. ઘા ભરવામાં ઉત્તમ છે. ખુજલી ઉત્પન્ન કરતા જુદા જુદા રોગોમાં તેલ લગાવવાથી ખૂબ જ સારું રહે છે. માથામાં થતાં ખોડામાં લગાવવાથી સુંદર પરીણામ મળે છે.

કરંજમાંથી બનતાં અનેક યોગો ઘણાં રોગોમાં વપરાય છે. એમાંથી થોડા અનુભત યોગો અહીં રજુ કરીએ છીએ.

(૧) ઈક્ષુ-પ્રમેહ-પેશાબમાં સાકર જવી. આ વ્યાધિમાં પેશાબમાં સાકર જાય છે, પરંતુ રક્ત નોર્મલ હોય છે. આ વ્યાધિમાં અક્સીર ઔષધો ઓછા છે છતાં કરંજ પાન અથવા ફુલનું ચૂર્ણ અને લોઘ્ર ચૂર્ણ સરખેભાગે મેળવી નિયમિત લેવાથી વારેવારે મૂત્ર કરવા જવાનું કાબુમાં આવશે એ પેશાબમાંથી સાકર જશે નહિ.

(૨) પેટના રોગો જેવા કે અરૂચી, અગ્નિમાંદ્ય, હરસ, પેટનો વાયુ, કૃમિ, કબજીયાત વગેરેમાં કરંજ છાલ અથવા પત્રસ્વરસ કે ચૂર્ણ વિશેષ લાભકારક છે. પેટના કૃમિમાં બીજ ચૂર્ણ ઉપયોગી છે. દાંતના પાયરીયામાં કરંજ દાતણ ખૂબ જ ઉપયોગી છે. કરંજનું દાંતણ કરવાથી દુર્ગંધ તુરત જ દૂર થાય છે.

૧૯૮૧માં ડો. બી.એ. ખાનોલકરે કેન્સર પર કરંજનો ઉપયોગ સંશોધનાત્મક દ્રષ્ટિએ કર્યો હતો. જે અસરકારક માલુમ પડેલ. ડોક્ટરે કરંજ બીજમાંથી અર્ક બનાવી કેન્સરમાં વાપરેલ હતો.

(૩) મોટી ઉધરસના દર્દીએ કરંજબીજ ચૂર્ણ અને અરડૂસી ચૂર્ણ સમભાગે મેળવી ૧/૨ થી ૨ ગ્રામ મધ સાથે ઉંમર પ્રમાણે આપવાથી મટે છે.

(૪) હરસ-કરંજના કુણા પાન વાટીને લગાવવાથી વધેલા હરસ બેસે છે. રક્તસ્ત્રાવ બંધ થાય છે.

(૫) ખુજલી, ખસ, ખરજવું, કરંજપાન લીમડાના પાન અને ગૌમૂત્રમાં પીસી લેપ કરવાથી અને આ પાન પાણીમાં નાખી ઊકાળી પછી એ પાણીથી સ્નાન કરવું. પથ્ય ભોજન લેવું સારું થાય છે.

(૬) જુના ન રૂઝાતા વ્રણ માટે કરંજપત્ર અને નીમપત્ર સ્વરસમાં ગોજપીસ પલાળી ડ્રેસીંગ નિયમિત કરવાથી સારું થાય છે.

*🙏🏻સૌજન્ય🙏🏻*

*☝🏻વૈદ્ય બલભદ્ર મહેતા☝🏻*

*વોટ્સએપ: 9427888387*