*લોકડાઉનમાં પુસ્તકો અનલોક કર્યા, દુર્વિચારો બ્લોક કર્યા, કામ રાઉન્ડ-ધી-ક્લોક કર્યા, તો ખુશીઓએ દરવાજા નોક કર્યા*
……..
*પ્રો. મિતેષભાઇએ બંધારણ પર પુસ્તક લખ્યું, કેમિકલ ઇજનેર ધરવએ સેનિટાઇઝર બનાવ્યું તો સ્પોર્ટ્સ પર્સન ઉર્મિ ઓનલાઇન ટેનીસ કોચ બની*
………..
કોવિડ-૧૯ પેન્ડેમીક અને લોકડાઉને દુનીયાભરમાં લોકોના જીવન પર ઘેરી અસર જન્માવી છે. માનવીએ કોરોના સામેની લડત શારિરીક, આર્થિક, માનસિક, સામાજિક અને વ્યવસાયિક એમ તમામ સ્તરે લડવી પડી છે. ઘણા લોકો એવા પણ છે જેમણે આ લડતમાં નવી ઉર્જા- નવા વિચારો સાથે ઝંપલાવ્યું અને સફળ રહ્યા.
આજે વાત એવા લોકોની કરવી છે કે, જેમણે લોકડાઉનમાં પુસ્તકો અનલોક કર્યા, દુર્વિચારો બ્લોક કર્યા, કામ રાઉન્ડ-ધી-ક્લોક કર્યા તો ખુશીઓએ તેમના દરવાજા નોક કર્યા.
મિતેષભાઈ સોલંકી સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ ક્લાસમાં અધ્યાપક છે. લોકડાઉન જાહેર થતા તેમને ઘરમાં નવરા બેસી રહેવું રાસ ન આવ્યું. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક-એક દિવસ અને કલાક અગત્યનો હોય છે. આ માટે તેઓએ બંધારણના જટિલ વિષયો પર વિડિયો લેક્ચર બનાવી યુટ્યુબ પર અપલોડ કરવાનું શરૂ કર્યું. મિતેષભાઇને વિચાર આવ્યો કે, નવરાશની પળોમાં હજુ વધારે ઉપયોગી કાર્યો કરી શકાય તેમ છે. આ વિચારને મૂર્તિમંત કરતા તેઓએ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે બંધારણ વિષય પર એક સરળ પુસ્તક લખવાનો નિર્ધાર કર્યો. ઘરના પુસ્તકાલયમાં વસાવેલા સંદર્ભગ્રંથો વાંચવાનું શરૂ કર્યું. તેમણે ૧૦થી વધુ દળદાર પુસ્તકોનું વાંચન કરી નાખ્યું.
મિતેશભાઇ કહે છે કે, હું રોજના સરેરાશ ૧૦ થી ૧૨ કલાક વાંચન કરતો. સંશોધન કાર્ય પૂરું થતાં લખવાનું શરૂ કર્યું. માત્ર ૧૭ દિવસમાં મારા પુસ્તકનો પહેલો ડ્રાફ્ટ તૈયાર કર્યો. આ પુસ્તકમાં બંધારણની તમામ ૩૯૫ કલમ વિસ્તારપૂર્વક અને ઐતિહાસિક તથ્યો સાથે સમજાવવામાં આવી છે.
તેઓના કહ્યા મુજબ લોકડાઉનમાં તેઓને એક મિનિટ પણ કંટાળો અનુભવાયો નથી. મિતેષભાઇ પ્રાણીશાસ્ત્ર, જૈવભૌતિક વિજ્ઞાન અને ઔષધીય વ્યવસ્થાપન જેવા વિષયો પર અનુસ્નાતકની પદવી ધરાવે છે. બંધારણ વિષયક સંદર્ભ ગ્રંથો ઉપરાંત તેઓએ જાહેર વહીવટ અને જાહેર સંસ્થાનો પરના પુસ્તક તથા ડૉ. રઘુરામ રાજન અને ડૉ. શશી થરુર લીખીત પુસ્તકો પણ લોકડાઉનમાં સંપૂર્ણ વાંચ્યા છે.
યુવા ઇજનેર ધરવની કહાની પણ આવી જ છે. ધરવ વટવાની ફેક્ટરીમાં કેમિકલ એન્જિનીયર છે. લોકડાઉન અને શ્રમિકોના વતન પ્રયાણને કારણે ફેક્ટરી બંધ પડી. ધરવે નિરાશ બેસી રહેવાને બદલે કંઇક નવુ કરવા વિચાર્યું. રોજબરોજ સેનીટાઇઝરની વધતી માંગ જોતા તેણે સેનીટાઇઝર બનાવવાનું નક્કી કર્યું. ઓર્ગેનીક કેમેસ્ટ્રીના પુસ્તકો વાંચ્યા અને પ્રયોગો શરુ કર્યા.
ધરવે બનાવેલું સેનીટાઈઝર ગેસ ક્રોમેટોગ્રાફી ટેસ્ટ અને માઇક્રોસ્કોપિક ટેસ્ટ એમ બંનેમાં ખરું ઉતર્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠનની માર્ગદર્શિકા પ્રમાણે વિસ્કોસિટિ(તરલતા), પી.એચ.વેલ્યુ અને ઘનતા જેવા માપદંડો પણ ધ્યાને લેવામાં આવ્યા છે. સેનીટાઈઝરનું ઉત્પાદન કર્યા બાદ તેના ટેસ્ટ રિપોર્ટ સારા આવતા હવે તેને વ્યાવસાયિક ધોરણે ઉત્પાદન કરવા ‘સ્ટાર્ટ-અપ’ શરુ કરવા ધરવનો વિચાર છે અને આ માટે લાયસન્સની પ્રક્રિયા હાલ ચાલી રહી છે…
ધરવ કહે છે કે, આજકાલ ક્યાંક બજારમાં જેલી બેઇઝ સેનીટાઇઝર મળી રહ્યા છે જે એક્રેલિક એસિડના માઇક્રોમર ધરાવે છે અને ત્વચાને નુકશાનકારક છે. આથી જેલી બેઇઝ સેનીટાઇઝરથી બચવું જોઈએ અને લિક્વિડ સેનીટાઇઝરનો જ ઉપયોગ કરવો જોઈએ.
હવે વાત ઊર્મિ પંડ્યાની જેણે લોકડાઉનમાં શાળાના બાળકોને ટેનિસ રમતા શીખવાડ્યું. ૨૦ વર્ષિય ઉર્મિ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટેનીસ રમી ચુક્યા છે. તેઓ પ્રોફેશનલ ટેનિસ રમવાની સાથે સાથે શાળાના બાળકોને ઓનલાઈન કોચિંગ પણ આપે છે. ઉર્મિએ લોકડાઉન દરમિયાન સ્પોર્ટસ સાઇકોલોજી, ટેનીસ સાયકોલોજીના પુસ્તક ઉપરાંત જાણીતા ટેનીસ પ્લેયર રફાલ નાડાલની બાયોગ્રાફી પણ વાંચી છે. શાળાના વિદ્યાર્થીઓને ટેનિસનું કોચિંગ આપવા વિડીયો બનાવવા માટે ઉર્મિ વીડીયો એડીટીંગ અને બ્રોશર્સ મેકિંગ પણ શીખી લીધું. પેન્ડેમિકની સ્થિતિને કારણે ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશનના ૪૫ શોર્ટ ડ્યુરેશન કોર્સ એટેન્ડ કર્યા. એથલિટ-૩૬૫ વેબસાઈટ પરથી ૦૮ કોર્ષ કર્યા. આમ ઉર્મિ માટે શીખવા અને શીખવવાની પ્રક્રિયા સતત ચાલતી રહી.
ટેનીસ એકેડમી સાથે જોડાયેલી ઉર્મિ કહે છે કે, તેણીએ અન્ય કોચ સાથે મળીને ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશન કર્યા જેમાં રાજ્યના ઉભરતા ટેનીસ પ્લેયરનું માર્ગદર્શન અને ફિઝિયોથેરાપી સેશન દ્વારા ખેલાડિઓનું ઉત્સાહ વર્ધન કર્યું.
આ તો ફક્ત ત્રણ યુવાઓની વાત છે. પરંતુ સમાજમાં ઘણાબધા એવા વ્યક્તિઓ હશે જેમણે લોકડાઉનનો સદઉપયોગ કરીને સ્વઉન્નતિના કાર્યો કર્યા હશે. સમય બધાને સરખો મળે છે પણ સમયપાલન બધાને સરખુ નથી આવડતું……
*******