*કોરોના વેકેશન : બી સેલ્ફીશ….- દેવલ શાસ્ત્રી.

Sunday Special

*કોરોના વેકેશન : બી સેલ્ફીશ….*

શાલીમાર જેવી કરોડોના ખર્ચે બનેલી ફિલ્મ કે જેમાં હોલીવૂડની અનેક સફળ ફિલ્મોના આઇડિયા લઈ સર્વોત્તમ ફિલ્મ બનાવવા કોશિષ કરવામાં આવી હતી. આ ફિલ્મની સફળતા માટે કોઈ શંકા જ ન હતી, છતાં અસફળ રહી હતી. સામા પક્ષે આ જ ગાળામાં કોઈ એડીટીંગના ઠેકાણા વગરની સાવ સસ્તા બજેટમાં બનેલી ફિલ્મ જય સંતોષી માં આજે પણ ખર્ચ સામે શ્રેષ્ઠ કમાણી ધરાવતી ફિલ્મમાં ટોપ પર આવે છે.
આપણા ચુનીલાલ મડીયાએ પોતે જ લખેલી વાર્તાઓનો સંગ્રહ કરીને “મડીયાની શ્રેષ્ઠ વાર્તા” પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકમાં અભુ મકરાણીની વાર્તા તેમણે જ પસંદ કરી ન હતી. કેતન મહેતાને આ વાર્તા પસંદ પડી, તમાકુના બેકગ્રાઉન્ડ બદલી મરચાંના બેકગ્રાઉન્ડ સાથે થોડું કથાકન બદલીને મિર્ચમસાલા ફિલ્મ બનાવી, જે વાર્તા પોતાના સંગ્રહમાં પણ ન સમાવી એ વાર્તા પરથી બનેલી ફિલ્મ નેશનલ એવોર્ડ લાવી હતી….
કોરોનાના વેકેશનમાં તમે ઘરમાં ખૂબ મહેનત બાદ કોઈ નવી આઇટમ બનાવો છો, પરિવારના સભ્યો કહી દે કે આના કરતાં તો ખીચડી બનાવી હોત તો પણ ચાલત…..આવું જ ઘરઘર કી કહાનીમાં બને છે. ઘર, ફર્નીચર, બાળકોના અભ્યાસ, પ્રવાસના સ્થળ….આ બધા સાથે શાલીમાર જેવું થઈ શકે છે. તમે ખૂબ મહેનત કરીને ટ્રીપ ગોઠવી હોય અને પરિવારના સભ્યો કહી શકે કે આના કરતાં તો ઘરે સારા હતાં… કેમ કે હિસ્ટોરિકલ પ્લેસ ફરવાનો તમને શોખ હતો, તમારા પરિવારને શોખ ન પણ હોય. તમે સ્થળનું મહત્વ સમજાવતાં હોય અને પરિવારજનો ઝોકા મારતા હોય.
આપણું દુઃખ અહીંથી શરૂ થાય છે. આટલું ઉત્કૃષ્ટ આયોજન, અચાનક મળેલું પારિવારિક વેકેશન કે ભોજન બનાવ્યું અને કોઈને પસંદ ન પડે?…ચિલ યાર…..
સર્જન તો બાજુ પર રહી જાય અને નિરાશ કરી નાખે, આપણને અકારણ થકવી નાખે….પણ ડોન્ટ વરી, બહુ ગંભીર થવું નહીં. જે રીતે રાજકપૂરે જીના યહાઁ મરના યહાઁ ફેમ મેરા નામ જોકર જેવી અદ્વિતીય ફિલ્મની નિષ્ફળતા પછી હમતુમ એક કમરે મેં બંધ હો જેવા ગીતવાળી બોબી બનાવી, એવો બનાવવાનો પ્રયત્ન ચાલુ રાખવાનો.
જો ક્રિયાશીલ થવામાં અટકી ગયાં તો સમજો કે જીવન યાત્રામાં ભટકી ગયાં. આ તો દુનિયા છે, અહીં સારી ડિઝાઇન ધરાવતી વેબ સાઇટ કોઈ જોતું પણ નથી અને લગભગ ડિઝાઇન વગરની કહી શકાય એવી વેબસાઈટ ગુગલ આજે ટોપ પર છે. તમે કલાકોની મહેનત પછી એક મઝાની કવિતા લખી, અરે તમારો બનાવેલા જોક પર તમે જાતે ખૂબ હસ્યાં, પણ એ કવિતા અથવા જોક્સ સોશિયલ મીડિયા પર મૂકો અને કોઈ રસ ન પણ લે…..
મૂળ વાત, કોઈને પસંદ આવે કે ન આવે સર્જન બંધ ન થવું જોઈએ. તમારું સર્જન મૌન ન શીખવું જોઈએ. તમારું સર્જન માત્ર તમારી માલિકીનું નથી….ઇશ્વરે જે મૌલિકતા આપી છે તે સતત ચાલવી જોઈએ. વોટ્સએપને પણ ચેલેન્જ કરી ફોર્વર્ડેડનો ટેગ વગર ચલાવવું એ પણ કળા છે. તમે સારું ગાવ છો, સારી કવિતા લખો છો કે ગઝલને સમજવાની ક્ષમતા ધરાવો છો…તો આ યાત્રા ચાલુ રાખો. તમને એવું છે કે કોઈને ક્યાં કદર છે, પણ કેટલાય ખૂણે બેઠેલા તમારી કલાત્મકતાની ઇર્ષા કરતાં હશે. રાજ કપૂરને નકારી શકે છે, પણ હૈયે તો વસે જ છે….અરે, ફિલ્મકહાનીનો ટ્રેન્ડ બદલી નાખ્યો તેવી ફિલ્મો બનાવનાર અનુરાગ કશ્યપને થયું કે અજાણ્યા કલાકારો પાસે ઘણું કામ લીધું, એકાદ શ્રેષ્ઠ કલાકાર સાથે કામ કરીએ. બોમ્બે વેલ્વેટમાં રણબીર કપૂર અને યુદ્ધ સિરિયલમાં અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું, બંનેને ધારી સફળતા મળી ન હતી. આપણે ઉચ્ચ ગુણવત્તા સાથે કામ કરીએ અને બધા સ્વીકાર કરે એ જીદમાં જિંદગી ન બગાડવી જોઈએ.
બેસ્ટ મ્યુઝિશ્યન આર ડી બર્મનની છેલ્લી સત્તર ફિલ્મોમાં સંગીત ટીકાનો ભોગ બન્યું હતું, એ તો નસીબ કે અંતિમ 1942 લવસ્ટોરીના સંગીતમાં આબરુ સચવાઈ ગઇ…
થાય ….આવું ચાલ્યા કરે. આપણી આસપાસ અસંખ્ય નવી હોટલો ખૂલે છે, હોંશભેર ઉદઘાટન થાય છે ને બે મહિનામાં ગાયબ થઈ જાય છે અથવા નવું બોર્ડ પણ લાગે છે. બડી મુશ્કેલ હૈ યે દુનિયા, જ્યાં બધાને ખૂશ રાખી શકાતા નથી. જે હોય ત્યાં, જેવું હોય ત્યાં આપણે ખૂશ રહેવું. આપણે આપણા માટે જીવવાનું છે……મૂળવાત કે કોરોના અંતિમ સત્ય નથી. જિંદગી તો રોજ નવું શીખવશે…
હમેશા આશાવાદી રહેવું કે કોરોના આપણામાંથી ઘણા બધા માટે ભવિષ્યમાં જર સંતોષી માં ની જેમ સુખ અને સામર્થ્ય લાવશે. બે મહિના પહેલાં ઉતરાણ અને લગ્ન સીઝનમાં ક્યાં ખબર હતી કે આ રીતે ઘરે બેસવાની સિઝન પણ આવશે. કુદરતની ચાલ સમજવા આપણો પનો ઓછો પડે, એવું પણ બન્યું હોય કે પૃથ્વીને સાફસફાઈ માટે સમય જોઇતો હોય જેથી સ્વચ્છ હવા-પાણીમાં મનુષ્ય વધુ શ્રેષ્ઠ જીવન માણી શકે…પ્રભુને પ્રાર્થના કે સહુને આરોગ્ય અને દીર્ઘાયુ આપે.

Deval Shastri🌹