*📍ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના નેટવર્કનો પર્દાફાશ: બનાસકાંઠા પોલીસે ઝડપ્યો દારૂનો જથ્થો*

મનિષ કંસારા

*બનાસકાંઠા:* ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, અવારનવાર પડોશી રાજ્યોમાંથી દારૂ ઘૂસાડવા નાં પ્રયાસો થતા રહે છે. આવા જ એક નેટવર્કનો બનાસકાંઠા પોલીસે ફરી એકવાર પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનનાં સિરોહીથી કપાસિયા બોર્ડર થઈને ગુજરાતમાં દારૂનો જથ્થો ઘૂસાડવામાં આવતો હતો, ત્યારે અમીરગઢ પોલીસે સમયસર કાર્યવાહી કરીને એક સ્વિફ્ટ કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

પોલીસને મળેલી બાતમીનાં આધારે, જ્યારે કારની તપાસ કરવામાં આવી, ત્યારે ચોંકી ઉઠે તેવા દ્રશ્યો સામે આવ્યા હતાં. બુટલેગરોએ દારૂ છુપાવવા માટે અત્યંત ચાલાકીપૂર્વક કારના અલગ-અલગ ભાગોનો ઉપયોગ કર્યો હતો. પોલીસની ઝીણવટભરી તપાસમાં કારની બ્રેક લાઇટ, એન્જિન નીચે અને અન્ય ગુપ્ત ખાનાઓમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

આ સમગ્ર કૌભાંડમાં પોલીસે બાલુન્દ્રા ગામનાં રાજકુમાર ચૌહાણ નામનાં એક શખ્સની અટકાયત કરી છે. તેની પૂછપરછમાં આ નેટવર્કનાં અન્ય સભ્યોનાં નામ પણ ખુલી શકે છે, જેનાં આધારે પોલીસ વધુ તપાસ હાથ ધરશે. ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના પ્રયાસો સામે પોલીસની આ સતર્કતા અને કાર્યવાહી પ્રશંસનીય છે. આ સફળ ઓપરેશન દર્શાવે છે કે બુટલેગરો ગમે તેટલી નવી તરકીબો અપનાવે, પરંતુ ગુજરાત પોલીસ તેમને ઝડપી પાડવા માટે હંમેશા તૈયાર છે.