શાસ્ત્રો અનુસાર, ૮૪ લાખ યોની, દરેક સમસ્યાથી ખીચોખીચ, પરંતુ સમસ્યાઓની અનુભૂતિ સૌથી વધુ અને પરાકાષ્ટાએ મનુષ્યયોનીમાં કેમ કે મનુષ્ય મન જ સૌથી વધુ વિકસિત, જેટલી વધારે સમજણ અને જાગૃતતા એટલી વધારે સમસ્યાની અનુભૂતિ, એ દ્રષ્ટિએ સૌથી પીડાદાયક મનુષ્યયોની કહેવાય, તેમ છતાં તેને અમૂલ્ય ગણવામાં આવી છે. કેમ કે માત્ર આ યોનીમાં જીવ તેની શ્રદ્ધા, સામર્થ્ય અને સમજણ વડે જીવનની તમામ સમસ્યાથી મુક્ત થઇ શકે છે. સામાન્ય રીતે આપણું રોજીંદુ કાર્ય અટકી પડે, દુઃખ કે અભાવની સ્થિતિ આવી જાય, સુખ મળવામાં બાધા ઉત્પન્ન થાય, મન-બુદ્ધિ કામ કરતા બંધ થાય, (શું કરવું એ ખબર ન પડે- એક સાંધતા ચાર તૂટે એવી સ્થિતિ સર્જાય) ત્યારે આપણે તેને સમસ્યા તરીકે ઓળખીએ છીએ. આમ તો મનુષ્યજીવનના દરેક તબક્કે સમસ્યા અનુભવાય છે. માત્ર કારણ જુદા-જુદા હોય છે. જેમ કે બાલ્યાવસ્થામાં ઓછી સમજણથી સમસ્યા સર્જાય, યુવાનીમાં ક્રોધમાં સમસ્યા સર્જાય અને વૃદ્ધાવસ્થામાં જરાજીર્ણ શરીર સમસ્યા પેદા કરે. વિદ્યાર્થીઓને અઘરા પ્રશ્નો સતાવે, પરિવારોને કલર અને કંકાસ પરેશાન કરે, સજ્જનને દુષ્ટ હેરાન કરે, ધનવાનને ચોર હેરાન કરે અને પ્રજા માટે તાનાશાહી સમસ્યા સર્જે. આમ સમસ્યા એટલે પ્રતિકૂળતા, અભાવ, વિરોધ, ઇચ્છાઓનું ફળીભૂત ન થવું, અકલ્પનીય ઘટનાઓનું ઘટવું, વિશ્વાસઘાત, છળકપટ, મિથ્યા-આરોપ, નિંદા વગેરેને આપણે સમસ્યા ગણીએ છીએ. આવી સમસ્યાઓ સામાન્ય રીતે આપણા પોતાના દ્વારા કે અન્ય દ્વારા તેમજ પ્રકૃતિ દ્વારા ઉદભવતી હોય છે. જેના આધારે સમગ્ર સમસ્યાને ત્રણ વિભાગમાં વહેંચી શકાય. ૧) આધિદૈવિક – જે સમસ્યા પ્રકૃતિના તત્વો જેવા કે પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ દ્વારા ઉત્પન્ન થતી હોય, એટલે કે દૈવીપ્રકોપ આપણી સમસ્યાનું કારણ હોય, જેમ કે ખૂબ ઠંડી, ખૂબ ગરમી, વાવાઝોડું, પૂર, ધરતીકંપ, કોરોના જેવા વાઇરસ, આગ (ગ્લોબલ વોર્મિંગ) વગેરે. ૨) આધિભૌતિક – એટલે અન્ય દ્વારા ઉભી થતી હોય તેવી સમસ્યા, જેમ કે સંબંધો દ્વારા ઊભી થતી પીડાઓ (જેમાં તમામ પ્રકારના કલહ-કંકાશ, અપેક્ષા- ફરિયાદોનું વિષચક્ર સમાવિષ્ટ છે) મિત્ર, પડોશી, સંબંધી, ગામ, દેશ વગેરે દ્વારા ઊભી થતી સમસ્યાઓ. વળી અન્ય પશુ-પક્ષી, મચ્છર-માખી દ્વારા ઉદભવતી બીમારી, અન્ય દ્વારા થતી ચોરી, સંબંધો કે જવાબદારીઓને કારણે થતું દેવું કે ગરીબી વગેરે આધિભૌતિક સમસ્યાઓ છે. ૩) આધ્યાત્મિક સમસ્યા – જે વ્યક્તિની પોતાની સ્વયંની એટલે કે પોતાના કાર્યો દ્વારા ઊભી કરેલી સમસ્યાઓ છે. જેની પાછળ વ્યક્તિનો પોતાનો સ્વભાવ જવાબદાર હોઇ શકે, વળી કામ, ક્રોધ, મોહ, લોભ, અહંકાર, ઈર્ષા જેવા દુર્ગુણો જવાબદાર હોઈ શકે. આમ તો માણસની પ્રકૃતિ, સ્વભાવ કે કષાયો તેનાં પૂર્વજન્મનાં કર્મોને આધીન હોય છે. ઘણી સમસ્યાઓ મનુષ્ય પોતાની અજ્ઞાનતા, આળસ, પ્રમાદ, લાપરવાહી, વધુ પડતી ઉતાવળ, દૂરદર્શિતાના અભાવ દ્વારા સર્જતો હોય છે.
પ્રશ્ન એ છે કે, આ તમામ સમસ્યાનું નિવારણ કેવી રીતે થાય? સામાન્ય રીતે સમસ્યા નિવારણના ત્રણ ઉપાયો છે. ૧) સમસ્યાનું સમાધાન શોધો અથવા સમસ્યા સાથે સમાધાન સાધી લો ૨) સમસ્યાને સહન કરી લો ૩) સમસ્યાની ઉપેક્ષા કરો એટલે તેને ટાળી દો. મોટેભાગે વ્યક્તિઓ સમસ્યાને ટાળવાનો પ્રયત્ન કરતા હોય છે. કેમ કે સમસ્યાના સમાધાન માટે ખૂબ ઊંડી સમજણ, ગુઢ જ્ઞાન અને કૌશલ્ય (skill) જોઈએ, જે બધા માટે શક્ય નથી. બીજો રસ્તો છે સહન કરવાનો, પરંતુ કળયુગના માનવીની સહનશક્તિ ખૂબ ઓછી હોય છે. તે થોડી ઠંડી કે ગરમી પણ જો સહન ન કરી શકતો હોય કે કોઇના દ્વારા થતી નાની-મોટી ટીકા, નિંદા કે અવગણનાની પ્રતિક્રિયા જો સહન ના કરી શકતો હોય તો મોટી સમસ્યાને કેવી રીતે સહન કરવાનો? હવે જો તે સમાધાન શોધવા સમર્થ ન હોય, સહન કરી શકતો ન હોય, તો સ્વાભાવિક છે કે તે દરેક સમસ્યાને ટાળવાનો પ્રયત્ન કરશે. પરંતુ મને અહીં પેલા રણના પક્ષીની વાર્તા યાદ આવે છે કે સામેથી આવતા વાવાઝોડા સામે બચવા જો તે પોતાની આંખો બંધ કરી દે તો શું વાવાઝોડાથી બચી જશે? કેમ કે સમસ્યાઓને ટાળવાથી કે તેને ઈગ્નોર કરવાથી તેનાથી બચી શકાતું નથી. કદાચ એવું બને કે નાની-નાની સમસ્યાઓ ભેગી થઈ મોટો વિસ્ફોટ સર્જે કે જે વ્યક્તિના સમગ્ર અસ્તિત્વને નષ્ટ કરી નાખે. જેથી સમસ્યાઓને ટાળવી કોઈ રીતે યોગ્ય નથી. તેનું કાયમી નિવારણ જ શોધવું જોઈએ. સમસ્યાઓના ત્રણ પ્રકાર અનુસાર સમાધાન શોધવું પડે. જેમ કે આધિદૈવિક સમસ્યાઓ સામે ઝૂક્યા સિવાય વિશેષ રસ્તો નથી. તેમ છતાં પ્રકૃતિજન્ય સમસ્યાઓને વૈજ્ઞાનિક કે સામાજિક વિકાસ દ્વારા ઘણા અંશે હળવી કરી શકાય. જેમ કે મજબૂત ઘર ઉભા કરી ભૂકંપ, પૂર, વાવાઝોડું,ગરમી, ઠંડીથી બચી શકાય. એ જ રીતે મચ્છરો કે વાયરસ દ્વારા ઉભા થતા રોગો સામે દવા કે રસી શોધી બચી શકાય. એસિ-હીટર જેવા સાધનોની મદદથી સિઝનની તકલીફથી બચી શકાય. પરંતુ જો જીવનનું સૂક્ષ્મ અવલોકન કરવામાં આવે તો સમજાશે કે જીવનમાં દસથી વીસ ટકા જ આધિદૈવિક કે આધિભૌતિક સમસ્યા હોય છે. મુખ્યત્વે તો આપણને આધ્યાત્મિક સમસ્યા વધુ સતાવે છે. જેની પાછળ આપણો પોતાનો સ્વભાવ, સંસ્કાર, ટેવો અને કષાયો જવાબદાર છે. વળી આપણા દ્વારા ઉભી થયેલી સમસ્યા માટે જવાબદાર આપણે જ છીએ અને તેનું સમાધાન પણ આપણે જ કરી શકીએ. પરંતુ આપણે વ્યર્થ આજીવન અન્ય લોકોની સલાહ અને માર્ગદર્શન ઈચ્છીએ છીએ જેમકે જ્યોતિષની મદદ, ટીલા-ટુચકા, મનોવૈજ્ઞાનિકોનું કાઉન્સિલિંગ, અન્ય કહેવાતા પોતાનાઓની સલાહ વગેરે કદી વિશેષ પરિણામ આપી શકતા નથી. કેમ કે આપણું પોતાનું અજ્ઞાન, સમજણનો અભાવ, આળસ, સ્વાર્થ, પાગલપન વગેરે આપણી નબળાઈઓ છે, એને જ્યાં સુધી દૂર ન કરીએ ત્યાં સુધી જીવનમાં સુખની સવાર ઊગી શકે નહીં. જેમ આધિદૈવિક સમસ્યાઓનું નિવારણ ચોક્કસ પ્રકારના વિકાસ, સગવડોની પ્રાપ્તિ કે સંશોધન દ્વારા શક્ય છે તેવી જ રીતે આધિભૌતિક સમસ્યાઓને( એટલે કે અન્ય દ્વારા થતા અન્યાય અને અયોગ્ય વ્યવહારને) હકારાત્મક અભિગમ દ્વારા તેમ જ યથાર્થ સહનશક્તિ કેળવી દૂર કરી શકાય અને આધ્યાત્મિક સમસ્યાઓને સ્વભાવ, ટેવો, પ્રકૃતિ બદલી કષાયોમુક્તિ દ્વારા દૂર કરી શકાય. જેના માટે યથાર્થ જ્ઞાનપ્રાપ્તિની તપશ્ચર્યા કરવી પડે કેમકે જ્યાં સુધી સમજણ કેળવાય નહીં ત્યાં સુધી સમસ્યા નિવારણ શક્ય બની શકે નહીં. ટૂંકમાં સમસ્યાને ટાળવા, સહન કરવા કે સમાધાન સાધવા કરતા તેનું નિવારણ વધુ જરૂરી છે. કેમકે જ્યારે સમાધાન(compromise) કરવામાં આવે છે ત્યારે અંદરથી કંઈક મરતું જાય છે, વળી પ્રકૃતિ કે સ્વભાવ વિરુદ્ધ વર્તવાથી સહજતાનું સુખ આપણે ગુમાવી બેસીએ છીએ. તે જ રીતે સમાધાન ટૂંકા ગાળા માટે કદાચ શક્ય બની શકે પરંતુ જીવનપર્યંત સમાધાન કરવું શક્ય નથી. જેમ કે કોઈ અસભ્ય, અસંસ્કારી, દુષ્ટ, લાલચી કે સ્વાર્થી સંબંધીને મહેમાન તરીકે થોડો સમય સહન કરી શકાય પરંતુ જીવનપર્યંત તેને સહન કરવું અઘરું છે. એ જ રીતે કોઇ રોગ થાય તો તેને ટાળી પણ ન શકાય, જરૂરથી વધારે સહન પણ ન કરી શકાય અને તેની સાથે જીવનપર્યંત સમાધાન પણ ન થઇ શકે. રોગનું તો નિવારણ જ કરવું પડે. જીવનની કોઈપણ સમસ્યા હોય તેને ટાળવા, સહન કરવા કે સમાધાન સાધવા કરતા તેના નિવારણ માટેના પ્રયત્નો વધુ તાર્કિક કહેવાય એવું મારું અંગત મંતવ્ય છે. પરંતુ આપણે સંસારની તમામ સમસ્યાઓને કાં તો ટાળવાનો અથવા સહન કરવાનો કે તેની સાથે સમાધાન સાધવાનો પ્રયત્ન કરીએ છીએ, જે આપણું સૌથી મોટું અજ્ઞાન છે. કદાચ એટલે જ આપણું જીવન અકલ્પનીય સમસ્યાઓથી ખીચોખીચ છે. સમસ્યામુક્ત જીવન માટે યથાર્થ જ્ઞાન (ઉંડી તાર્કિક સમજણ) અતિ આવશ્યક છે. દરેક સમસ્યાઓને શરૂઆતથી જ સમજી તેનું નિવારણ શોધી લેવું જોઈએ જેથી બહુ મોડું ન થઈ જાય. કેમકે વધુ વિલંબને કારણે ક્યારેક બાજી હાથમાંથી જતી રહેતી હોય છે. આપણે જાણીએ છીએ કે કેન્સર જેવી અનેક બીમારી જો પ્રથમ સ્ટેજમાં પકડાઈ જાય તો તેનું નિવારણ શક્ય છે, પરંતુ બીમારી (સમસ્યા) પકડમાં આવતા વાર લાગે તો પસ્તાવા સિવાય કોઇ વિકલ્પ રહેતો નથી.