પુરાણોમાં એક સુંદર કથા છે. દુર્ગમ નામનો દૈત્ય હતો. દેખાવે અતિ વિકરાળ અને ભયાનક. હિરણ્યાક્ષ વંશના રુરુ નામના દૈત્યનો અતિ પરાક્રમી પુત્ર હતો. રુરુના ઘણા અર્થ છે, કૂતરો, કાળિયારથી માંડી નરક સુધી…
દૈત્ય દુર્ગમની પ્રકૃતિ બિલકુલ કોરોના જેવી હતી. પૃથ્વી પર માણસજાત પાસે વેદ સહિત જે કંઇ જ્ઞાન હતું, તે બ્રહ્માજીના વરદાનથી તેની પાસે આવી ગયું. માનવ હોય કે દેવતાઓ, કોઈને કશું સુઝતુ ન હતું.
જ્ઞાન ગાયબ થવાથી ધરતી પર વરસાદ સહિત અનેક સુખાકારી બંધ થઈ ગઇ. ધીમે ધીમે કૂવાથી માંડીને સમુદ્ર સુધીના પાણીના સ્ત્રોત ખાલી થવા લાગ્યા. વૃક્ષો, છોડ, પ્રાણી અને વન્યજીવન સાથે મનુષ્યજાત ખતમ થવાનો ભય થવા લાગ્યો.
અનાજ પાણી વિના માણસજાતને અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બન્યું. ધીમે ધીમે દેવલોક પર દુર્ગમે કાબુ મેળવતા તકલીફો વધવા લાગી. દુર્ગમ નામના દૈત્ય લગભગ કોરોના જેવું હતું.
મનુષ્ય, દેવો સહિત સહુ શુભતત્વોને ઇશ્વર યાદ આવવા લાગ્યા. બધાએ ભેગા મળીને મા ભગવતીને પ્રાર્થના કરી કે અમને દુર્ગમના પ્રકોપથી બચાવી લો. દુર્ગમ સામે રક્ષણ મેળવવા માટે સહુ પ્રાર્થના કરવા લાગ્યા.
માતા ભગવતી પ્રગટ થયા. માતાજી પોતાના સંતાનોની આ હાલત જોઇ શક્યા નહીં. આ પરિસ્થિતિ જોઇને તેઓ ચોધાર રડવા લાગ્યા. માતાના રુદનમાં ભરચક આંસુઓ હતાં. માતાજીનું મન એટલું ભરાઇ ગયું હતું કે તેમણે અસંખ્ય આંખો ઉત્પન્ન કરવી પડી જેથી તે આંસુ ઠાલવી શકે….
પહેલું લેસન, આપણામાં એટલી તો કરુણા હોવી જોઈએ કે માણસનું દુઃખ જોઇને રડી પણ શકીએ. જ્યાં સુધી સમાનુભૂતિ ન આવે ત્યાં સુધી દુઃખ દૂર કરવા સક્ષમ બનાતુ નથી. માતાજી એ પહેલું લેશન આપ્યું કે દુઃખ અને પીડાને સમજો.
સોશિયલ મિડીયા પર કોઈને ફટકારવામાં આવતો હોય એવા વિડીયોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક જોરજોરથી હસતું હોય. એ સાંભળીને આપણને મજા આવતી હોય તો સમજજો કે, ભગવાન હજી આપણાથી દુઃખથી દૂર છે.
એકબીજા પર દોષારોપણ કરવા જેવી પ્રવૃત્તિમાં વ્યસ્ત હોઇએ તો ભગવાન આપણા માટે નવરા નથી. માતાજીએ પહેલું લેશન જ પ્રેમ અને કરુણાનું આપ્યું છે.
એની વે, આગળ વધીએ…. માતાજીના આંસુઓની ધાર વહી, બે આંખો ઓછી પડી અને માતાજીની કરુણામાં લાખો આંખો પ્રગટ થઈ. દરેક આંખોમાંથી અશ્રુઓની ધારા પ્રગટ થવા લાગી.
આ ધારાઓમાંથી નદીઓ ભરાઇ અને સમુદ્ર પણ ભરાયા. વનસ્પતિઓ, પ્રાણીઓથી માંડીને સહુને નવું જીવન મળ્યું.
બીજું લેશન, આપણી કરુણા એક બે માધ્યમથી જેટલી ન હોવી જોઈએ પણ સમગ્રતા ભીંજાય એ કદની કરુણા હોવી જોઈએ.
ઓકે, બાકી લેસન તમે સમજદાર છો…
વાત આગળ, માણસ અને પ્રાણીઓને પ્રાથમિક સગવડ મળી, પાણી મળ્યું, અનાજ મળ્યું, શાકભાજી ફળફળાદિ મળ્યા, ઔષધિ મળી. માણસનું અસ્તિત્વ ટકે એવી પ્રબળ સંભાવના બની.
માતાજી પ્રગટ થઇને સીધા રાક્ષસને મારવા ન ગયા પણ પોતાની પ્રજાને સલામત કરી. લોકોના ભોજન અને આરોગ્ય આપ્યું, માતાજીનું આ સ્વરૂપ શાકમ્ભરી માતા તરીકે વિખ્યાત છે. ભારતભરમાં શાકમ્ભરી માતાના અનેક મંદિર છે….
ખરી વાત હવે શરૂ થાય છે, માતાજીએ ભોજનની વ્યવસ્થા અને સુખાકારી આપ્યા પછી પ્રશ્ન કર્યો કે, બોલો હવે શું કરીએ?
અહીં સુધી દુર્ગમ દૈત્ય તો પિક્ચરમાં જ નથી. દેવતાઓ અને મનુષ્યોએ માતાજીને પ્રાર્થના કરી કે અમારું જ્ઞાન જે દુર્ગમ દૈત્ય લઇ ગયો છે એનો વધ કરીને અમને પરત લાવી આપો.
માતાજીએ સહુને આદેશ કર્યો કે હવે સહુ પોતપોતાના સ્થાનમાં ચાલ્યા જાવ… આપણી કથાનો ક્રમ સમજો… હવે કોરેન્ટાઇન…
આ દરમિયાન દુર્ગમ પણ બેસી રહ્યો ન હતો. તે વધુ મજબૂત થવા લાગ્યો. માતાજીએ સુરક્ષિત સ્થાનમાં રહેલા સહુ ભક્તજનોની આસપાસ અભેદ્ય કિલ્લો બનાવ્યો.
અંતે માતાજી અને દુર્ગમ સામસામે આવ્યા.
માતાજીએ કાલી, શ્રી વિદ્યા, ભુવનેશ્વરી, ભૈરવી, ધ્રૂમા, ત્રિપુરસુન્દરી જેવા દશ સ્વરુપો સાથે દુર્ગમ સાથે યુદ્ધ થયું. આ યુદ્ધ દશ દિવસ સુધી ચાલ્યું હતું. અગિયારમા દિવસે લાલ વસ્ત્રો ધારણ કરેલા માતાજીએ પંદર બાણો દ્વારા દુર્ગમનો સંહાર કર્યો. દુર્ગમ સંહાર કરનારા માતાજી મા દુર્ગા તરીકે પૂજાય છે. આ વાતમાં શું સમજવાનું?
આખી કથાનો સાર અંતિમ ભાગમાં જ છે. કોઈ આવીને ચમત્કાર કરશે એ પ્રકારની અધકચરી વાતોમાં અંધશ્રધ્ધાળુ બનીને ભરોસો કરીએ છીએ. સંપ્રદાય કે ધર્મમાં રહેલા ચમત્કારી તત્વ બચાવશે એ ભ્રમણા આપણને ગમે છે, મહેનત નહીં કરવાની આ દાનત છે.
આપણે લડત આપવાની વાત લોલીપોપ જેવી વાતો સાંભળીને ભૂલી ગયાં છીએ. એટલું સારું છે કે એ યુગમાં સોશિયલ મિડીયા ન હતું, બાકી આપણે એમાં લખતા હોત કે યે મેસેજ ઇતના ફેલા દો કે દુર્ગમ ભાગ જાએ….
જગતજનની હોવા છતાં અગિયાર દિવસ સુધી સંઘર્ષ કર્યો. માતાજી સ્વયં અલગ અલગ હથિયારો સાથે અસંખ્ય વ્યૂહરચનાઓ બનાવીને લડતા રહ્યા.
માતાજીને ક્ષણમાં ચમત્કાર કરતાં નહીં આવડતું હોય? આ કથામાં મા ભગવતી આપણને એક જ વાત શીખવે છે કે કશું પણ મેળવવા સંઘર્ષ કરવો પડશે.
પોતાનાઓ પરત્વે પ્રેમ અને કરુણા રાખવી પડશે. શત્રુ સામે ધૈર્યપૂર્વક લડવું પડશે.
મા દુર્ગા કહે છે કે જીતનો કોઈ શોર્ટકટ નથી હોતો…. અને હા, દુર્ગા થતાં પહેલા શાકમ્ભરી માતા થવું પડે. માતાજીના આ સ્વરૂપને વંદન…
Deval Shastri🌹