નારાયણ વિદ્યાવિહારનું અનોખું અભિયાન “હર ઘર મુલાકાત”
મનિષ કંસારા દ્વારા
ભરૂચ: ભરૂચ નાં પૂર્વ વિસ્તારમાં આવેલી શિક્ષણ ક્ષેત્રે અગ્રણી સંસ્થા નારાયણ વિદ્યાવિહાર તેના વિદ્યાર્થીઓને વાલીઓ માટે સતત નવી નવી પ્રવૃત્તિઓ થકી શિક્ષણ પ્રયોગો કરી રહી છે.
શિક્ષણમાં ક્રાંતિ આવી પરંતુ એની સાથે સાથે વાલી વ્યસ્તતા પણ એટલી જ વધી રહી છે. સતત સ્પર્ધાત્મક વાતાવરણમાં જીવતો, સંઘર્ષમય વાલી આજે બાળકો પાસે ખૂબ અપેક્ષા રાખે છે. સારી મોંઘી મોંઘી શાળાઓમાં અભ્યાસ માટે મૂકી દે છે પરંતુ બાળકનાં અભ્યાસ સંદર્ભે શાળા મુલાકાત વાલી મીટીંગ કે કોઈપણ શાળાકીય પ્રવૃત્તિઓમાં સામેલ થવાનું આવે છે ત્યારે તેને ખૂબ અઘરું પડે છે. તો ચાલો વાલીને જ ઘરે મળીએ. શાળા જ વાલીના ઘરે પહોંચે.
નારાયણ વિદ્યાવિહાર નાં ડૉ. મહેશ ઠાકર એક જાણીતા શિક્ષણ વિદ્દ અને કેળવણી વિચારક છે જેમણે અનેક પ્રયોગો થકી શિક્ષણમાં સફળ લક્ષ્યાંકો સર કર્યા છે તેમાં હવે નવું એક અભિયાન તેઓએ શરૂ કર્યું છે “હર ઘર મુલાકાત”.
ડૉ. મહેશ ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,
નારાયણ વિદ્યાવિહાર નાં 0 થી લઈ ધોરણ 12 સુધીનાં દરેક વિદ્યાર્થીનાં ઘરની મુલાકાત શિક્ષકો કરશે. બાળકનાં ઘરે જઈ વાલી માતા પિતાને મળશે તેના અભ્યાસ સંદર્ભે ચર્ચા કરશે તેના અભ્યાસકીય પરિણામો વિશે ચર્ચા કરશે. તેમની અને બાળકની સ્થિતિને જાણશે, સમજશે, મદદરૂપ થશે. કેટલાય વાલીને અતિ વ્યસ્તતાને કારણે શાળા માટે મૂંઝવતા પ્રશ્ન છે તે આ રીતે હલ થશે. વાલી શિક્ષક સહયોગ વધશે અને શાળા – શિક્ષક – વાલીનો એક અનોખો સંગમ રચાશે. તથા આ બાળકની 0 થી 12 સુધીનો ઉતાર ચઢાવ ગ્રાફ પણ ખ્યાલ આવશે. જે આવનારી બાળ પેઢીને ઘડવામાં વિશિષ્ટ યોગદાન આપશે.
સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ પણ આ જ ઉદ્દેશને વરેલી છે. શાળા આ રીતે તારીખ 17 જાન્યુઆરી થી 20 જાન્યુઆરી સુધીમાં ઘર ઘર પહોંચી વાલીઓનાં, વિદ્યાર્થીઓનાં હૃદય સુધી પહોંચવાનો એક અનોખો પ્રયાસ કરી શિક્ષણ જગતને પણ એક નવો રાહ ચીંધી રહી છે.