સાચું સુખ છે ક્યાં? શિલ્પા શાહ – ડિરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

આપણે સૌ આજીવન સુખની શોધમાં જ ભટકતા રહીએ છીએ, પરંતુ જીવનપર્યંત હાથ કશું જ આવતું નથી. જેથી સમજવું જોઈએ કે સાચું સુખ છે ક્યાં? કેમ કે સર્વત્ર માત્ર સુખનો આભાસ છે. સાચા સુખ અને આભાસી સુખને સમજવું ખૂબ જરૂરી છે કેમકે તે વગર તો શું મેળવવા જેવું અને શું છોડવા જેવું એ કેમ સમજાય? સાચા સુખની બે લાક્ષણિકતાઓ છે. ૧) તે પીડારહિત હોય- આપણે જાણીએ છીએ સંસારના તમામ ભૌતિક સુખો દુઃખમિશ્રિત છે. થોડા સુખના આભાસ સાથે અનેકગણી પીડા લઈને આવે છે અને જીવ અજ્ઞાનવશ મળેલા આભાસી સુખની ફરી અપેક્ષામાં અનેકગણા દુઃખો સહન કરતો જાય છે. સાંસારિક સુખમાં દુઃખ રહે તો જ તેની પ્રક્રિયા ચાલુ રહે. જેમ કે યુવાનીમાં બળનું સુખ એટલે કે શક્તિનું પ્રભુત્વ અનેક ઉન્માદ પેદા કરે અને વણમાંગી પીડાઓનું સર્જન કરે. ઘડપણમાં બુદ્ધિ ઠરે પણ શરીર સાથ ના આપે. વાસ્તવમાં સાંસારિક સુખ એ તો દુઃખનું કામચલાઉ નિરાકરણ છે અને કામચલાઉ નિવારણ વાસ્તવિક સુખ કેવી રીતે આપે?. ટૂંકમાં સંસાર એટલે જ સંઘર્ષમય જીવન. સંસારના શુભ પરિણામો પણ પીડાથી ભરેલા છે. જે સતત અજંપો અને ઉન્માદ પેદા કરે છે. ૨)પ્રાપ્તિ પછી કંટાળા રહીત હોય – જે સુખ પ્રાપ્તિ થઈ છે તે અનેકગણી ભોગવવા છતાં તેમાંથી કંટાળો ન આવે, વ્યક્તિ તેનાથી ઊબે નહીં તે અસલી સુખ. ઇન્દ્રિયોના વિષયોનું સુખ આભાસી છે જેથી નિત્ય નવીનતા માગે છે, ફેરફાર ઇચ્છે છે કેમ કે વ્યક્તિ તેનાથી જલ્દી કંટાળી જાય છે. ઈન્દ્રિયોના તમામ સુખો ખૂબ જલ્દી વાસી થઈ જાય છે. સંસારના સંબંધો પણ ખૂબ જ ઝડપથી વાસી થઈ જાય છે. એટલે જ તેમાંથી આનંદ આવતો બંધ થઈ જાય છે અને તેમાં બદલાવની ઇચ્છા થાય છે. આમ સંસારના કોઈ સુખ સાચા સુખ નથી કેમ કે તે ના તો પીડારહિત છે કે ન કંટાળારહિત. વાસ્તવિક સુખ હંમેશા પીડારહિત અને કંટાળારહિત જ હોય. સાંસારિક સુખોમાં આ બે લાક્ષણિકતાઓ જોવા મળતી નથી તેથી તે સાચા સુખ નથી. વળી સાચું કે આભાસી એ આપણે નક્કી કરી નથી શકતા કેમકે અનાદિકાળથી આત્માને માનસિક ભ્રમ લાગુ પડ્યા છે કે સુખ વસ્તુમાં હોય, ઈન્દ્રિયોના વિષયોમાં હોય, વળી સાંસારિક જીવનની બુદ્ધિ પણ એવી જ છે કે તેમને ભોગોની ઇચ્છાથી નિવૃત્ત થવા દેતી જ નથી. મનમાં ગ્રંથિ છે કે ભોગવ્યા વગર સુખ ક્યાંથી મળે? સાધનો વિના સુખ કેવી રીતે શક્ય છે? આ તમામ ભ્રમ તૂટે ત્યારે જ સાચા સુખની પ્રાપ્તિ થાય. પરંતુ આપણા આ ભ્રમ માટે જવાબદાર બે મુખ્ય કારણો છે જે જીવને આવી ભ્રમણામાંથી મુક્ત થવા દેતા નથી. ૧) મિથ્યાત્વ (અજ્ઞાન) નો મહાભ્રમ અને 2) મોહરૂપી સામાન્ય ભ્રમ. જ્યાં સુધી આત્મતત્વ એટલે કે આત્માની શક્તિ ન સમજાય ત્યાં સુધી મિથ્યાત્વ કે મિથ્યા દ્રષ્ટિ એટલે કે સાચા ને ખોટું અને ખોટાને સાચું સમજવાની દ્રષ્ટિ કે ભ્રમ વ્યક્તિ માટે અનેક પીડાઓનું સર્જન કરે તે સ્વાભાવિક છે. વસ્તુ ડ્રોઇંગરૂમમાં ખોવાઈ હોય અને જીવનભર બેડરૂમમાં શોધીએ તો ક્યાંથી મળે? એવી આ વાત છે. આવું મિથ્યાત્વ એટલે કે અજ્ઞાન આત્મા માટે નુકસાનકારક છે અને સંસારવર્ધક છે વળી સંસાર એટલે સંઘર્ષમય જીવન. હવે આપણે સંસાર છોડવો નથી અને સંઘર્ષથી કે પીડાઓથી મુક્ત થવું છે એ કેવી રીતે બને? આ તો એવી વાત થઈ કે પ્રકાશ જોઈએ છીએ પરંતુ અંધકાર છોડવો નથી. આને જ અજ્ઞાન કહેવાય, જે સૌથી મોટો ભ્રમ કે માનસિક રોગ છે. જે સાચા સુખની ઓળખાણ થવા દેતો નથી. અને બીજો સામાન્ય ભ્રમ છે મોહ એટલે હું અને મારું કે મારાનો વિસ્તાર અને આસક્તિ. આમ તો મોહ એટલે જ મૂંઝવણ, સમજણશક્તિનો નાશ, વિવેકશક્તિની ગેરહાજરી. આપણે જાણીએ છીએ બધા જ કર્મો મોહના પરિણામથી જ બંધાય છે. ટૂંકમાં સંસારરૂપી રોગનું મૂળ મન છે. સંસારરૂપી વ્યાધિ મનને લાગુ પડ્યો છે. જેથી અનેક ભ્રમોનું સર્જન થયું છે અને જીવ પીડાયા કરે છે. વળી સુખ પાછળ ભાગ્યા કરે છે. જે ગુણ માત્રથી આભાસી હોવાથી સુખ ક્યાંથી આપે અને આભાસી સુખ પાછળ દોડ્યા પછી સુખ ન મળતા (જે નોહતું જ મળવાનું) જીવ ફરી પીડા અનુભવે છે. આ રીતે પીડાયુક્ત સાંસારિક ચક્ર ચાલ્યા જ કરે છે. સંસારરસિક જીવો સામગ્રી અને ભોગશક્તિ ઘટી જાય તો તેનું નવસર્જન કરવા પણ તૈયાર થાય છે. ઇન્દ્રિયોની વાસનાને પુર્નજીવિત કરવા પ્રયત્ન કરે છે. પરંતુ મૂળથી વાસનાને નાબુદ કરવા તૈયાર થતા નથી. મને અહીં એક વાર્તા યાદ આવે છે. રણપ્રદેશના ઉજ્જડ વાતાવરણમાં એક કુટુંબ રહેતું. તેમાં એક બાળકનો જન્મ થયો. તેણે બહારની દુનિયા જોયેલી નહીં વળી કમનસીબે જન્મથી વેદના, અનારોગ્ય, ચામડીના દર્દો લમણે લખાયેલા જે સહન કરતા કરતા અને ખુજલી કરી કરીને નખ પણ ઘસાઈ ગયેલા, ખણવું હોય તો પણ નખ દુખે એવી હાલત જેથી બાળકને થતું કે કોઈ એવું સાધન મળે કે જેનાથી ખંજવાળી શકાય તો આનંદ મળે. એક દિવસ માથે ઘાસનો પૂળો મૂકી એક માણસ ત્યાંથી પસાર થતો હતો. જેમાંથી બે-ત્રણ તણખલાં નીચે પડ્યા, જે છોકરાએ નવીન લાગવાથી ઉપાડયા અને તેનાથી શરીરે ખંજવાળી જોયુ, તેને એમાં મજા પડી. જેથી આવા સાધન વધુ મેળવવાનો પુરુષાર્થ શરૂ કર્યો. એક દિવસ એક મહાત્માએ તેને પૂછ્યું તું આ શેના માટે મેળવે છે? જવાબમાં બાળકે પોતાની મુશ્કેલી જણાવી, મહાત્માએ કીધું આ કોઈ સમાધાન નથી. તારી ખુજલીની બીમારી હું તને કાયમ માટે દૂર કરી આપુ, તું માત્ર મારી સૂચવેલી ત્રિફળા ઔષધી લે, તને ખણ નહિ આવે અને તારે આ ખણવાના સાધનને ભેગા કરવાની પણ જરૂરીયાત રહેશે નહીં, સાત દિવસમાં સંપૂર્ણ આરોગ્ય પ્રાપ્ત થશે. પરંતુ બાળકને થાય છે ચળનો રોગ મટે તણખલા વડે જ્યારે આ ભાઈ મને શું વિચિત્ર સૂઝાદે છે. વળી કદાચ જો તેની દવાથી રોગ મટી પણ જાય તો તણખલા વડે ખણવાનો જે આનંદ આવે છે તેનું શું થાય? એ આનંદ વગર આ જીવનને કરવાનું શું? અને એ બાળકે કહ્યું મારે તમારી દવા નથી જોઈતી. મને તો તણખલા ક્યાંથી અને કેવી રીતે મેળવાય એ જણાવો. આપણને લાગે કે કેવો મૂર્ખ છોકરો છે પરંતુ આપણા બધાની પણ હાલત આનાથી કાંઈ વિશેષ નથી. આપણે પણ આવા જ મિથ્યાજ્ઞાન અને મોહવશ આભાસી સુખ પાછળ જ જીવન બરબાદ કરી રહ્યા છીએ. સંસારરસિક જીવોની બુદ્ધિ ભોગોની ઈચ્છાથી નિવૃત્ત થવા માંગતી જ નથી અને પછી આખી જિંદગી દુખડા રોયા કરે છે. વાર્તામાં જણાવેલ ત્રિફળા ઔષધી બીજું કાંઇ નહીં પરંતુ જ્ઞાન, ભક્તિ અને કર્મરૂપી ઔષધિ જ છે. જેના દ્વારા મોહ અને મિથ્યાત્વથી છુટકારો શક્ય છે. મોહ અને મિથ્યાત્વ જેવી માનસિક ભ્રમણાઓ તૂટતા જીવનો માનસિક વ્યાધિ મટે છે, તેને સાચા અને આભાસી સુખનો ફર્ક સમજાય છે. વળી જો શ્રીમંત બનવું હોય તો ગરીબીને દૂર કરવી પડે તેમ સાચું સુખ મેળવવું હોય તો યથાર્થ જ્ઞાનપ્રાપ્તિ કરી યોગ્ય દિશાનો પુરુષાર્થ કરવો જ પડે, આ જ તો છે મોક્ષનું સાચું સ્વરૂપ.