*અમદાવાદના અડાલજ ખાતે રંગત રાસ ગરબામાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી*
અમદાવાદ, સંજીવ રાજપૂત: અડાલજ ખાતે આવેલ રૂતા ફાર્મના રંગત માંડવડી ગરબા 2024 ગરબા રમવા ખેલૈયાઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું જ્યાં ચોથે નોરતે ગરબાની રમઝટ જામી હતી.
રાજ્યભરમાં માં આંબાનું નવરાત્રિનું પર્વ હર્ષોલ્લાસથી ઉજવાઈ રહ્યું છે ત્યારે રાજ્યભરમાં ખેલૈયાઓ માં ની ભક્તિ અને આરધનારૂપે ગરબા રમી ઉત્સવને ઉજવી રહ્યા છે. નવલી નવરાત્રી ધીરે ધીરે આગળ વધી રહી છે ત્યારે ખેલૈયાઓ પણ મન મૂકીને ગરબા રમતા જોવા મળી રહ્યા છે. અમદાવાદ ખાતે અડાલજ પાસે આવેલ ઋતા ફાર્મના સૂપલ ગ્રુપ દ્વારા આયોજિત રંગત માંડવડી ગરબા 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે ખેલૈયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ગરબા રમવાના પ્રવેશ માર્ગથી જ માં અંબાની ભક્તિ અને શક્તિનો પરિચય કરાવતી અનેરી અદભુત પ્રતિકૃતિઓ અને શોળે શણગાર સાથે સજ્જ વાતાવરણ અહી અનેરી ઊર્જા અર્પણ કરે છે. નવરાત્રિના ચોથા ગરબે અહી ખેલૈયાઓની જોરદાર રમઝટ જામી હતી અને વિવિધ ગરબાઓ ઉપર લોકો મન મૂકી ગરબા રમતા જોવા મળ્યા હતા. નાના બાળકો હોય કે વડીલ કે પછી હોય યુવા ધન સૌ કોઈ માતાજીની આરાધનામાં તલ્લીન બની વિવિધ પહેરવેશ સાથે ગરબે ઘૂમ્યા હતા. ગરબા રમવા આવતા ખેલૈયાઓને કોઈ જ પ્રકારની અગવડ ઊભી ન થાય તેવી ફાયર સેફ્ટી થી લઇ વાહનોના પાર્કિંગ કે સ્વછતાને ધ્યાનમાં લઇ તમામ વ્યવસ્થાઓ અને સુવિધાઓ અહી જોવા મળી હતી.
ગરબામાં પ્રવેશની સાથે જ અહીંના ભક્તિમય વાતાવરણ સાથે માં આંબાના ગરબાના સંગીત અને સુરનો અનેરો સમન્વય ખેલૈયાઓમાં ગરબા રમવાનો અલગ અનુભવ અને શક્તિથી ભરપૂર જોવા મળે છે. રાત્રે ૧૨ વાગ્યા બાદ ઢોલીની અલગ ટીમ દ્વારા ગાઇડલાઈન મુજબ ઢોલ પર ગરબા રમવા માટે ખેલૈયાઓ માટે અનેરું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબાના આયોજકો નીલ પટેલ, નરેશભાઈ શાહ, અશોક ભાઈ પટેલ, નિલમભાઈ પટેલ, અને હર્ષિલભાઈ પટેલ દ્વારા માં અંબાના આરાધ્ય પર્વમાં ગરબા ખેલકોને કોઈ પ્રકારે કોઈ પણ અસુવિધા ઊભી ન થાય તે તમામ બાબતો પર તકેદારી અને સાવધાની રાખવામાં આવી છે આ સાથે સાથે અહી કુટુંબ સાથે કે ગ્રુપમાં રમવા આવનાર ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા તેઓને પુરસ્કૃત પણ કરવામાં આવે છે જેથી ખેલૈયાઓનો ઉત્સાહ અને ભક્તિ ઉમંગ સાથે જળવાઈ રહે.