*ભાણવડના મેવાસા પ્રાથમિક શાળા ખાતે રક્તદાન કેમ્પ યોજી ૫૨ યુનિટ જેટલું રક્ત એકત્ર કરાયું*
દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: ભાણવડ તાલુકાના સંકલ્પ ગ્રુપના સહયોગથી મોડપર પી.એચ.સીના મેવાસા કેન્દ્રની ટીમ દ્વારા મેવાસા પ્રાથમિક શાળા ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ૫૨ યુનિટ જેટલું રક્ત એકત્રિત થયું હતું. આ રક્ત જામખંભાળિયાના જનરલ હોસ્પિટલમાં આવતા થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે અર્પણ કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં ગામના સરપંચ, ઉપસરપંચ , શાળાના આચાર્ય, શિક્ષકો ,આરોગ્ય સ્ટાફ વગેરેએ સહકાર આપી રક્તદાન કર્યું હતું. ડો.ઉમેશ ચંદ્રાવાડિયા દ્વારા રક્તદાતાને પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા. ડો.નિશિત મોદી દ્વારા રક્તદાન કરી રક્તદાતાને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા. ગુંદા પી.એચ.સીના નિવૃત સુપરવાઇઝર ચન્દ્રિકાબેન દ્વારા તમામ રક્તદાતાને શ્રીમદ ભગવદગીતા અર્પણ કરવામાં આવી હતી. કેમ્પની સફળતા માટે સ્થાનિક ટીમ જય પટેલ, વલ્લભ કરમુર તેમજ મીનાબેન રાવલિયાને સંકલ્પ ગ્રુપ તેમજ બ્લડ બેન્ક ખંભાળિયા દ્વારા પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા.
લોકોએ દર ત્રણ મહિને રક્તદાન અવશ્ય કરવું જોઇએ , એક વ્યક્તિ આખી દુનિયામાં અજવાળું ન કરી શકે પણ પોતે જે ઓરડામાં રહે છે એમાં તો અવશ્ય કરી જ શકે એમ આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો.ચાંડેગ્રા દ્વારા સૌને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી હતી.