કુળદેવી અને માતાશ્રીના આશીર્વાદ સાથે હાલારની દીકરી ગણાતા પૂનમબેન માડમએ ઉમેદવારીપત્ર ભર્યું
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા આજે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું. તે પહેલાં તેમણે કુળદેવી અને માતાશ્રી સહિત વડીલોના આશીર્વાદ લીધા હતા.
લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે ત્યારે જામનગર લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા આજે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતુ. ફોર્મ ભરવા જતા પહેલા તેમના નિવાસસ્થાને તેઓએ મંદિરમાં દર્શન કરી માતાશ્રીને પગે લાગી આશીર્વાદ મેળવ્યા હતા અને પોતાની પુત્રી સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવતા તેમના માતાશ્રી પણ ઉમંગનાં અશ્રુ સાથે ભાવુક બન્યા હતા અને પોતાની હાલારની દીકરી વિજય મેળવે તેવા આશીર્વાદ આપ્યા હતા. તેઓ નિવાસસ્થાને વિજય તિલક કરી ભાજપ મધ્યસ્થ કાર્યાલય જવા રવાના થયા હતા જ્યાં પહોંચતા રાઘવજી પટેલ, મુળુભાઈ બેરા, આર સી ફળદુ, ધારાસભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશ અકબરી, મેઘજીભાઈ ચાવડા, વિમલભાઈ કગથરા, જામનગર મેયર, ભાર્ગવભાઈ ઠાકર તેમજ અન્ય મહાનુભવોએ તેમને જીત માટે શુભેચ્છાઓ જયારે વડીલોએ હાલારની દીકરીને માથે હાથ મૂકી વિજયના આશીર્વાદ પાઠવ્યા હતા. વિજયમુહૂર્તમાં તેઓ શરૂ સેક્શન કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં તેમણે જામનગર કલેક્ટર તેમજ ચૂંટણી અધિકારીને પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી..