કોરોના યુગ પહેલાં. – દેવલ શાસ્ત્રી.

મહાભારતની પેલી વાત યાદ આવે છે?
યુધિષ્ઠિરના ભાઇઓ ઝેરી પાણી પીને મૃતપ્રાય થઈ ગયા હતા, ત્યારે તેમને બચાવવા યક્ષ સાથે પ્રશ્નોત્તરી કરી હતી. જે રીતે યુધિષ્ઠિર સચોટ જવાબ આપ્યા હતાં, એ જોતાં તો ક્યારેક માની જ ન શકાય કે આ માણસ જુગાર રમીને પરિવારને જોખમમાં મૂકી શકે. યક્ષ એક સવાલ પૂછ્યો હતો કે, જગતનું સૌથી મોટું આશ્ચર્ય ક્યું છે? યુધિષ્ઠિર જવાબ આપ્યો હતો કે, નિકટના સંબંધીને મરતાં જોવા છતાં પોતે ક્યારેય મરવાનો નથી, તેવો મોહ રાખવો એ મનુષ્ય જગતનું સૌથી મોટું આશ્ચર્ય છે.
આપણે પણ ક્યાં માનવા તૈયાર છીએ કે એક દિવસ પડદો પડવાનો છે. જે મળ્યું એ ભોગવવાની વાત તો દૂર રહી પણ જે નથી એની પાછળ દોડતા રહ્યા.. કોરોન્ટાઇન વેકેશનમાં ખબર પડી કે જેટલી ભાગદોડ કરી એ કદાચ જરૂરી ન હતી…

#######

કોરોના વેકેશનમાં….

ખૂશીઓ ખૂબ નાની નાની વાતોમાં જ છે. કુંતી જ્યારે મહાભારતના યુદ્ધ પૂર્વે કર્ણને મળી અને કર્ણ પાસે પાંડવો હમેશાં પાંચ જ રહેશે એ વચન લીધા પછી કર્ણને બહુ સરસ આશીર્વાદ આપ્યા હતાં. “અનામયં સ્વસ્તિ” સરળ શબ્દોમાં કહીએ તો જીવનની અંતિમ પળ સુધી સ્વસ્થ રહેજે. તને કોઈ રોગ કે બિમારી ના આવે…..
આ જમાનામાં જિંદગી બડી હોય કે લંબી…. અગત્યતા સ્વસ્થતાની છે…. એટલે જ કોરોના સ્પોન્સર્ડ બીગ બોસ સિઝન 4 માટે શુભેચ્છાઓ…
ખૂશ રહો, મસ્ત રહો અને ઘરમાં રહો….

######

કોરોના વેકેશન પછી….

એક બહુ પ્રચલિત વાર્તા છે. જૂના સમયમાં વેપારીઓ એક સ્થાનથી બીજા સ્થાને વ્યવસાય કરવા માટે જતાં ત્યારે જોખમ વધુ રહેતું.
આજના સમય જેવો તો યુગ ન હતો કે જેમાં વાહન, હોટલ, કોમ્યુનિકેશન કે રેસ્ટોરાં હોય…
પગે ચાલીને એક સ્થળેથી બીજા સ્થળ પર જવાનું. રસ્તામાં લૂંટફાટનો ડર અને કોઈ કાયદા કે પોલીસ ન હતી કે રક્ષણ મળે. માર્ગમાં વટેમાર્ગુ મળે અને એ જ સહારો….
ધર્મશાળા કે જ્યાં આશરો મળે ત્યાં રોકાવવું પડે. ખેર, મૂળ વાત એક વેપારી આ જ રીતે દૂર સુધી વેપાર કરે. એકવાર ચોર વટેમાર્ગુના સ્વરૂપે સાથે આવી ગયો. રસ્તામાં કંપની જોઈએ એટલે વેપારીએ ચોરને સાથે રાખ્યો. ચોર પણ મોકાની રાહ જોતો વેપારી સાથે ફરતો. વેપારી પાસે ઉઘરાણી આવે અને ચોર રાત્રે ચોરી કરવા પ્રયત્ન કરે. ચોર ગમે તેટલો વેપારીનો સામાન ફંફોસે પણ ફૂટી કોડી મળે નહીં.
છૂટા પડવાના દિવસે કંટાળીને ચોરે વેપારીને જ પૂછ્યું કે યાર યે રાઝ ક્યા હૈ? વેપારીએ જવાબ આપ્યો કે મને તો પહેલેથી જ ખબર હતી કે તું ચોર છે. તારી પદ્ધતિ પણ ખબર હતી. રોજ આવતો પૈસો તારા જ તકીયા નીચે મૂકીને આરામથી સૂઇ જતો. તું બધે ફાંફાં મારતો પણ તારા તકીયા નીચે જોતો ન હતો…
ફાસ્ટ લાઇફમાં આપણા તકીયા પાસે મનેકમને ખૂશી શોધવાનું શીખવાડ્યું કોણે? યે હી હૈ કોરોન્ટાઇન વેકેશન….

#######

અંતિમ સત્ય….
આ દુનિયા આપણા માટે છે. ચિદાનંદ સ્વરૂપ શિવોહમ્ જેવું….. સતત આનંદમાં રહેવું એ જ શીવસ્વરુપ છે….. આજકાલ ગરમી બહુ છે? ઓકે… ઉનાળાની મજા લઈ લો, નહીં તો જીવનમાં એક ઓર ઉનાળો ઓછો થશે…. ફરી આ આટલી ચોખ્ખી હવાવાળો ઉનાળો નહીં મળે. જિંદગીના સિત્તેર એંશી ઉનાળામાંથી આમ આસાનીથી આ ગરમ સમયને જવા ન દેશો…..

Deval Shastri 🌹