અંધકારમાં ટોર્ચ વગર અથડાતી વ્યક્તિ દયાપાત્ર છે, પરંતુ ટોર્ચ હોવા છતાં તે વાપરતા ન આવડતું હોય તે વધુ દયનીય છે. એ જ રીતે અંધકારભર્યા સંસારમાં ધર્મની સમજણ ન હોય કે અજ્ઞાન ભરેલું હોય તેવી વ્યક્તિ ચોક્કસ દયાને પાત્ર છે પરંતુ ધર્મનું જ્ઞાન હોવા છતાં આચરણના અભાવે અંધારામાં જ ભટકતો રહે તે જીવ વધુ દયનીય છે. જીવમાત્રની મુખ્ય ચાર ગતિ છે. ૧) નારકીગતિ ૨) તિર્યંચગતિ ૩)મનુષ્યગતિ અને ૪) દેવગતિ. સદગતિ એટલે અશુદ્ધ આત્માનું શુદ્ધ આત્મા તરફનું ગમન એટલે કે સંસારના ભૌતિક સુખને ત્યાજી આધ્યાત્મિક સુખ તરફ આગળ વધવું તે. સદગતિ પ્રધાનપણે પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે. વાસ્તવમાં પૈસો, પદ, પ્રતિષ્ઠા વગેરે કિસ્મત કે નિયતિને આધિન છે. જ્યારે ધર્મ અને મોક્ષની એટલે કે સદગતિની પ્રાપ્તિ પુરુષાર્થને આધીન છે. પરંતુ આપણે ઉલટું જ કરીએ છીએ. ધર્મ અને સદગતિને કિસ્મતને હવાલે છોડી દઈએ છે અને પૈસા અને ઈચ્છાઓ પાછળ ભાગીયે છીએ. એટલે કે જ્યાં પુરુષાર્થની જરૂર નથી ત્યાં પુરુષાર્થ કરીએ છીએ અને જ્યાં પુરુષાર્થની જરૂર છે, તેને ભગવાન ભરોસે છોડી દઈએ છીએ. જીવનમાં જેટલી પરાધીનતા કે પરવશતા છે તેની પાછળનું મૂળભૂત કારણ કર્મ છે. પરલોકનો જો વિચાર પણ ન આવતો હોય તો માનવું કે ધર્મના મૂળભૂત સત્યો હજુ હૃદયમાં બેઠા જ નથી. સમજદારને તો જન્મથી જ ધર્મની જરૂર પડે. બેવકૂફને જ ધર્મની જરૂર ન પડે. આપણા બધાના જીવનમાં રહેલી અતિશય અને અવિરત પીડાઓ પાછળ ક્રોધરૂપી અધર્મ અને દ્વેષરૂપી અધર્મ અને મમતારૂપી અધર્મ જ જવાબદાર છે. જે આપણી સદગતિની યાત્રાના અવરોધો છે. સદગતિના મુખ્ય 6 કારણો છે. જીવનમાં રાહત ઈચ્છતી વ્યક્તીએ સદગતિના આ બધા કારણોને સમજી યથાર્થ પુરુષાર્થ કરવો આવશ્યક છે.
૧) અકામનિર્જરા – નિર્જરા એટલે બાંધેલા કર્મોથી મુક્ત થવું. અને અકામ એટલે નિર્જરા વખતે કોઈ રાગ કે દ્વેષનો ભાવ ન હોવો. નિર્જરા અકામ ન હોય એટલે કે ઇચ્છા સાથેની હોય ત્યારે તે સકામનિર્જરા કહેવાય. જે આત્મા આવી પડેલા દુઃખનો હાયવોય કર્યા વગર, સંકલેશ કર્યા વિના, દ્વેષના તીવ્ર ભાવો વગર, શાંતિથી સહન કરે તેણે અકામનિર્જરા કરી કહેવાય. ભારે કષ્ટો શાંતિથી વેઠવા, દુઃખો ભોગવતી વખતે પોતાના કર્મોને જ જવાબદાર ઠેરવવા, અન્ય નિમિત્તોને દોષ ન દેવો, તેઓની નિંદા ન કરવી, તેઓનું ખરાબ ન બોલવું વગેરે અકામનિર્જરાના ઉદાહરણો છે. જે જીવ શાંતિથી દુઃખ વેઠે છે એ અકામનિર્જરા કરી એવું પુણ્ય બાંધે છે, જે તેને સદગતિ તરફ લઈ જાય છે. તમે સંપૂર્ણ સાચા હોવા છતાં તમારી સાથે અન્યાય થતો રહે અને તમે હસતે મોઢે કોઈ ફરિયાદ વગર કે અન્ય ખરાબ કર્મો (એટલે કે બદલાની ભાવના, શ્રાપ આપવો, નિંદા કરવી વગેરે) ન બાંધો તેને અકામનિર્જરા કહેવાય. જે ખૂબ મોટો ગુણ છે. હા એક વાત યાદ રાખવી જરૂરી છે કે અન્ય સાથે અન્યાય થતો હોય ત્યારે તેને મદદ કરવી એ ધર્મ છે, પરંતુ પોતાની સાથે થતાં અન્યાયને પોતાના જ કર્મોની સજા સમજી લેવું તે સદગતિનું એક ઉમદા કારણ છે. દુઃખ વેઠનાર બધા અકામનિર્જરા નથી કરતા, પરંતુ શાંતિથી હાયવોય કર્યા દુઃખ વેઠનાર અકામનિર્જરા કરે છે. ટૂંકમાં સહન કરવાથી કશું ગુમાવવાનું નથી, માત્ર મેળવવાનું જ છે. આ તો સો રૂપિયાના મુડીરોકાણ સામે લાખ રૂપિયાનો નફો મેળવવા જેવી વાત છે. દુઃખ તો જીવનમાંથી ઠુંસ કાઢી નાખવા માટે હોય છે. જે મનશુદ્ધિ, આત્મકલ્યાણ અને ઈશ્વરપ્રાપ્તિ માટે આવશ્યક છે. અધર્મ કરતા ધર્મની તાકાત વધારે છે. પ્રકાશના એક કિરણ સામે ગાઢ અંધકારએ પણ હાર સ્વીકારવી પડે છે, તે આપણે સૌ જાણીએ છીએ. અનંતકાળથી અડ્ડો જમાવીને બેઠેલા કર્મોને ખેરવવા અકામનિર્જરારૂપ પુરુષાર્થ અનિવાર્ય છે.
૨) મંદકષાયો – જીવમાત્રને પીડતા મુખ્ય ષટરિપુ એટલે કે છ કષાયો છે. ક્રોધ, કામ (ઈચ્છાઓ) લોભ, મોહ(આસક્તિ) અહંકાર અને ઈર્ષા. વારંવાર આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ જીવન અને મરણ આત્મા માટે કલંકરૂપ છે. આપણી પ્રકૃતિ કે સ્વભાવ આપણું જ સર્જન છે. આવી સ્વભાવરૂપ પ્રકૃતિને અંદરથી બદલવી એ જ સાચી તપશ્ચર્યા છે. મનુષ્યજીવન સાથે જોડાયેલા આવા તીવ્ર છ કષાયોને મંદ કરી, પ્રકૃતિ બદલવી આપણા હાથમાં છે અને આ કાર્યમાં સફળતા મળતા જીવની સદગતિની યાત્રા શરૂ થઈ જાય છે. અહીં મન મારીને જીવવાની વાત નથી પરંતુ મન પર વિજય મેળવવાની વાત છે. ગંભીરતા, સહિષ્ણુતા, ખાનદાની વગેરે મંદકષાયોમાંથી ફલિત થતા ગુણો છે. સદગતિ માત્ર મંદિરોમાં જવાથી જ બંધાય એવું નથી નોકરી-ધંધામાં મંદકષાયયુક્ત સંસારી સદગતિ જ બાંધતો હોય છે. વળી અકામનિર્જરા કરતા મંદકષાયોનો રસ્તો થોડો વધુ સરળ છે.
૩) શુભ-લેષ્યા – મૃત્યુનું કારણ જન્મ અને જન્મનું કારણ કર્મ એ આપણે સૌ જાણીએ છીએ. અકર્મીને જન્મ નથી અને જેનો જન્મ નથી તેનું મૃત્યુ પણ નથી. આખું જગત મૃત્યુથી ભાગાભાગ કરે છે પણ જન્મથી કંટાળેલા કેટલા? જ્યાં સુધી જન્મ છે ત્યાંસુધી આંતરિક દુઃખો રહેવાનાં. વળી દુઃખો આપણા અધર્મની જ નિશાની છે. જ્યારે દુઃખ આવે ત્યારે આપણા પાપથી પ્રાપ્ત કર્યું છે તેવો ભાવ કરવો જેથી લેષ્યા શુભ બંધાય. સતત સારા ભાવમાં રહેવું, માફ કરવું, મોટો જીવ રાખવો, જતું કરવું, સરળ રહેવું, કપટ કે વિશ્વાસઘાત ન કરવા, બિનજરૂરી પંચાતમાં રસ ન લેવો વગેરે શુભ લેશ્યા જ છે. જે ઉત્તમ આભામંડળ તૈયાર કરે છે, જેમાં પાપ કરવું લગભગ અશક્ય બની જાય છે અને સદગતિ બંધાય છે. સંસારની ચડ-ઊતરની નિસરણી જ એવી છે કે જેટલું ઊતરો એટલું ચડવું જ પડે એટલે કે સુખ જોઈતું હોય તો દુઃખ ભોગવવું જ પડે. પૈસાની અછતનું દુઃખ ખુબ ભોગવ્યું હોય પછી તેની પ્રાપ્તિ થાય તો સ્વાભાવિક સુખ લાગે. જેટલી દુઃખની માત્રા ઉંચી તેટલી સુખની અનુભૂતિ વધારે. પરંતુ વાસ્તવમાં આ તો ડ્રેસિંગ કરવા ગૂમડું ઉભું કરવા જેવી અજ્ઞાનતા છે. સંસારના સુખ ડ્રેસિંગ જેવા છે, ઘા પહેલા પાડવો પડશે. સંસારમાં સુખ વાસ્તવમાં છે જ નહીં અને જ્યાં સુધી મોક્ષનું મહત્વ નહીં સમજાય, ત્યાં સુધી તેની તાલાવેલી જાગશે ક્યાંથી? મોક્ષનું સાચું સ્વરૂપ સમજાવું એ જ વાસ્તવમાં શુભલેષ્યા છે. માત્ર થોડાઘણા પુણ્ય કરવાથી કે નિયમો પાળવાથી શુભલેશ્યા આવતી નથી પરંતુ સતત એકધારી ઉત્તમવૃત્તિ, ઉદારવૃત્તિ એ જ શુભલેશ્યા છે, જે સદગતિનું અગત્યનું કારણ છે. ઘણીવાર અશુભલેશ્યાવાળો જીવ ધર્મ કરતો હોય(એટલે ધર્મ પાછળનો હેતુ કે ભાવ ખરાબ હોય) તો પણ પાપ બાંધે છે અને શુભલેશ્યાવાળો જીવ પાપ કરતો હોવા છતાં પણ પુણ્ય બાંધે છે. ટૂંકમાં બધી લેશ્યાની એટલે કે ભાવની જ માયા છે. હું અને મારું એવી સ્વાર્થવૃત્તિ, કૈક મફતમાં મળતું હોય તો જરૂર ન હોવા છતાં વાપરવાની વૃત્તિ કે ખાઈ લેવાની વૃત્તિ, વળી જાહેર-મિલકત જેવી કે ધરમશાળા, બાગબગીચા, નદી-તળાવ વગેરે પ્રત્યેની આપણી બેદરકારી એટલે કે કોના બાપની દિવાળી? એવી બુદ્ધિ સાથે વસ્તુ વાપરવી એ અશુભલેષ્યા છે. જે દુર્ગતિ તરફ જીવને લઈ જાય છે. શુભલેશ્યા કેળવવા આપણે આપણી વૃત્તિઓનું અવલોકન સતત કરવું પડે, અશુભને દૂર કરી શુભનુ બેગ્રાઉન્ડ તૈયાર કરવું પડે. ટૂંકમાં તમારા મનોભાવની વાત ચાર-જણ વચ્ચે કરતા શરમ ના આવે તે સારી વૃત્તિ કે શુભલેશ્યા કહેવાય.
૪) શુભધ્યાન – શુભધ્યાન એટલે ધર્મધ્યાન કે શુકલધ્યાન એટલે કે સતત ઈશ્વરસ્મરણ, દયા-દાન, ભક્તિ, તપ, યોગ, ધર્મ-ગ્રંથોનું વાંચન, સત્સંગ, કથાશ્રવણ, મનન અને નિદિધ્યાસન વગેરે શુભધ્યાન કહેવાય. જે મનને શુદ્ધ કરવાના સાધનો છે. જેના દ્વારા સદગતિ સરળ બને છે. ધ્યાન ચાર પ્રકારના હોય છે, ૧) આર્તધ્યાન ૨) રૌદ્રધ્યાન ૩) ધર્મધ્યાન અને ૪) શુકલધ્યાન. સામાન્ય રીતે ધ્યાન એટલે એકાગ્રતા. ચિત્ત જ્યારે ધર્મ કે શુભકામનામાં એકાગ્ર થાય ત્યારે તેને શુકલધ્યાન કહેવાય. સુખની અપેક્ષાએ ધ્યાન કરવું તે આર્તધ્યાન છે. જીવનભર યોજનાઓ બનાવી અને ભવિષ્યની ચિંતામાં પ્લાનિંગ કરવા એ પણ આર્તધ્યાનનું ઉદાહરણ છે. કર્તવ્યના વિચાર પણ આર્તધ્યાન છે. ધર્મધ્યાન પણ સંસારની ભાવનાથી થાય તો તે આર્તધ્યાન બને છે. જ્યારે ચિત્ત ક્રૂરતા, ઉશ્કેરાહટ આવેગ, પરપીડામાં આનંદ કે હિંસાના ભાવમાં એકાગ્ર થાય ત્યારે તેને રૌદ્રધ્યાન કહેવાય. અનુકુળતા પ્રત્યે રાગ અને પ્રતિકૂળતા પ્રત્યે દ્વેષ એટલે આર્તધ્યાન. આવા આર્તધ્યાનને ટાળી શુભધ્યાન, ધર્મધ્યાન કે શુકલધ્યાનની આરાધના કરવી સદગતિ માટે અનિવાર્ય છે.
૫) ગુણસ્થાનક – ગુણો ઉત્પન્ન કરતું સ્થાન એટલે ગુણસ્થાનક. જ્યાંથી સદ્ગુણો પ્રાપ્ત થાય તેવું સ્થાન એટલે ગુણસ્થાનક. તમામ સદગતિના કારણોમાં આ ઉત્તમ કારણ છે. કેમ કે અહીં સદગતિ ઉપરાંત આત્મકલ્યાણ પણ થાય છે. બાકીના બધા કારણોમાં સદગતિની ગેરંટી છે, પરંતુ આત્મકલ્યાણ થાય પણ ખરું અને ન પણ થાય. જ્યાં સુધી ભય ન દેખાય ત્યાં સુધી આપણે સાવચેતી શું રાખવાના? એ રીતે ગુણ અને ગુણસ્થાનક બંને જુદા છે. ગુણ આવે એટલે ગુણસ્થાનક આવી જાય તેવું નથી. દાખલા તરીકે સોનું અને સોનાની ખાણ બે જુદી બાબત છે. રત્ન જેવા આધ્યાત્મિક ગુણ આત્મામાંથી ઉત્પન્ન થાય તેવી આત્માની દશાને ગુણસ્થાનક કહે છે. એટલે કે આધ્યાત્મિક ગુણોની ઉત્પત્તિનું સ્થાન એટલે ગુણસ્થાનક. જે મોક્ષમાર્ગનો રાજમાર્ગ છે. સદગતિ માટે અનેક કારણો છે, પરંતુ મોક્ષ માટેનો અમોઘ ઉપાય એટલે ગુણસ્થાનકની પ્રાપ્તિ. આમ ગુણસ્થાનક એ મુક્તિ અને સદગતિ બંનેનું કારણ છે. સદગતિ એટલે દુર્ગતિની સરખામણીમાં ઓછી પીડા અને વધુ સુખ. જ્યારે મુક્તિ એટલે દુઃખોથી સંપૂર્ણ મુક્ત થવું અને અવિરત આનંદની પ્રાપ્તિ કરવી. આધ્યાત્મિકગુણો ઉત્પન્ન ક્યારે થાય? જ્યારે પ્રથમ એની તરસ જાગે. ત્યારબાદ વૈરાગ્ય આવે કેમ કે સંસારથી વિમુખ થયા વગર આત્માના ગુણો ઉદભવે નહીં. જેમ પ્રકાશ માટે અંધકારને છોડવો જ પડે. આપણે કહીએ કે મારે પ્રકાશ જોઈએ છે પણ અંધકાર છોડવો નથી તો તે કેમ શક્ય બને? આમ વૈરાગ્ય આધ્યાત્મિકગુણો પ્રાપ્તિની પૂર્વશરત છે. વૈરાગ્ય એટલે સંસારને મનમાંથી કાઢવો તેના માટે ગિરનારની ગુફામાં જતું રહેવાનું નથી. ધર્મમાં ચૌદ ગુણસ્થાનકોની ચર્ચા છે, આવા ગુણસ્થાનકો સદગતિનું મહત્વનું કારણ છે.
૬) દ્રવ્યથી વિરતિ – વિરતિ એટલે વિરામ એટલે સંયમ. વિરતિની વિશાળતકો માત્ર મનુષ્યભવમાં છે. ઉચ્ચ ચારિત્ર એ પાપની વિરતિ છે. સર્વવિરતી તો માત્ર મનુષ્ય જ પામી શકે, એટલે જ માનવ યોની દુર્લભ ગણી છે. કેમ કે ઉચ્ચ ધર્મની આરાધના માટે ફક્ત શરીરબળ નહીં મનોબળ પણ જોઈએ. આવું વિશિષ્ટ અને શક્તિશાળી મન પ્રભુએ માત્ર મનુષ્યને જ આપ્યું છે. જે દેવયોનિમાં પણ પ્રાપ્ત નથી. એટલા માટે સર્વવિરતિનો ઉચ્ચ ધ્યેય દરેક મનુષ્યે હાંસલ કરવો જોઈએ. વિરતિ બે પ્રકારે થાય. ૧) દ્રવ્યથી વિરતિ ૨) ભાવથી વિરતિ, ભાવથી વિરતિ ગુણસ્થાનકમાં તેમજ શુભલેષ્યામાં સમાવિષ્ટ છે. ટૂંકમાં પાપથી વિરતિ એટલે અશુભનો ત્યાગ. કંઈ પણ મન-વચન-કર્મથી અયોગ્ય ન થઈ જાય તે માટેનો સંયમ કેળવવો એટલે વિરતિ. દ્રવ્યવિરતિના બે પ્રકાર ૧) સર્વવિરતિ – એટલે સર્વ પ્રકારના પાપોનો ત્યાગ ૨) દેશવિરતિ એટલે અંશથી પાપોનો ત્યાગ અને ધીરે ધીરે થોડા થોડા પાપોમાંથી મુક્ત થવું. જે જીવ દેશવિરતિનું પાલન કરે તેને મનુષ્યભવની પ્રાપ્તિ અવશ્ય થાય, જ્યારે સર્વવિરતિના નિયમોનું પાલન કરનારને દેવીયોનીની પ્રાપ્તિ શક્ય બને. તમામ પ્રકારનાં પાપ બંધાય અવિરતિ (અસંયમ) તેમજ મિથ્યાત્વ (સાચા ને ખોટું અને ખોટાને સાચું સમજવું તે) ને લીધે, વળી આપણી તમામ ખામીઓ અકબંધ જળવાઈ રહે કદી તેમાં પરિવર્તન ન આવે, સુધારો ન થાય તેની પાછળનું મુખ્ય કારણ અજ્ઞાન છે. જેથી અજ્ઞાનથી છુટકારો આવશ્યક છે, તે વગર આ છ સદગતિના કારણો કોઈ રીતે સહાય કરી શકે નહીં. જ્ઞાનપ્રાપ્તિની સાથે જ અકામનિર્જરા શક્ય બને, કષાયો મંદ પડે, શુભધ્યાન અને શુભલેશ્યા પ્રાપ્ત થાય, ગુણો પ્રાપ્ત કરવાની તલપv જાગે અને સર્વવિરતિ દ્વારા અકલ્યાણકારી બાબતોથી મુક્ત થઈ આત્મકલ્યાણ શક્ય બને.