*વિશ્વ શૌચાલય દિવસ : સ્વસ્થ શૌચાલય, સ્વસ્થ જીવન*
*અમદાવાદ જિલ્લામાં ‘આપણું શૌચાલય, આપણું સન્માન’ અભિયાનનો શુભારંભ*
*અમદાવાદ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં DWSM કમિટીની બેઠક યોજાઈ*
અમદાવાદ, સંજીવ રાજપૂત: ‘વિશ્વ શૌચાલય દિવસ’ નિમિત્તે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન (DWSM)કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠક કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
‘વિશ્વ શૌચાલય દિવસ’ નિમિત્તે અમદાવાદ જિલ્લાભરમાં ‘આપણું શૌચાલય, આપણું સન્માન’ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. આ અભિયાન 19 નવેમ્બર 2024થી 10 ડિસેમ્બર 2024 સુધી ચાલશે. જેનો ઉદ્દેશ શૌચાલય અને સ્વચ્છતા સબંધિત લોકોની આદતોમાં સુધારા લાવવા તથા જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા લાવવાનો છે.
‘આપણું શૌચાલય, આપણું સન્માન’ અભિયાનના ભાગરૂપે જિલ્લામાં જનભાગીદારી થકી વિવિધ કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત ગ્રામ પંચાયત સ્તરે શ્રેષ્ઠ વ્યક્તિગત શૌચાલય અને બ્લોક/જિલ્લા સ્તરે શ્રેષ્ઠ સામુહિક શૌચાલય (CSC) નિર્ધારિત કરવા સ્પર્ધાઓનું આયોજન અને વિજેતાઓનું સન્માન કરવામાં આવશે. જિલ્લામાં દરેક સામુહિક શૌચાલય (CSC)નું નિર્માણ વિકલાંગ વ્યક્તિઓ પણ સરળતાથી તેનો ઉપયોગ કરી શકે, તે રીતે કરાશે.
આ બેઠકમાં પાંચ લાભાર્થીઓને કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે મંજૂરી પત્ર એનાયત કરવામાં આવ્યા હતા અને બાવળા તાલુકાના બગોદરા ગામે એક સામૂહિક શૌચાલય મંજૂર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, ડેપ્યકટી ડીડીઓ અને ઇ.ચા. ડીઆરડીએ કલ્પેશ કોરડિયા, વાસ્મોના યુનિટ મેનેજર બ્રહ્મભટ્ટ, જિલ્લા આયોજન અધિકારી સુશ્રી શ્રદ્ધા બારોટ તથા ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન કમિટીના સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.