વર્લ્ડ લાફટર ડે નિમિત્તે આવો જાણીએ પ્રસન્નતા એટલે શું? શિલ્પા શાહ, ડીરેક્ટર ઇન્ચાર્જ, એચ.કે.બીબીએ. કોલેજ.

સતત મજાક, મસ્તી, જોક્સ, કોમેડી સિરિયલ કે સિનેમા તરફ આકર્ષિત રહેતા લોકોને જોઈને મને હંમેશા થાય કેટલા કૃત્રિમ વાતાવરણમાં વ્યક્તિઓ જીવે છે, વાસ્તવિક પ્રસન્નતા કોને કહેવાય તે સમજ્યા વગર માત્ર ક્ષણિક આનંદ અને હા-હા-હી-હીમાં અતિ અમૂલ્ય માનવજીવન વેડફી નાખે છે, વળી બીજાને પણ પ્રસન્ન કેવી રીતે રહેવાય તે અંગેની અયોગ્ય સમજણ આપે છે. લાફિંગ ક્લબના નામે ચાલતી પ્રવૃતિઓ તો આનંદપ્રાપ્તિનું નાટક લાગે છે. આપણે સૌ જાણીએ છીએ કે નાટક કોઈ દિવસ સાચો આનંદ આપી જ ન શકે. પ્રસન્નતા એ તો પરમાત્માનું સાક્ષાત સ્વરૂપ છે, જે અતિ સહજ હોય તે મેળવવા ફાંફાં ન મરાય કે પ્રયત્ન કરવા ન પડે. પ્રસન્નતા તો આત્માનો સ્વભાવ છે એટલે જ તો આધ્યાત્મિક જગતમાં સચ્ચિદાનંદનું અનેરૂ મહત્વ છે. સચિદાનંદ એટલે સત્ ચિત્ અને આનંદ એ જ આત્મા અને પરમાત્માનું મૂળભૂત સ્વરૂપ છે. એટલે જ તો આપણે હંમેશા સત્યને પસંદ કરીએ છીએ, ચિત એટલે કે જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ અને આનંદ તરફ આકર્ષિત રહીએ છીએ. સતત હા-હા-હી-હી કરનાર વાસ્તવમાં પ્રસન્ન નથી પરંતુ આપણે તેમને આનંદિત સમજી બેઠા છીએ તે આપણું અજ્ઞાન છે. વાસ્તવમાં પ્રસન્ન વ્યક્તિત્વ અતિ ગંભીર હોય છતાં તેની ઓરા એટલી પ્રસન્ન અને પ્રભાવિક હોય કે તેના સંપર્કમાં આવવાવાળા ક્ષણભર માટે પોતાના તમામ દુઃખો ભૂલી આનંદિત થઈ જાય. પૂજ્ય મોટાના શબ્દોમાં કહીએ તો “પ્રસન્નતા” શબ્દમા પ્રથમ શબ્દ”પ્ર” અને અંતિમ શબ્દ “તા” એના અર્થને વધારે સ્ફોટ કરવા માટે મૂક્યા છે. મૂળ શબ્દ તો “સત” છે સંધિના નિયમ પ્રમાણે બે ન નો “ત” થાય છે. આમ “સત” પ્રસન્નતા શબ્દોનો મૂળભૂત શબ્દ છે, જેનો અર્થ છે સત્ય અથવા “હોવું” . આમ જ્યારે “હોવાપણાની સભાનતા” આપણને અનુભવાય ત્યારે પ્રસન્નતા પ્રગટે. આવી હોવાપણાની સભાનતા આપોઆપ પ્રગટે અથવા કેળવવી પડે. હોવાપણાની સભાનતા એટલે હું કોણ છું? (આત્માનું જ્ઞાન) તેની જાણકારી. પ્રસન્નતાને આધ્યાત્મિકતાની ઊંચાઈએ ન સમજવું હોય તો સ્થૂળરૂપે પણ હોવાપણાની સભાનતા જ આનંદ આપતી હોય છે. જેમ કે કોઈ આપણા વખાણ કરે કે આપણને ખબર પડે કે લોકો મને પસંદ કરે છે તો આપણને સહજ આનંદ થાય, તેમજ મારી પાસે આટલી મૂડી કે સંપત્તિ છે તેની જાણ કે સભાનતા આપણામાં પ્રસન્નતા પ્રગટાવે છે, કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય ખૂબ મહેનત કરવા છતાં ન મળતી હોય અને અચાનક મળી જાય તો આનંદ થાય, મુશ્કેલ કામનો નિવેડો આવી જાય, આપણી કોઈ અદમ્ય ઇચ્છા પૂરી થાય ત્યારે પ્રસન્નતા અનુભવાય છે. અરે કબજિયાતના રોગીને ખુલાસા સાથેનો દસ્ત થાય તો પણ તે પ્રસન્ન થાય છે. આ બધા જ ઉદાહરણો જણાવે છે કે પ્રસન્નતા હોવાપણાની સભાનતા છે બીજું કાંઈ જ નહીં. કશુક પણ એની યોગ્યતાના પ્રમાણમાં અને સાચા ઉચ્ચભાવના અર્થમાં બન્યા કરતું હોય ત્યારે એક પ્રકારનો આનંદ આપણને લાગ્યા કરે તેનું નામ પ્રસન્નતા. આમ તો મોકળું હાસ્ય, હળવાપણું, શાંતિ, નિશ્ચિતતા એટલે પ્રસન્નતા. પ્રસન્નતા એટલે એક જાતનું નિરાંતપણું અને મનનું ખુલ્લાપણું, સરળપણું, સહજપણું, જેને ચિંતા હોવાના પુરતા કારણો અને સંજોગો હોવા છતાં કશો જ ભાર ન લાગતો હોય, મનની આવી સ્થિતિને પ્રસન્નતા કહેવાય. પ્રસન્નતા એ કોઈ ઉભરાની સ્થિતિ કે ઊર્મિનું વેવલાપણું નથી કે જે કોમેડી સિરિયલ, લાફિંગ ક્લબ કે જોક્સ જેવા વાહિયાત સાધનો દ્વારા મેળવી શકાય. વૈજ્ઞાનિક સંશોધનો જણાવે છે કે જ્યારે કોઈ વસ્તુ મન કે આત્માને ખુબ પસંદ પડે છે ત્યારે શરીરમાં એક વિશેષ પ્રકારનું રસાયણ ઉત્પન્ન થાય છે, જે વ્યક્તિની હસી માટે જવાબદાર પરિબળ છે, આવું રસાયણ ઇન્જેક્શન દ્વારા પણ વ્યક્તિના શરીરમાં એન્ટર કરી તેને હસાવી શકાય, પરંતુ તે પ્રસન્નતાના મૂળભૂત અને વાસ્તવિક સ્વરૂપ જેટલું સુંદર ન હોઈ શકે. જીવનના બધા કામો જ્યારે યોગ્ય રીતે થયા હોય ત્યારે જે સંતોષની લાગણી રહે તેને પ્રસન્નતા કહેવાય. પ્રસન્નતાથી મન-હૃદય હળવાફૂલ જેવા રહે, પ્રસન્નચિત્ત રહેવાથી સમદ્રષ્ટિ કેળવાય, મનની મોકળાશ, મનનુ સ્વાભાવિક ઉડ્ડયન, ભાવમાં તલ્લીનપણું, મનનું સમતોલપણું, વિવેકબુદ્ધિ, તટસ્થતા વગેરે આપોઆપ ખીલે. પ્રસન્નતામાં નિશ્ચિતતા અપાર રહેલી છે. ટૂંકમાં પ્રસન્નચિત્ત હોવું એટલે જ આત્માના ગુણનો પ્રાદુર્ભાવ થવો. પ્રસન્નચિત્તતા એટલે આત્માના પ્રભાવની સતત અસર. પ્રસન્નતાના ભાવમાંથી તત્પરતા, પરાયણતા, વાણીનું સ્પષ્ટપણું, જ્ઞાન વિશે ઉત્સાહ, મિત્ર વિશે નિષ્કપટતા, વડીલો પ્રત્યે આદર, ગુરુ પ્રત્યે વિનયભાવ, ચિત્ત વિષે ગંભીરતા, સદગુણો વિષે રસિકતા અને પ્રભુ પરત્વે પરમભક્તિ પ્રગટે. પ્રસન્નચિત્ત વ્યક્તિ વધુ વાતોડિયો પણ ન હોય કે મૌન પણ ન હોય, તેની વાણીમાં કટુતા ન હોય પણ સ્પષ્ટતા પૂરતી હોય, જેને જે કહેવાનું હોય તે વાસ્તવિક અર્થમાં સ્પષ્ટપણે કહી દે, તેની વાણીમાં જીવતો સંસ્કારનો પ્રાણ હોય, તેના કોઈ કર્મોમાં બેદરકારી કે બેકાળજી કદી ઉદભવતી નથી. પ્રસન્નતાવાળો માણસ કોઈ દિવસ આળસુ ન હોય. આમ પણ આપણા સૌનો અનુભવ છે કે જ્યારે આપણે દુઃખી હોઈએ છીએ ત્યારે આપણને કોઈ કાર્ય કરવું ગમતું નથી એટલે કે આળસ આપોઆપ જન્મે છે. પ્રસન માણસ તો ખૂબ જીવંત અને સક્રિય હોય. આળસુ માણસ પ્રસન્ન હોઈ જ ન શકે. જીવન જ્યારે ધ્યેયયુક્ત જીવાતું હોય ત્યારે તેનું પ્રત્યક્ષ લક્ષણ પ્રસન્નતા છે. પ્રસન્નતા વિના સંસારમાં, કામમાં કે વ્યવસાયમાં ટકાય જ નહીં. ટૂંકમાં જીવવા માટે પ્રસન્નતા જરૂરી છે. આમ તો પ્રસન્નતા કુદરતી ગુણ છે છતાં ક્યારેક તેને કેળવવાની પણ અનિવાર્યતા રહેલી છે. કોઈ વાતનું ખરાબ ન લાગે, મનદુઃખ ન થાય, અદેખાઈ ન થાય, બિનજરૂરી ક્રોધ ના આવે ત્યારે જ પ્રસન્નતા કાયમી ટકે. આમ પ્રસન્નતાને અવરોધતા મુખ્ય પરિબળો કામ- ક્રોધ- લોભ- મોહ- અહંકાર- ઈર્ષા વગેરે છે. પ્રસન્નતાપ્રાપ્તિની પ્રથમ શરત આવા અનેક દુર્ગુણોથી મુક્તિ તેમજ પ્રસન્નતા પ્રાપ્તિની અભીપ્સા છે. જ્યાં સુધી પ્રસન્નતાપ્રાપ્તિની ઈચ્છા ન થાય ત્યાં સુધી પ્રસન્નતાની યાત્રા આગળ વધી શકે નહીં. પ્રસન્નતા કેળવવા માટેનું મુખ્ય સાધન જિજ્ઞાસા છે. વાસ્તવમાં આપણને પ્રસન્નતાપ્રાપ્તિની જિજ્ઞાસા પૂર્ણપણે જાગી નથી, જેથી આપણને તેની કાયમી પ્રાપ્તિ થઇ શકી નથી. જિજ્ઞાસા જેવો કોઈ સદગુરુ નથી, જિજ્ઞાસા જ માણસને દોરે છે, જિજ્ઞાસા પ્રેક્ટીકલ સ્ટેપસ બતાવે છે. પ્રસન્ન થવાનો આપણો પાકો વિચાર જ આપણને આનંદપ્રાપ્તિ કરાવી શકે. કોઈપણ બાબતની અવેરનેસ વગર પરિણામ મળવું શક્ય નથી. આપણે ઘરેથી ઓફિસ જવા નીકળીએ છીએ ત્યારે આપણી અવેરનેસ જ આપણને ઓફિસ પહોંચાડે છે, બાકી આપણે જાણીએ છીએ ગાંડો માણસ સતત ભટક્યા જ કરે છે, ક્યારેય ધ્યેયપ્રાપ્તિ કરી શકતો નથી. આપણી અવેરનેસ જ આપણને જગાડે છે કે “ભાઈ ગમે તે થાય પ્રસન્ન થવાનું જ છે. પ્રસન્નતા જેનું ધ્યેય છે તેને દુનિયાના કોઈ માણસ દુઃખી કરી શકતા નથી. કેમ કે સ્વ કે આત્માથી પાવરફુલ દુનિયામાં બીજું કોઈ છે જ નહીં, કદી સ્વથી વધારે શક્તિશાળી અન્યોને થવા ન દેવા જે તમારી પ્રસન્નતાને ખતમ કરી શકે. કદાચ જીવનમાં કોઈ મુશ્કેલી આવે તો પણ પ્રસન્નતા જેનું ધ્યેય છે તે મુશ્કેલીનો વિચાર કરવાને બદલે મુશ્કેલીનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરશે. વળી પ્રસન્ન વ્યક્તિ ખૂબ તટસ્થ, શાંત, સ્થિર અને વિવેકપૂર્ણ હોય છે જેથી મુશ્કેલીનો ઉકેલ ખૂબ ત્વરિત મેળવી શકે છે. પ્રસન્નતા જેની પ્રાયોરિટી છે અને તે અંગેની અવેરનેસ જેની ઉચ્ચ કોટિની છે, તે સંસારમાં કદી ભૂલો પડતો નથી. પરંતુ આપણી પ્રાયોરિટી પ્રસન્નતા નથી તેમજ અવેરનેસની ગેરહાજરીને કારણે જીવનમાં પ્રસન્નતા અનુભવાતી નથી. પ્રસન્નતાના મુખ્ય શત્રુ રાગ-દ્વેષ છે જેને ખતમ કરવા તો જન્મો પણ ઓછા પડે પરંતુ તેને વળગવાનું તો ઓછું કરી શકાય. આપણા ઘરે કોઇ ન ગમતા મહેમાન આવી જાય તો તેને કાઢી ન મૂકી શકાય પરંતુ તેનાથી અંતર તો રાખી શકાય. આવી જ સમજણ જો રાગ-દ્વેષથી બચવા માટે કરીએ તો જીવનમાં સંપૂર્ણ પ્રસન્નતા આઠે પહોર રહ્યા કરે અને એને જ સાચું સ્વર્ગ કહેવાય. નાનું બાળક કોઇ વસ્તુ માંગે અને તમે એને કોઈ બીજી વસ્તુ આપો તો તે ફેંકી દે છે અને ઇચ્છિત વસ્તુ મળે તો સંતોષ અને આનંદની લાગણી અનુભવે છે, એમ આપણા હૃદયમાં પણ પ્રસન્નતાની સાચી માંગ એટલે કે સભાનતા અને પ્રાયોરિટી હોય તો કોઈની તાકાત નથી તમને પ્રસન્ન થતા રોકી શકે. ટૂંકમાં પ્રસન્નતા એટલે હળવાશ કે મોકળાશની અનુભૂતિ જેમાં કશાનો બોજ ન લાગે અને તેની પ્રાપ્તિ આપણા વર્ષો જૂના આગ્રહો, મતો, માન્યતાઓ, ધારણાઓ અને પૂર્વગ્રહો છોડ્યા વગર શક્ય નથી. મનુષ્યની બુદ્ધિ મદદકર્તા પણ છે અને અકલ્યાણકર્તા પણ છે. બુદ્ધિ જ્યાં દેખી શકતી નથી ત્યાં પણ બોધ કરવા પ્રેરાય છે, જ્યાંથી બિનજરૂરી મુશ્કેલીઓ અને આફતો ઉભી થાય છે. પ્રસન્નતાથી બુદ્ધિ સ્થિર થાય છે. જીવમાત્ર સાથે મૈત્રીની ભાવના પ્રસન્નતાને સ્થાયી કરે છે. કેમ કે તેનાથી વેરવૃત્તિ ઘટે છે, સ્પર્ધાની લાગણી ઓછી થાય છે, કરુણાનો ભાવ જાગે છે, સાહસિકપ્રવૃત્તિ અને સહાનુભૂતિ વધે છે, સદ્-ભાવ વધે છે, અહંકારવૃત્તિનો લય થવા માંડે છે. જેથી વ્યક્તિનું અંતઃકરણ કાચ જેવું નિષ્કલંક અને પારદર્શક બને છે. જેમા ડુંગર, સમુદ્ર, નદીઓ એવું ઘણું પૂર્ણસ્વરૂપે દ્રશ્યમાન થાય છે પરંતુ વ્યક્તિ ના તો ડુંગરના ભારથી તૂટી જાય છે કે ના સમુદ્રથી પલળી જાય છે. સર્વને પોતાનામાં સમાવી તેનું અંતઃકરણ વધુ પ્રસન્ન બને છે. અથડામણને ટાળવાથી, પાપનો એકરાર કરવાથી અને સર્વસાથે સુમેળ તેમજ સર્વસ્વીકૃતિથી ઉદાસીનતા ખતમ થાય છે. આમ તો પ્રસન્નતા એટ્લે પ્રભુની સમીપતા. એટલે જ કહેવાય છે પ્રમાણિકતા + પવિત્રતા + પ્રસન્નતા = પરમાત્મા. જેના દ્વારા કર્મેન્દ્રિય-જ્ઞાનેન્દ્રિય વધુ સતેજ અને સૂક્ષ્મ બને છે, બુદ્ધિ સંપન્ન બને છે, જ્ઞાનતંતુઓ આઘાત-પ્રત્યાઘાત સહન કરી શકે છે, મન સંકલ્પ-વિકલ્પ કરતું અટકે છે, જીવનના સાચા રાહ પર દ્રષ્ટિ સતેજ બને છે, દુર્ગુણો નબળા પડે છે, મન અને ચિત્ત શાંત થાય છે, જીવનને સમજવાની તાકાત વધે છે, કશાથી કંટાળો નથી આવતો. વિચારો આનાથી મોટી સિદ્ધિ બીજી કઈ હોઈ શકે? આવી પ્રસન્નતાનું મૂળ છે પ્રેમ, પુરુષાર્થ, શ્રદ્ધા, આશા અને ધૈર્ય. પ્રેમ આપણામાં ઉત્સાહ અને ઉમંગ ભરે છે, પુરુષાર્થ આપણને ધ્યેયની નજીક જવામાં મદદરૂપ થાય છે, વિશ્વાસથી કાર્ય યોગ્ય થઈ રહ્યું છે અને જીત આપણી જ થશે એવી ખાતરી રહે છે, જ્યારે પ્રસન્નતાના ધ્યેયને પકડી રાખવામાં આશા આપણને અડગ અને અણનમ રાખે છે. અડગ રહી અવેરનેસ અને પ્રાયોરિટી (જે પ્રસન્નતાની પૂર્વશરત છે) ને વળગી રહેવામાં ધૈર્ય અતિ ઉપયોગી સાબિત થાય છે. આવો આજના વર્લ્ડ લાફ્ટર ડેના દિવસે આપણી જાતને પ્રસન્ન રાખી સમગ્ર વાતાવરણને પ્રસન્ન રાખવાની પ્રતિજ્ઞા લઈએ.