કોઈ તને ફૂલ નહિ મોકલે, કોઈ તને ચોકલેટ નહિ આપે, તને શું લાગે છે ? આટલી સરળતાથી કોઈ તને ગળે મળશે ?

કોઈ તને ફૂલ નહિ મોકલે, કોઈ તને ચોકલેટ નહિ આપે,

તને શું લાગે છે ? આટલી સરળતાથી કોઈ તને ગળે મળશે ?

છેલ્લા શ્વાસ સુધી તારી સાથે હોય, એવો ડ્યુરેબલ પ્રેમ તને કોણ કરશે ?

એક કામ કર. આંખો બંધ કર અને એક આખો જણ તારામાંથી બહાર નીકળશે.

 

ફ્રન્ટ કેમેરા ઓન કર, પોતાની જાત સાથે વિડીયો ચેટ કરી જો,

ચહેરાઓ આવશે અને જશે, એક વાર પોતાના આત્મા સાથે ફરી જો.

ક્યાં સુધી પરફ્યુમ છાંટીને, બીજાને ઈમ્પ્રેસ કર્યા કરીશ ?

જાતની સુગંધ ઈગ્નોર કરીને, ક્યાં સુધી બગીચામાં ફર્યા કરીશ ?

 

વેલેન્ટાઈન તો અંદર જ હોય. જાતને શોધવામાં ખોવાઈ જાવ, પછી જ એ જડે.

પ્રેમ કરવાની પહેલી શરત જ એ છે દોસ્ત કે સૌપ્રથમ તો જાતને ગમાડવી પડે.

ટ્રાય તો કર. અરીસા સામે ઉભા રહીને પોતાને એક કિસ તો કરી જો,

ભીડના ખાલીપાની વચ્ચે, એક વાર પોતાની જાતને મિસ તો કરી જો.

 

ઉદાર થઈ જા. પોતાની સાથે જ લોંગ ડ્રાઈવ પર જા, એકલો સ્માઈલ કર.

તારી જ કોઈ વાત પર તું બ્લશ થઈ શકે છે, એક વાર જાત સાથે ફ્લર્ટ કર.

એક વાર જો તને પોતાની જાત ગમશે, પછી આખી દુનિયા તને વ્હાલી લાગશે

પછી તું વારંવાર પ્રેમમાં પડ્યા કરીશ અને વારંવાર લોકો તને ફૂલ આપશે.

 

– ડૉ. નિમિત્ત ઓઝા

#વાઈરલ સ્ટોરી