ભરૂચ જિલ્લાનાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધનાં ધોરણે રાહત કામગીરી
ખેડૂતોનાં પાક અને જમીન ધોવાણ અંગે થયેલ નુકસાનીના સર્વે માટે ૧૯ ટીમો: ૦૫ ટીમો દ્વારા પશુઓની સારવાર: ઝૂંપડા કાચા પાકા મકાનોનાં સર્વે માટે ૪૦ ટીમો કાર્યરત
પૂર અસરગ્રસ્ત ૩૫ ગામોમાં ૪૭ ટીમો દ્વારા સફાઈની કામગીરી
રોગચાળો અટકાવવા માટે ૨૦૭ ટીમોની ફોજ તૈનાત
પૂરગ્રસ્ત વિસ્તારોમાં પશુઓ માટે અંદાજે ૭૨ ટન જેટલા ઘાસચારાનું વિતરણ
મનિષ કંસારા દ્વારા
ભરૂચ: ભરૂચ જિલ્લામાં નર્મદા નદીનાં પૂરને કારણે ભરૂચના ૬, અંકલેશ્વરનાં ૧૫, ઝઘડિયાના ૧૨, હાંસોટ ૧ અને વાગરા ૧ એમ કુલ ૩૫ ગામો અસરગ્રસ્ત થયા હતા. પૂરનાં પાણી ઓસરતા આ તમામ ગામોમાં યુદ્ધનાં ધોરણે સફાઈ કામગીરી સહિત રોગચાળા અટકાયત માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહિ વીજ પુરવઠો પણ પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. અસરગ્રસ્ત ગામોમાં આફતના સમયમાં જિલ્લા પ્રસાશન સંપૂર્ણ સંવેદના અને માનવીય અભિગમ સાથે પૂર અસરગ્રસ્તોની પડખે રહ્યું છે.
આ ઉપરાંત જે ગામોમાં પૂરનાં પાણીને કારણે ખેડૂતોનાં પાક અને જમીન ધોવાણ અંગે થયેલ નુકસાનીના સર્વે માટે જિલ્લામાં ૧૯ ટીમ ૧૮,૫૩૩ હેક્ટરમાં થયેલ નુકશાની અંગે સર્વેની કામગીરી કરી રહી છે. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં પશુઓ માટે ૦૫ ટીમો કાર્યરત કરી કુલ ૧૨૬ પશુઓને સારવાર, ૩૩૮૦ કૃમિનાશક દવા તથા ૨૨૫૨ રસીકરણ કરવામાં આવ્યું છે. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં અંદાજે ૭૨ ટન જેટલો ઘાસચારો પશુઓ માટે વિતરણ કરવામાં આવ્યો છે.
અસરગ્રસ્ત ગામોમાં ઝૂંપડા કાચા પાકા મકાનોનાં સર્વે માટે ૪૦ ટીમો કાર્યરત કરવામાં આવી છે. નર્મદા નદીમાં આવેલ પૂરથી અલગ-અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જતા થયેલ નુકશાની સર્વે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ૪૦ ટીમો ઉપરાંત ૦૮ વધારાની ટીમોની નિમણુક કરી ડોર ટુ ડોર સર્વે અંગેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પૂર અસરગ્રસ્ત ૩૫ ગામોમાં ૪૭ ટીમો દ્વારા સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાણી ઓસરતા જ ભરૂચ-અંક્લેશ્વર નગરપાલિકા તેમજ અન્ય નગરપાલિકાઓ તેમજ મહાનગરોની સફાઈ ટીમો નાં કુલ ૧૨૦૦ કર્મચારીઓ દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. જેમાં ભરૂચ શહેરી વિસ્તારમાં ૬ ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તાર પૈકી ૫૦% વિસ્તારમાં સફાઇની કામગીરી પુર્ણ થઈ છે. ભરૂચ ગ્રામ્યમાં ૧૧ ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તાર પૈકી ૬૦% વિસ્તારમાં સફાઇની કામગીરી પુર્ણ થઈ છે. અંક્લેશ્વર શહેરમાં ૩ ટીમ દ્વારા કુલ ૭૨ સોસાયટી વિસ્તાર પૈકી ૨૨ સોસાયટી વિસ્તારમાં સફાઇની કામગીરી અને ગ્રામ્યમાં ૧૩ ટીમ દ્વારા સાફસફાઇની કામગીરી પ્રગતિ હેઠળ છે તથા ઝઘડિયામાં ૧૪ ટીમ દ્વારા કુલ ૧૨ ગામો પૈકી ૧ ગામની સાફ સફાઇ કરેલ છે જ્યારે બાકીનાં ૧૧ ગામોની સાફસફાઇની કામગીરી ચાલુ છે .આમ, આમ કુલ ૩૫ ગામોમાં ૪૭ ટીમો કાર્યરત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પૂરથી અસર પામેલ ભરૂચ શહેરની બજારોમાં ૩૬૦ સફાઈ કર્મીઓ દ્વારા રાત્રે સફાઈની કામગીરી કરવામાં આવી હતી અને આ કામગીરી આખી રાત કાર્યરત હતી. અસરગ્રસ્ત ગામોમાં પીવાનાં પાણીની પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી.
પૂર અસરગ્રસ્ત ૩૫ ગામોમાં રોગચાળો અટકાવવા માટેનાં ૨૦૭ ટીમો કામગીરી કરી રહી છે. નર્મદા નદીનાં પાણી ઉતરતાં જ અંક્લેશ્વર-ભરૂચના અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર ટૂ ડોર આરોગ્ય લક્ષી કામગીરી માટે ૨૦૭ ટીમોની રચના કરી કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ સુધીમાં કુલ ૧૪,૧૮૪ લોકોને આરોગ્યલક્ષી સેવા આપવામાં આવી છે.જેમાં મેડિકલ અને પેરા મેડિકલ સહિતનો સ્ટાફ ગામડાંઓમાં ઘરે ઘરે જઈ સર્વેલન્સની કામગીરી કરી રહ્યો છે. અત્યાર સુધીમાં ભરુચ શહેર ૩૫ ટીમમાં ૬૪૮ કેસો તપાસ કરેલ છે.જેમાં ભરુચ ગ્રામ્યમાં ૩૮ ટીમમાં ૮૩૭ કેસો, અંકલેશ્વર શહેરમાં ૩૨ ટીમમાં ૩૨૦ કેસો, અંકલેશ્વર ગ્રામ્યમાં ૫૫ ટીમમાં ૪૭૮ કેસો, ઝઘડિયામાં ૪૫ ટીમમાં ૨૪૫ કેસો તપાસ કરેલ છે.આમ, કુલ ૨૫૨૮ ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે. અંક્લેશ્વર વિસ્તારની પૂર અસરગ્રસ્ત ૮૭ સોસાયટી પૈકી ૫૪ સોસાયટીમાં સફાઇ, આરોગ્યની તપાસણી અને જંતુનાશક દવાનાં છંટકાવની કામગીરી પુર્ણ કરવામાં આવી છે. બાકી રહેલ સોસાયટીની સફાઇની કામગીરી સત્વરે પુર્ણ કરવામાં આવશે.
દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ભરૂચની ટીમ દ્વારા હાથ ધરાયેલી કામગીરીમાં જિલ્લાનાં ૪૬ અસરગ્રસ્ત ગામો અને ટાઉન નાં વિસ્તારનાં કુલ ૮૨ વીજપોલ, ૨૦ જેટલા ટ્રાન્સફોર્મર અને ૧૬૮૯ જેટલા મિટરોનું સમારકામ કરવામાં આવ્યું છે. આ કામ માટે ૧૯ જેટલી ટીમોના ૨૦૪ જેટલા વ્યક્તિઓ રાઉન્ડ ધ ક્લૉક યુદ્ધનાં ધોરણે કામ કરી રહ્યા છે. હાલ ૪૨ ગામોનાં ૭૨ વીજપોલ અને ૫ ટ્રાન્સફોર્રમ અને ૧૧૩૮ મિટરોનું સમારકામની કામગીરી પૂર્ણ કરી વીજપરૂવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે. જ્યારે હજુ અંકલેશ્વર તાલુકાનાં ખાલપીયા, સફરૂદ્દીન, જુના બોરભાથા, કોયલી ગામમાં પૂરનાં પાણી હોવાથી કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. જ્યારે બીજા સ્થળો પર યુદ્ધનાં ધોરણે ટીમો દ્વારા કામગીરી કરી તમામ વીજપોલ અને ટ્રાન્સફોર્મરની કામગીરી પૂર્ણ થતાં ઘર વપરાશનો વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે.