*દિવાળીના તહેવારો દરમિયાન ૩૭,૦૦૦ થી વધુ પ્રવાસીઓએ વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવની મુલાકાત લીધી*
એબીએનએસ પાટણ: પાટણની વર્લ્ડ હેરીટેજ રાણકીવાવ વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. વર્ષ દરમિયાન તેમજ વાર તહેવારે અને વેકેશનમાં અહી હજારો લાખોની સંખ્યામાં પ્રવાસીઓ પોતાના પરિવાર સાથે મુલાકાત લેતા હોય છે. ચાલુ વર્ષે દિવાળીના તહેવારમાં તા. ૧ થી ૦૮ નવેમ્બર દરમિયાન ૩૫, ૪૮૨ ભારતીય પ્રવાસીઓ અને ૧૨૬ વિદેશી સહેલાણીઓ અને પ્રવાસીઓ રાણીની વાવ જોવા ઉમટ્યા હતા. જ્યારે ૨૮ ઓક્ટોબર થી ૦૮ નવેમ્બર સુધીમાં ૩૭,૫૯૭ ભારતીય પ્રવાસીઓ અને ૨૦૮ વિદેશી પ્રવાસીઓ રાણીની વાવ જોવા આવ્યા છે.
દિવાળીના તહેવારોમાં વર્લ્ડ હેરિટેજ પાટણની રાણકીવાવને નિહાળવા માટે પર્યટકો ઉમટી પડતા રાણકીવાવ સંકુલ પર્યટકોથી ઉભરાઇ ગયું હતું. ભારતીય અને વિદેશ પ્રવાસીઓએ રાણકીવાવ અને સહસ્ત્રલીંગ તળાવની મુલાકાત લઈ ફોટોગ્રાફી અને સેલ્ફીનો રોમાંચ માણ્યો હતો. રાણી ની વાવની અદભુત કળા કોતરણીથી પ્રવાસીઓ દિગ્મૂઢ બની ગયા હતા. તેમજ વાવના પ્રાકૃતિક સૌદર્ય , હરિયાળી અને પિકનિક પોઇન્ટની સહ પરિવાર તેમજ મિત્રો સાથે મૌજ માણી હતી.
વિક્રમ સંવત ૧૦૭૮થી ૧૧૨૦ની વચ્ચે સોલંકી રાજવી ભીમદેવ-પહેલાના વખતમાં રાણી ઉદયમતી દ્વારા નિર્માણ કરાઇ હતી. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ અને ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટ રૂ.૧૦૦ પર રાણીની વાવને અંકિત કરાતાં વિશ્વભરમાં રાણી ની વાવ ની લોકચાહના વધી છે જેના લીધે વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં ભારત દેશના ખૂણે ખૂણે થી અને અન્ય દેશમાંથી પ્રવાસીઓ આ અદભુત વાવ નિહાળવા ઉમટી પડે છે.