*કોરોનાના નામે ગૃહ સ્થગિત કરવાની વાત કરનાર કોંગ્રેસ ભાગેડું છેઃ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ*

ગાંધીનગર: કોંગ્રેસના 5 ધારાસભ્યો એક પછી એક રાજીનામાં આપીને જતા રહેતા બાકીના ધારાસભ્યોને સાચવવા માટે જયપુરના રિસોર્ટમાં મોકલી દેવામાં આવ્યા છે. વિધાનસભા ગૃહમાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કોરોના વાઈરસ મુદ્દે વિધાનસભા સત્ર રદ કરવાની માંગ કરી હતી. આ અંગે પ્રતિક્રિયા આપતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જણાવ્યું હતું કે કોંગ્રેસની આ ભાગેડુવૃત્તિ છે. અગાઉ જ્યારે બનાસકાંઠામાં પુર હતું ત્યારે પણ કોંગ્રેસના ધારાસભ્ય ફાઇવ સ્ટાર રિસોર્ટમાં હતા. આ વખતે પણ કોંગ્રેસના ધારાસભ્યો સત્ર રદ કરવાના બહાને જયપુર જવા માંગે છે જે તેમની વૃત્તિ છતી કરે છે. તો બીજી બાજુ વિધાનસભા ગૃહમાં પરેશ ધાનાણીએ ભુપેન્દ્રસિંહ ચુડાસમા સામે આંગળી ચીંધીને કહ્યું ભુપેન્દ્રસિંહ જેવા ભીષ્મપિતામહની હાજરીમાં લોકશાહીનુ ચીર હરણ થઈ
રહ્યું છે જે ઘણી ગંભીર બાબત છે.