ગાંધીનગર: ગુજરાતના NCC ડાયરેક્ટોરેટ દ્વારા કોવિડ-19 સામે લડાઇ લડવા માટે NCC યોગદાન કવાયતના ભાગરૂપે નાગરિક વહીવટીતંત્રને સહાયરૂપ થવા માટે વધુ સ્થળો પર તેના સ્વયંસેવક કેડેટ્સની નિયુક્તિ કરવાના પ્રયત્નો ચાલુ રાખવામાં આવ્યાં છે. સોમવારે ગુજરાતમાં મુખ્ય 14 નગરોમાં 410 સ્વયંસેવક કેડેટ્સ, 52 કાયમી ઇન્સ્ટ્રક્ટર અને 38 સહાયક NCC ઓફિસરની નિમણૂંક કરવામાં આવી હતી. આ ટીમોને મુખ્યત્વે ટ્રાફિક સંચાલન, કતાર વ્યવસ્થાપન અને અનાજ વિતરણની કામગીરીમાં નિયુક્ત કરવામાં આવી હતી. વધુમાં આ કેડેટ્સ કોવિડ-19થી બચવા માટે કયા પ્રકારની સાવધાની રાખવી તે અંગે સ્થાનિક લોકોને સમજણ પુરી પાડવા સક્રિયપણે જોડાયેલા છે. આ પ્રકારે નિયુક્ત થતાં પહેલા તમામ કેડેટ્સ કોવિડ-19 અંગે વ્યાપક તાલીમમાંથી પસાર થયા છે.
ગાંધીનગરઃ 2 પોલીસ સ્ટેશન અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં 10 સ્થાનોએ પ્રથમ વખત 02 ANO અને 02 કાયમી ઇન્સ્ટ્રક્ટરની સાથે 2 ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ કોયના 15 કેડેટ્સની નિયુક્તિ કરવામાં આવી છે. લૉકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા માટે આ કેડેટ્સ પોલીસની સાથે ફરજ નિભાવે છે.
જામનગરઃ જામનગર ખાતે હવે બે પાળીમાં કેડેટ્સની નિયુક્તિ કરવામાં આવી છે. સવાર પાળી દરમિયાન સમગ્ર શહેરમાં 11 જેટલા સ્થાનોએ 3 મહિલા ANO અને 11 કાયમી ઇન્સ્ટ્રક્ટરની સાથે 6 ANO સાથે 8 ગુજરાત નૌકા એકમ અને 27 ગુજરાત બટાલિયનની સાથે 48 સ્વયંસેવક કેડેટ્સની નિયુક્તિ કરવામાં આવી છે. બપોર પાળીમાં પાંચ મુખ્ય સ્થળોએ રેશનિંગની દુકાનો પર કતાર વ્યવસ્થાપન માટે 04 ANO અને 05 કાયમી ઇન્સ્ટ્રક્ટરની સાથે 20 કેડેટ્સને નિયુક્ત કરવામાં આવ્યાં છે. આ રીતે નિયુક્ત કરાયેલા કેટલાક સ્થાનોમાં સમર્પણ સર્કલ, DKV સર્કલ, આંબેર ચોકડી, એમ્યુઝમેન્ટ પાર્ક, સાત રસ્તા સર્કલ, દિગ્જામ સર્કલ અને ખાંભલિયા દરવાજાનો સમાવેશ થાય છે.
પૂર્વ કચ્છઃ પૂર્વ કચ્છમાં 08 સ્થાનો પર 6 નૌકા એકમ અને 1 કોય ભૂજના 08 કાયમી ઇન્સ્ટ્રક્ટર, 05 ANO અને 01 અધિકારીની સાથે 73 કેડેટ્સને નિયુક્ત કરવામાં આવ્યાં છે. તેમને આદિપુર, ગાંધીધામ A, ગાંધીધામ B અને અંજાર એમ ચાર પોલીસ સ્ટેશન અંતર્ગત નિયુક્ત કરવામાં આવ્યાં છે.
પશ્ચિમ કચ્છ (ભૂજ): પશ્ચિમ કચ્છ વિસ્તારમાં પ્રથમ વખત જામનગર ગ્રૂપ અંતર્ગત 5 નૌકા એકમ અને I કોય (i)ના 01 ANO અને 02 કાયમી ઇન્સ્ટ્રક્ટર સહિત 10 સ્વયંસેવક કેડેટ્સને નિયુક્ત કરવામાં આવ્યાં હતા. પોલીસને સહાયતા કરવા માટે તેમની 03 મહત્ત્વપૂર્ણ ટ્રાફિક પોઇન્ટ્સ ઉપર નિયુક્તિ કરાઇ હતી.
મુંદ્રાઃ મુંદ્રામાં 02 સ્થાનો ઉપર 06 કેડેટ્સ અને 01 ANOની નિયુક્તિ કરાઇ હતી.
પોરબંદરઃ નાગરિક વહીવટીતંત્રની સહાયતા માટે જામનગર ગ્રૂપ અંતર્ગત 4 ગુજરાત નૌકા એકમના 42 કેડેટ્સ, 04 ANO અને 06 કાયમી ઇન્સ્ટ્રક્ટરને નિયુક્ત કરાયા હતા. આ કેડેટ્સ દ્વારા સામાજિક અંતર જાળવી રાખીને વાડી વિસ્તારમાં જાગૃતિ કૂચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
નડિયાદઃ નાગરિક વહીવટીતંત્રને સહાયતા કરવા માટે 02 પાળીમાં 96 કેડેટ્સ, 06 કાયમી ઇન્સ્ટ્રક્ટર અને 06 ANOની વહેંચણી કરીને નિયુક્તિ કરવામાં આવી હતી. આ કેડેટ્સ મુખ્ય પાંચ સ્થાનોએ ટ્રાફિક નિયમન, બેન્ક અને ATM પર કતાર વ્યવસ્થાપન અને અનાજ વિતરણની કામગીરીમાં સક્રીયપણે જોડાયેલા છે.
વલ્લભ વિદ્યાનગર/ આણંદઃ આણંદ અને વલ્લભ વિદ્યાનગર શહેરમાં વલ્લભ વિદ્યાનગર ગ્રૂપ અંતર્ગત 13 બટાલિયન, 4 બટાલિયન અને 2 CTCના 25 સ્વયંસેવક કેડેટ્સ, 01 ANO અને 03 કાયમી ઇન્સ્ટ્રક્ટરની પ્રથમ વખત નિયુક્તિ કરવામાં આવી હતી. આ ટીમોની 7 જગ્યાઓએ નિયુક્તિ કરવામાં આવી છે. આ કેડેટ્સ ઉત્સાહપૂર્વક પોલીસ ટીમની સહાયતા કરતાં નજરે પડ્યાં હતા.
નવસારીઃ નવસારી તાલુકા પોલીસની સહાયતા માટે વડોદરા ગ્રૂપના નવસારીમાંથી 9 નૌકા એકમ અને 20 બટાલિયનના 12 સ્વયંસેવક કેડેટ્સ, 02 ANO અને 02 કાયમી ઇન્સ્ટ્રક્ટરની નિયુક્તિ કરવામાં આવી હતી. આ કેડેટ્સે આંતલ્યા ચોક, દાસ હોસ્પિટલ સર્કલ અને આમલસડ નાકા ખાતે પોતાની સેવાઓ આપી હતી. કેડેટ્સે અનાજ વિતરણની કામગીરીમાં પણ ભાગ લીધો હતો. આ કેડેટ્સની નિયુક્તિ 12મી એપ્રિલથી જ કરી દેવામાં આવી છે.
જુનાગઢઃ જુનાગઢના ત્રણ મુખ્ય સ્થાનોએ 08 ગુજરાત બટાલિયનના 39 સ્વયંસેવક કેડેટ્સ, 03 ANO અને 03 કાયમી ઇન્સ્ટ્રક્ટરની પ્રથમ વખત નિયુક્તિ કરવામાં આવી હતી. વધુમાં કેશોદ શહેર ખાતે 08 કેડેટ્સ, 01 ANO અને 01 કાયમી ઇન્સ્ટ્રક્ટરની નિમણૂંક કરવામાં આવી હતી. માંગરોલ શહેર ખાતે પણ 7 કેડેટ્સ, 01 ANO અને 1 કાયમી ઇન્સ્ટ્રક્ટરની નિમણૂંક કરવામાં આવી હતી. આ તમામ કેડેટ્સ ટ્રાફિક નિયમનમાં પોલીસને સહાયતા કરવામાં અને વરિષ્ઠ નાગરિકોને સહાયતા પુરી પાડવામાં સક્રીયપણે જોડાયા હતા.
પડધરીઃ પડધરી શહેર ખાતે (રાજકોટથી 30 કિ.મી દક્ષિણ) 02 ગુજરાત બટાલિયન રાજકોટ ગ્રૂપના 09 કેડેટ્સ, 01 ANO અને 01 કાયમી ઇન્સ્ટ્રક્ટરને નિયુક્ત કરવામાં આવ્યાં હતા. પ્રારંભિક તાલીમ બાદ કેડેટ્સને ત્રણ ટીમોમાં વહેંચી દેવાયા હતા અને પોલીસની સહાયતા માટે જુદા-જુદા ત્રણ સ્થાનોએ તેમને નિયુક્ત કરવામાં આવ્યાં હતા.
હિંમતનગર ખાતે 25 કેડેટ્સ, 01 ANO, 9 કાયમી ઇન્સ્ટ્રક્ટર અને 01 અધિકારીને ઓરિએન્ટેશન તાલીમ પુરી પાડવામાં આવી હતી. ગોધરા ખાતે 69 કેડેટ્સનું તબીબી પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું અને તમામને સ્વસ્થ જાહેર કરાયા હતા. આ કેડેટ્સની નિયુક્તિ ટૂંક સમયમાં કરવામાં આવશે. જુદા-જુદા સ્થાનો પર કેડેટ્સની નિયુક્તિની પ્રગતિ પર ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દિવના ADG, NCC ડાયરેક્ટોરેટે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે નાગરિક વહીવટીતંત્રની સહાયતામાં તમામ સ્વયંસેવક કેડેટ્સ, ANO અને PI સ્ટાફને ખરા હૃદયપૂર્વક તમામ કાર્યો હાથ ધરવા માટે ઉત્સાહપૂર્વક આગળ આવવા અને તૈયાર રહેવા માટે અપીલ કરી હતી.