કોરોના માનવતા વિશેષ અહેવાલ :

રાજપીપલામા માનવતાનો સાદ કોરોનાની હાલની પરિસ્થિતિમાં અંદાજે ૨૦૦ જેટલી જરૂરિયાતમંદ વ્યક્તિઓને બે સમયનું ભોજન અને ચા-નાસ્તો પુરો પાડતી રાજપીપલાની બર્ક ફાઉન્ડેશન સંસ્થા

છેલ્લા ૧૪ મહિનાથી નિયમિત રીતે દરરોજ સાંજે જરૂરિયાતમંદ ૫૦ વ્યક્તિઓના ઘરે જાતે જઈને ટિફિન સેવા પુરી પાડતા જ્યોર્જ બર્કનો પરિવાર

કોઈની પણ મદદ વિના દરરોજ માતા, પત્ની, બહેન જાતે જ રસોઈ બનાવવાની કામગીરી ખૂબ જ ઉત્સાહભેર કરીને જ્યોર્જ બર્કને તેમનો પરિવાર હુંફ આપી રહ્યો છે

રાજપીપલા,તા 1

કોરોના વાયરસ (COVID-19) ના સંક્રમણને લીધે દેશભરમાં હાલની લોકડાઉનની પરિસ્થિતિને અનુલક્ષીને સમાજમાં ગરીબ, શ્રમિક, નિરાધાર અને પોતાના વતનની વાટે જવા નીકળેલા પરંતુ માર્ગમાં અટવાયેલા લોકોને દરેક રીતે સહાયભૂત થવા જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોની સાથોસાથ નર્મદા જિલ્લામાં વિવિધ સામાજિક, સ્વૈચ્છિક, ધાર્મિક સંસ્થાઓ ઉપરાંત વ્યક્તિગત રીતે પણ અનેક લોકો માનવસેવાના કાર્યમાં જોડાઈને માનવતાને ઉજાગર કરી રહ્યા છે.

બર્ક ફાઉન્ડેશન સેવાભાવી સંસ્થા રાજપીપળામાં કોરોના વાયરસના સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયો સંદર્ભે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તા. ૨૩/૩/૨૦૨૦ ના રોજ જાહેર કરેલા જનતા કરફ્યુના દિવસથી જ દરરોજ સવારે ૮-૩૦ કલાકના અરસામાં અંદાજે ૧૫૦ થી ૨૦૦ વ્યક્તિઓ માટે બટાકા પૌવા, સેવ-ઉસળ, ઉપમા, ગાંઠીયા કેળાની ચિપ્સના નાસ્તાની સાથે ચ્હા તેમજ બપોરે ૧૨-૦૦ થી ૧-૦૦ વાગ્યાના અરસામાં દરરોજ અંદાજે ૧૫૦ વ્યક્તિઓને બપોરનું અને રાત્રિનું ભોજન વિતરણ કરી રહ્યા છે.

બર્ક ફાઉન્ડેશનના પ્રમુખ જ્યોર્જ બર્ક તેમની આ સેવા વિશેની માહિતી આપતા જણાવે છે કે હાલની લોકડાઉનની સ્થિતિ અગાઉ એપ્રિલ-૨૦૧૮ માં Kindness is my address ના સૂત્ર સાથે અન્નદાન અને શિક્ષણની સેવાને વરેલી તેમની સંસ્થાની સ્થાપના થયેલ છે. છેલ્લા ૧૪ મહિનાથી રાજપીપલા શહેરમાં કાલાઘોડા, સંતોષ-ચોકડી, વીસાવગા, રેલ્વે સ્ટેશનની આસપાસ, હરસિધ્ધિ માતા મંદિર નજીક, હાઉસિંગ બોર્ડના તળાવ વગેરે જેવા વિસ્તારોના દરરોજ સાંજના અંદાજે ૫૦ જેટલી જરૂરિયાતમંદ વ્યક્તિઓને નિયમિત રીતે ટીફીન સેવા પુરી પાડે છે. તદ્ઉપરાંત વધુ ૧૦ જેટલા ટીફીનો રસ્તામાં ફૂટપાથ પર જણાતા ગરીબોને વિતરણ કરવામાં આવે છે.
તદ્ઉપરાંત ઘઉંનો લોટ, ચોખા, તુવેર દાળ, તેલ અને રસોઈ માટેના વિવિધ મસાલા સહિતની ૨૫૦ જેટલી કીટનું પણ રાજપીપળા શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું છે.

સંસ્થાના પ્રમુખ જ્યોર્જ બર્ક વધુમાં જણાવે છે કે, હાલમાં બપોરે દાળ-ભાત, કઢી-ખીચડી અને રાત્રે રોટલી-શાક અને સાથે રોજનું અલગ-અલગ મેનુ રાખવામાં આવે છે અને ૫૦ ટિફિન જે અગાઉથી કાયમી રીતે બંધાયેલા છે તેમને દર રવિવારે બુંદીના લાડુ, પેંડા, શ્રીખંડ, સલાડ-પાપડ ના ફીસ્ટ સાથેનું ભોજન આપવામાં આવે છે.

જ્યોર્જ બર્ક ઉમેરે છે કે, માનવ સેવાના આ યજ્ઞમાં તેમના માતા માયાબેન બર્ક, પત્ની મધુબાલા જ્યોર્જ બર્ક, બહેન મારીયા જોન બર્ક રસોઈ જાતે બનાવે છે અને તેમાં તેમની બે દીકરીઓ જોયસ અને સારાહ કામગીરીમાં નાની-મોટી મદદ કરે છે.

આવી માનવ સેવાની પ્રવૃત્તિ માટે જ્યોર્જ બર્ક કહે છે કે, તેમના પિતાજી જોન સેન્ડીમેન બર્ક અને તેમના કાકા રોબર્ટ વિલિયમ બર્ક પણ તેમના જમાનામાં અનેકવિધ માનવ કલ્યાણની સેવાકીય પ્રવૃત્તિઓ કરવાની સાથે જે તે જરૂરિયાતમંદ લોકોની સેવા કરીને પડખે ઊભા રહેતા હતા. આ પ્રવૃત્તિઓથી પ્રેરાઈને જ્યોર્જ એલન બર્કને માનવ સેવાની લત લાગી હતી. તેમના પિતા-કાકા બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા હતા. રાજપીપળામાં છેલ્લા ૨૦ વર્ષથી ટ્રાન્સપોર્ટ અને બિલ્ડીંગ મટીરીયલ્સ ટ્રેડિંગનો ધંધો કરતા. જ્યોર્જ બર્ક વધુમાં કહે છે કે, ૨૦૧૪ માં તેમની પાસે ૨૦ થી ૨૫ ગાડીઓ હતી, ત્યારે ધંધો પડી ભાંગતા તેઓ દેવાદાર થઈ ગયા હતા અને તે વખતે તેમનો બંગલો-ગાડી બધું વેચીને દેવું પુરું કર્યું હતું. કુદરતે મારી આ સેવાને લીધે કપરી પરિસ્થિતિમાંથી મને પૂનઃ બેઠો કરતાં ભૂખ્યાજનોની આ સેવા માટે મારો ઉત્સાહ હવે બમણો થયો છે. કપરી પરિસ્થિતિમાં પણ તેમના મિત્ર અને પરિવારના સભ્યોએ તેમને હંમેશા હુંફ આપી છે અને તેના લીધે જ આ સેવા આજે પણ મેં ચાલુ રાખી છે જેનાથી હું અને મારો પરિવાર ખૂબ જ સંતુષ્ટ છું.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ , રાજપીપલા