*17 વર્ષ બાદ અમદાવાદની ગિરધરનગર સ્કૂલના 2007 બેચના વિદ્યાર્થીઓ એકબીજાને મળ્યા*

*17 વર્ષ બાદ અમદાવાદની ગિરધરનગર સ્કૂલના 2007 બેચના વિદ્યાર્થીઓ એકબીજાને મળ્યા*

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદની ગિરધરનગર માધ્યમિક અને હાઈ સેકન્ડરી સ્કૂલના ૨૦૦૭માં ૧૨મું ધોરણ પૂરું કરીને પોત-પોતાના જીવનમાં આગળ વધી ગયેલા ૪૦થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. શાળા છોડ્યા પછી ૧૭ વર્ષ બાદ વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત ૪૦થી વધુ સહાધ્યાયી મિત્રો એકઠા થયા હતા.

આ સ્નેહમિલનમાં એન્જિનિયર, ડૉક્ટર, જર્નાલિસ્ટ, આઇટી, વકીલ, ઉદ્યોગ સાહસિકો, બિઝનેસમેન-વુમન, કલા જગત અને ગૃહિણી એમ તમામ ક્ષેત્રોમાંથી તેમજ વિદેશોમાં સ્થાયી થયેલ મિત્રોનો હાજર પણ રહ્યા હતા. ૮૦ ટકાથી વધુ મિત્રો અમદાવાદમાં જ રહે છે પરંતુ એક સાથે મળવાનો મોકો તેમને પણ ક્યારેય મળ્યો નહોતો. આ મિત્રો સ્કૂલ છોડ્યા બાદ પહેલીવાર અમદાવાદમાં મળ્યા હતા. આ સાથે કેટલાંક વિદેશમાં સ્થાઈ થયેલા મિત્રો પણ ઓનલાઇન મારફતે આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

આ કાર્યક્રમની શરૂઆત ગુરુવંદના દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ ગુરુજનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. વર્ષો બાદ થતા સન્માનથી અમુક ગુરુજનોની આંખમાં હર્ષનાં આંસુ આવ્યાં હતાં. જ્યારે વિદ્યાર્થીઓએ આ પળને મન મૂકીને વધાવી હતી.

 

આ સર્વે મિત્રોએ હાલના પોતાના હોદ્દાને ભૂલીને શાળા સમયની મસ્તી ભરેલી યાદોને પુનઃ માણી હતી અને સંગીત ખુરશી, ક્રિકેટ અને ગ્રુપ ગેમ્સ જેવી રમતો રમ્યા હતાં. તો સિંગિંગ, ગરબા અને ડાન્સ સાથે ગીત-સંગીતની મહેફિલ પણ જમાવી હતી. એટલું જ નહીં પર્યાવરણના રક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષો વાવા જોઈએ એ સૂત્રને સાર્થક કરતા સર્વે મિત્રોએ સ્કૂલમાં ટ્રી પ્લાન્ટેશન પણ કર્યું હતું. અંતમાં સ્વરૂચિ ભોજન લઈને પ્રેમભરી સ્મૃતિઓ સાથે છૂટા પડ્યા હતાં.

 

આમ, તમામ વિદ્યાર્થીઓને પોતાના જુના સહાધ્યાયીઓ અને મિત્રો સાથે જુની મસ્તી-મજાકની વાતોમાં સૌ પરોવાઇ ગયા હતા. આવતા વર્ષે ફરી મળવાના સંકલ્પ સાથે સૌએ વિદાય લીધી હતી.

***