જીવનમાં દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક જાણતા કે અજાણતા કોઈ ને કોઈ સંદર્ભમાં મજાક કરતો જ હોય છે વળી એમાં તેને કંઈ અયોગ્ય કર્યું હોય તેવું લાગતું પણ નથી. કેમ કે માનવ સમાજમાં મજાકને રમૂજના એક સાધન તરીકે એટલે કે ક્ષણિક આનંદ માટેની વ્યવસ્થા તરીકે સ્વીકારી લેવામાં આવ્યું છે. રમૂજ માટે મજાક ન કરતાં માણસને કાં તો વધુ પડતો ધીર-ગંભીર માનીને અવગણવામાં આવે છે અથવા “એ તો છે જ ઘુવડ જેવો” કહી ટાળી દેવામાં આવે છે. એનો અર્થ એ કે મજાકને આપણે સૌએ અંતઃકરણપૂર્વક સ્વીકારી લીધું છે. ઘણીવાર તેની પાછળ રહેલી હિંસાને આપણે સમજી શકતા નથી. ભગવાન મહાવીર સ્વામી કહેતા કે મજાક એક સૂક્ષ્મ પ્રકારની હિંસા છે. જેથી સ્થૂળહિંસક કર્મોને કારણે મળતા ફળ જેવા જ ફળ સૂક્ષ્મહિંસાની બાબતમાં પણ ભોગવવા પડતા હોય છે. કેમ કે મજાક હંમેશા કોઈ હેતુ અને ઉદ્દેશ સાથે જ થતો હોય છે. આમ પણ હેતુ વગરની તો કોઈ ક્રિયા હોઈ જ ન શકે બાકી ક્રિયાની કોઈ જરૂરિયાત જ ન રહે કેમ કે કારણ વગર ક્રિયાની જરૂર શું? સામાન્ય રીતે કોઈને ચીડવવા કે બધા વચ્ચે કોઈ વ્યક્તિની ખેંચવા માટે જ મજાક થતી હોય છે એનો અર્થ એ થયો કે ઘણી બાબતો આપણે જે નૈતિક હિંમત કે નિર્ભયતા સાથે નથી કહી શકતા તે મજાકના રૂપમાં કટાક્ષરૂપે સંભળાવી દેતા હોઈએ છીએ. જે સામેની વ્યક્તિને તીવ્ર જોશ સાથે વાગે પણ છે, તે સમજી તો જાય છે કે મને સંભળાવવામાં આવ્યું પરંતુ મજાકના રૂપમાં હોવાથી વ્યક્તિ કઈ બોલી શકતી નથી કારણ કે જો તે કંઈ કહે તો મજાક કરતાં વ્યક્તિનો પ્રતિભાવ પૂર્વનિર્ધારિત હોય છે કે “ અરે યાર હું તો મજાક કરતોતો” આ રીતે મજાકના રૂપમાં કહેવાનું કહેવાય પણ જાય છે અને સંબંધ બગડતા નથી અથવા કહો કે સંબંધો ખુલ્લેઆમ કે બાહ્ય રીતે બગડતા નથી. વાસ્તવમાં ઈશ્વરી સામ્રાજ્યમાં મજાક જેવી બાબતોનું કોઈ અસ્તિત્વ જ નથી. એ તો મનુષ્યે પોતાના શોખ અને ફાયદામાં શોધી કાઢેલી એક ટ્રિક છે. આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્યને માનવ કહે છે કારણ કે તેની પાસે મન છે, આમ મન ધરાવનાર વ્યક્તિ માનવ તરીકે ઓળખાય છે. આ મનની બે અવસ્થા છે, જાગૃત (conscious) અને અર્ધજાગૃત (subconscious) જીવનના 90% કાર્યો જેવા કે સંવેદના, હલનચલન, પ્રતિક્રિયા, અંતરાત્માનો અવાજ સાંભળવો, ટેલીપથી, યાદશક્તિ, લાગણીનો આંક (E.Q) જ્ઞાનપ્રાપ્તિ જેવા અનેક કાર્યો અર્ધજાગૃત મન કરે છે, માત્ર દસ ટકા રોજિંદા જીવનના સામાન્ય-કાર્યો જાગૃતમન દ્વારા થાય છે. જેમકે વિચારવું, અર્થઘટન કરવું, બુદ્ધિ દોડાવવી, ન્યાય તોળવો, પસંદગી કરવી, અમલ કરવો વગેરે. પરંતુ આ જાગૃતમન અર્ધજાગૃત મનના દરવાજા પરનો ચોકીદાર છે. એટલે કે જાગૃતમનની મરજી વગર કોઈ બાબત અર્ધજાગૃત મન સુધી પહોંચી શકતી નથી, એ દૃષ્ટિએ જાગૃતમનનું મહત્વ છે. કેમકે અર્ધજાગૃત મનનો અવાજ પણ જાગૃતતા કેળવ્યા વગર સાંભળી શકાતો નથી, અને કદાચ એટલે જ આપણે યોગ્ય બાબતોને યથાર્થ સમયે સમજી શકતા નથી. જાગૃતમન કરતા અર્ધજાગૃતમનની તાકાત લાખો ઘણી વધારે છે. કોઈપણ પ્રકારના ચમત્કાર કે અશક્ય બાબત તેના માટે શક્ય છે. માત્ર તેને યોગ્ય રીતે સૂચન કરવાથી અકલ્પનીય સફળતા દરેક વ્યક્તિ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ આ અર્ધજાગૃતમન જેને આધ્યાત્મિક જગત ઈશ્વરના અંશ તરીકે કે અંતરઆત્મા તરીકે ઓળખે છે, જેની શક્તિ દ્વારા સામાન્ય માણસ ઈશ્વર બનવાની સંભાવના ધરાવે છે, તે અર્ધજાગ્રતમન મજાકની ભાષા સમજતું નથી. એ તો અલાદીનના ચિરાગ જેવું છે. જે માંગો તે તરત હાજર કરી દેશે, પછી સારું કે ખરાબ તમારે નક્કી કરવાનું એટલે કે જાગૃતતા દ્વારા આપણે નક્કી કરવાનું કે મારે આવા શક્તિશાળી મન પાસે શું માંગવું છે. અર્ધજાગૃતમનની ખાસિયત એ છે કે તે નકારાત્મક બાબતોનો અમલ ઝડપી કરે છે કેમ કે તે મજાક સમજતું નથી. જેથી મજાકમાં પણ કંઈ નકારાત્મક આદેશ અપાઈ જાય તો પરિણામ ખૂબ જ ઝડપથી મળે, જે ભોગવવું જ પડે. એ દૃષ્ટિએ ભગવાન મહાવીર સ્વામીની ધાર્મિક સલાહ યોગ્ય લાગે છે કે મજાક એક સૂક્ષ્મ હિંસા છે. જેનું ફળ ભોગવવું જ પડે છે. વાસ્તવમાં ખરાબ નસીબ એટલે મનની શક્તિના નિયમોનું ઉલ્લંઘન. અર્ધજાગૃતમન અમર્યાદિત જ્ઞાન અને શક્તિ ધરાવે છે. જ્યારે અર્ધજાગૃતમન કાર્ય કરવાનું બંધ કરે તારે મનુષ્યને મૃત જાહેર કરવામાં આવે છે. ઈશ્વરીદૂત રુપી અર્ધજાગૃતમન અમર્યાદિત શક્તિનો માલિક છે અને મજાકની ભાષા સમજતું નથી એનો અર્થ એ થયો કે ઈશ્વરે સામ્રાજ્યમાં મજાકનું કોઈ અસ્તિત્વ કે અગત્યતા નથી. એ દૃષ્ટિએ પણ સમજી શકાય કે મજાક એક અતિ નકારાત્મક અને હિંસક સાધન છે. જે વ્યક્તિને ચીરી નાખે છે પરંતુ લોહી ન નીકળવાને કારણે તે વ્યક્તિ ચીરાઇ ગઈ છે તે કોઈ જોઇ કે સમજી શકતું નથી. વળી મજાકરૂપી સાધનથી ખૂન કરનારને મનુષ્ય જગતમાં કોઈ સજા મળી શકતી નથી જેથી સહન કરનારને વધુ પીડા સહન કરવી પડે છે. ધર્મશાસ્ત્રો પ્રમાણે મન, વચન કે કર્મથી કોઈને હાની પહોંચે, પીડા થાય કે તકલીફ થાય, તેના જીવનમાં દુઃખ સર્જાય ત્યારે તેને હિંસા કહેવામાં આવે છે અને દરેક ધર્મોમાં હિંસાને ભયંકર પાપકૃત્ય માનવામાં આવ્યું છે. વળી આધ્યાત્મિક શાસ્ત્રો જણાવે છે કે અનેક અક્ષમ્ય પાપોમાં સૌથી ઉંચુ સ્થાન દંભ ધરાવે છે. દંભ એટલે હોય કંઇક અને બતાવવાનું કંઈક, જેને સામાન્ય ભાષામાં આપણે કહીએ છીએ ખાવાના દાંત અને બતાવવાના દાંત જુદા છે, એટલે મનમાં કંઇક શબ્દોમાં કંઇક. આવા દંભની માફી ઈશ્વરી સામ્રાજ્યમાં મળતી નથી આમ દંભ એક અક્ષમ્ય ગુનો છે, જેને પરમાત્મા કદી માફ કરતા નથી. મજાક પણ એક એવા જ પ્રકારનો દંભ છે કેમ કે મજાક કરનારના મનમાં કંઈક હોય છે અને વાણીમાં કંઈક એટલે કે તેનો ઇરાદો કોઈ વ્યક્તિને કંઈક સંભળાવી દેવાનો હોય છે છતાં એવું લાગવું ન જોઈએ કે સંભળાવી દીધું. વળી કોઇ પ્રતિકાર કરે તો સરળતાથી કહી શકાય કે હું તો મજાક કરતો હતો. મજાક કોઈનું દિલ દુભે એવી કદી હોવી ન જોઈએ. વળી મજાકનો જો કોઈ હેતુ જ ન હોય માત્ર રમૂજ માટે તેનો ઉપયોગ થતો હોય તો પણ પ્રશ્ન છે કે તમારા પોતાના નિજ-આનંદ માટે બીજાને દુખી કરવાનો અધકાર તમને આપ્યો કોણે? વાસ્તવમાં મજાકનો એક ચોક્કસ હેતુ અવશ્ય હોય છે અને કર્મની વ્યાખ્યા પ્રમાણે સંકલ્પ કે હેતુ સાથે થતી ક્રિયા સામાન્ય ક્રિયા ન રહેતા કર્મ બને છે. જેના ફળ ભોગવવા જ પડે છે. ફળ કદી ક્રિયાના નથી ભોગવવા પડતા પરંતુ કર્મના ભોગવવા પદે છે. જેથી મજાકરૂપી ક્રિયાને કર્મ બનતા અટકાવીએ અને જન્મોજન્મની પીડાથી બચીએ.
Related Posts
જો તમે લોકરમાં રૂપીયા મૂક્યા હોય તો થઈ જજો સાવધાન તમારા રૂપીયાને લાગી શકે છે ઉધઈ !
જો તમે લોકરમાં રૂપીયા મૂક્યા હોય તો થઈ જજો સાવધાન તમારા રૂપીયાને લાગી શકે છે ઉધઈ !* વડોદરામાં બેંક ઓફ…
તા. પાંચમી જૂન,,,વિશ્વ પર્યાવરણ દિન.વિશ્વ કક્ષાની એક ચિત્ર સ્પર્ધા.
☘🌿☘🌿☘🌿☘🌿☘🌿 ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ વિશ્વ કક્ષાની એક ચિત્ર સ્પર્ધા યોજાય. અનેક શ્રેષ્ઠ ચિત્રકારોએ તેમાં પોતાની કૃતિઓ પેશ કરી. આ સ્પર્ધામાં જે ચિત્રને…
*ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત 37 દર્દીઓ સાજા અને હોસ્પિટલમાંથી છૂટા થયા છે.
*કોરોના સે ડરોના ઘરમે હી રહેના* *દેશમાં કોરોના વાઈરસ સંક્રમિતોની સંખ્યા 512 થઇ* ભારતમાં કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે.…