*ગુજરાતી હોવું એટલે બારમાસી તહેવાર….!*
*@રમેશ ગોસ્વામી “સારથિ”*
પહેલા ગુજરાતી કૃષ્ણ.મોહન થી મોહન દાસ સુધી…પાંચેક હજાર વર્ષોમાં ગુજરાતી ભાષા તપાઈ છે.ગુરેચિ ધાતુ પર થી નામ પડયું અને ગુર્જરોની ભૂમિ એવી યાદી મળે છે.હજારેક વર્ષ થી ભાષા અસ્તિત્વમાં આવી, પણ એ પહેલાં ધીમે ધીમે ભાષા ઉત્પતિની પ્રોસેસ મંડાઈ ગઈ હતી.
આજે, ગુજરાતી વિશ્વ માનવ બન્યો છે.થોડો વરણાગી,થોડો સ્ટૂપિડ,લાત મારીને પૈસા રળી જાણતો ગુજજુ.ઘરમાં હોય તો બહાર વિદેશી ડીશ ખાવા જાય અને વિદેશમાં જાય તો થેપલાં, ખાખરા સાથે લઈ જાય.દિલનો રાજ્જા ગુજ્જુ ભાઇ.ધર્મ અને અસ્મિતાનો ચિંતક.દર દશ કિલોમીટરનાં અંતરે હરિહરની હાકલ પડે છે તે ગુજરાત.ગૌ શાળાઓ, સંતોની મઢીઓ,…વાગડ થી લઇને વઢિયાર, કચ્છ -કાઠિયાવાડ થી લઇને ઝાલાવાડ…દરેક પંથકનો પોતીકો ભવ્ય ઇતિહાસ છે. અહીં ગઢ જૂનો ગીરનાર વાદળ થી વાતું કરે છે,અહીં બાર ગાઉએ બોલી બદલે છે, અહીં તુંકારામાં પણ માન છે.અહીં રે લોલ છે, હે જી રે છે, ગરબાઓ છે, ચુંદડી અને કેડિયું પણ છે.અહીં મહેંદી રંગ લાગે છે જોરદાર.
અહીં દરિયો છે, રણ છે,નદીઓ છે,રાજાઓનાં ભવ્ય ઈતિહાસ છે.અહીં રિડિબાંગ ધ્રીબાંગ,રિડિબાંગ ધ્રીબાંગ…ત્રાંબાળુ ઢોલનાં તાલે કંઈ કેટલાંય મર્દમાંટી રણ મેદાનમાં કેસરિયા પહેરીને લીલાં માથાં વધેરી ગયાં.ભવ્ય મહેલો ઇતિહાસનાં સાક્ષી બનીને બેઠાં છે.પાળિયાઓ ગામડે ગામડે ખુત્યા છે.અહીં નરસૈયો છે.મીરા અડધાં ગુજરાતણ છે.અહીં વટ, વચન, વહેવાર વાળું જીવન મૌજ માં જીવાય છે.તળપદી ભાષાની પોતીકી મીઠાસ છે. અહીં સંતો,કવિઓ, શૂરવીરો,પ્રેમીઓ,ભક્તો, દાતાઓ અપરંપાર છે.
અહીંનો કવિ જનેતાઓને પણ મીઠા ઠપકો આપીને કહે છે.:-
*જનની જણ તો ભક્ત જણ કાં દાતા કાં શૂર, નહીં તો રહેજે વાંઝણી તારું મત ગુમાવીશ નૂર.*
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.
ગુજરાતી બંદો જ્યાં પહોંચે ત્યાં ગુજરાત ખડું કરી દે.
ગુજરાત એક સ્થળ માત્ર નથી, એક પ્રસંગ છે બારમાસી. રોજ ઉમંગ. રોજ ઉત્સવ. દિવાળી ની વાટ જોવા બેસે એ ગુજરાતી નહીં, રોજે રોજ દિવાળી ઉજવે એ ગુજરાતી.સૌ ને ગુજરાતી હોવાનાં અભિનંદન…!
*જય જય ગરવી ગુજરાત.*