ચૈત્રમહિનામાં મીઠા વગરના ઉપવાસ શા માટે?

આપણે સૌ જાણીએ છીએ કે ચૈત્રમહિનામાં હિંદુઓ અલૂણા વ્રત કરે છે જયારે જૈનો આયંબીલ કે ઓળી કરે છે.જેમાં મીઠું મસાલા વગરનું ખાવાનું હોય છે. જે યુવા પેઢીને કદાચ યોગ્ય ન લાગે કે ધર્મના નામે કઈ આવી સજા થોડી હોય? કેમ કે તેમના માટે સ્વાદ અને રસનું ખુબ મહત્વ હોય છે. પરંતુ જો તેમને અલૂણાવ્રત કે અયામ્બીલ પાછળનું વિજ્ઞાન સમજાવવામાં આવે કે તેના દ્વારા તેઓ રોગોથી બચી શકે છે. વળી તેમની શારીરિક અને માનસિક શક્તિમાં પણ વધારો થાય છે જે તેમની કારકિર્દી બનાવવામાં ઉપયોગી નીવડી શકે છે.તો મને ભરોસો છે કે યુવાવર્ગ તેને સ્વીકારશે. આવો મીઠું ન ખાવાનું વિજ્ઞાન સમજીએ. મીઠું એ આયોનીક બોન્ડ ધરાવતો પદાર્થ છે. જયારે મીઠું પાણીમાં ભળે છે (રસોઈ કરતી વખતે) ત્યારે તે સોડીયમ નામના ઘનભાર ધરાવતા અને ક્લોરીન નામના ઋણભાર ધરાવતા તત્વોમાં વિભાજીત થાય છે. એક વાસણમાં સાદું પાણી અને બીજા વાસણમાં મીઠાવાળું પાણી રાખી બન્નેને ખુલ્લા વાતાવરણમાં રાખવામાં આવે તો સાદા પાણીનું બાસ્પીભવન જલ્દી થાય છે. જયારે ખારું પાણી ઝડપથી ઉડી શકતું નથી. ઉનાળામાં શરીરમાં પરસેવો વધારે પ્રમાણમાં થાય છે. આપણે જાણીએ છીએ કે પરસેવાનો સ્વાદ ખારો હોય છે તે બીજું કઈ નહિ પરંતુ શરીરમાં ન વપરાયેલ મીઠું તેમજ અન્ય ક્ષારયુક્ત પાણીનું સંયોજન છે. આમ ગરમીમાં જેટલું મીઠું વધારે ખવાય તેટલી સમસ્યા વધે છે કેમ કે મીઠું પરસેવા સાથે બહાર નીકળે પરંતુ જલ્દી તેનું બાસ્પીભવન થાય નહિ જેનાથી શરીરને ગરમી વધુ અનુભવાય. ઉપરાંત હવામાંના બેક્ટેરિયા પરસેવામાં પોતાનું ઘર બનાવી લે કારણકે તેમને ભેજ માફક આવે છે જેથી ચામડીના છિદ્રો પૂરાઈ જાય, પરિણામે અળાઈ, ગુમડા, ફોડલીમાં વધારો થાય. ચામડીના અનેક રોગો વધે, દુર્ગંધ વધે અને સૌથી ખતરનાક શરીર વાટે પરસેવો જલ્દી બહાર ન નીકળતા બધો બોજ કીડની પર આવે જેથી કીડની નિષ્ફળ જવાની સંભાવના ખુબ વધી જાય. આ ઉપરાંત વધુ પડતા મીઠું, મસાલા કે રસ અને સ્વાદ વધારતા તત્વો રસોઈમાં ભળતા શરીરની ગરમીમાં વધારો કરે, પિત્તમાં વૃદ્ધી દ્વારા અનેક પિત્તજન્ય રોગો વધે. જો મીઠા અને મસાલાના ઉપયોગ વગરનો ખોરાક લેવામાં આવે તો ઉનાળામાં ગરમી ઓછી લાગે છે. હિન્દુધર્મમાં અલૂણાવ્રતની શરૂવાત ચૈત્રમહિનાની એકમથી થાય છે જયારે જૈનોમાં આવતી ઓળી(આયંબીલ) ચૈત્ર સુદ સાતમથી શરુ થાય છે. જે અતિ વૈજ્ઞાનિક છે કેમ કે તે સમયે ગરમીનો પ્રકોપ ખૂબ હોય છે. ઉપરાંત મીઠામાં સોડિયમનું તત્વ હોય છે જે બ્લડપ્રેશરને અસર કરતુ મહત્વનું પરિબળ છે. જેથી તેનું પ્રમાણ શરીરમાં વધી જાય તો હાઈબ્લડપ્રેશર થવાની સંભાવના ખુબ વધી જાય છે. આપણે જાણીએ છીએ કે બ્લડપ્રેશરના દર્દીને ડોક્ટર મીઠું ઓછું ખાવાની સલાહ આપે છે. આજના નેચરોપેથી ડોક્ટર મીઠાને સફેદ ઝેર તરીકે ઓળખે છે. ટૂંકમાં વધુ મીઠું, મસાલા, તેલ અને અન્ય સ્વાદવર્ધક પદાર્થો આરોગ્ય માટે યોગ્ય નથી અને તે પણ ગરમીમાં તો નહિ જ. જેથી અલૂણાવ્રત, આયંબીલ કે ઓળી નુ વ્રત ખુબ વૈજ્ઞાનિક સમજ સાથે દરેકે અવશ્ય કરવું જ જોઈએ કેમ કે મીઠું મસાલા વગરનો ખોરાક ખાસ કરીને ગરમીમાં આરોગ્ય માટે ખૂબ ઉત્તમ છે.