*પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો કિશોરીમેળો યોજાયો*

*પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો કિશોરીમેળો યોજાયો*

 

પાલનપુર, સંજીવ રાજપૂત: ગુજરાત સરકાર તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ બનાસકાંઠા દ્વારા મહિલા કલ્યાણ પ્રભાગ હેઠળ બેટી બચાવો, બેટી પઢાવો યોજના તથા પૂર્ણા યોજનાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય દિકરી દિવસ “સશક્ત દિકરી, સુપોષિત ગુજરાત” થીમ હેઠળ પાલનપુર ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકર હોલમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના કિશોરી મેળાની ઉજવણી કરવામાં આવી હતી.

જે અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. તેમજ આંતરરાષ્ટ્રીય દિકરી દિવસની તમામને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ કિશોરીમેળા અંતર્ગત ગોઠવવામાં આવેલ વિવિધ પ્રદર્શની સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમજ વાનગી હરીફાઈ અંતર્ગત આંગણવાડી મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલ વિવિધ વાનગીઓ નિહાળી તેનો ટેસ્ટ માણ્યો હતો. વધુમાં કિશોરી મેળા અન્વયે જાગૃતિ કેળવાય એ માટે આયોજિત સિગ્નેચર કંપેઈન માં સહી કરી “સશક્ત દિકરી, સુપોષિત ગુજરાત” થીમને અનુસરવા અપીલ કરી કરી હતી.

મહિલા અને બાળ અધિકારીની કચેરી બનાસકાંઠા દ્વારા જિલ્લામાં કિશોરીઓના જન્મ, શિક્ષણ, સુરક્ષા અને સશક્તિકરણ, તથા વિવિધ સરકારી યોજનાઓ અને કાયદાઓ વિશે માહિતી આપવા, આંગણવાડીમાં નિયમિત આવવા બાબતે ઉત્સાહ અને રસ કેળવાય, કિશોરીઓમાં પોતાના પોષણસ્તર વિશેની જાગૃતતા કેળવાય, કિશોરીઓના રોજિંદા આહારમાં મિલેટનો ઉપયોગ થાય, આરોગ્ય, શિક્ષણ, સર્વાગી વિકાસ, સ્વાવલંબી અને ઘરેલું હિંસા વિશે માહિતગાર કરવા, સમાજમાં દિકરી અને દિકરા વચ્ચેના ભેદભાવને દુર કરીને દિકરીઓના જન્મદરમાં વધારો વગેરે હેતુસર જિલ્લા કક્ષાના કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કિશોરીઓએ ભાગ લઈ આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણીને સાર્થક કરી હતી.

 

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે એ જણાવ્યું કે, પહેલાં ના સમયમાં દીકરા દીકરી વચ્ચે સમાજમાં ભેદરેખા હતી. પરંતુ હવે જાગૃતિને લીધે બદલાવ આવ્યો છે. સરપંચ ,તલાટી થી માંડી આઈ.એ.એસ ,આઇ.પી.એસ અને મંત્રી સુધી દીકરીઓ પદ શોભાવે છે. સરકારની વિવિધ યોજનાઓના લાભ થકી મહિલાઓની પરિસ્થિતિ માં સુધારો આવ્યો છે તેમ જણાવી આજના સમયમાં હક અને અધિકાર પ્રત્યે જાગૃત રહી તે મેળવવા હિંમત કેળવવા દીકરીઓને અનુરોધ કર્યો હતો.

 

વધુમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે જણાવ્યું કે, સરકાર પણ દીકરીઓની સાથે છે, અને મહિલા અનામત બિલ પસાર કરી તેમને સંસદ સુધી આરક્ષણ આપ્યું છે. ત્યારે સમાજે પણ દીકરીઓને આગળ ભણવા અને આગળ વધવા પ્રોત્સાહન આપવું જોઈએ એમ અપીલ કરી હતી.

 

આ પ્રસંગે વ્હાલી દીકરી યોજના ના હુકમનું વિતરણ, બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત દીકરી વધામણાં કીટ અને જિલ્લામાં રમત ગમત શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દિકરીઓનું જિલ્લા વિકાસ અધિકારી શ્રી ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

 

કિશોરી મેળા અંતર્ગત વિવિધ સરકારી યોજનાની માહિતી આપતા પ્રદર્શની સ્ટોલ તેમજ પોષણ, શિક્ષણ, આરોગ્ય, કારકિર્દી, ઘરેલુ હિંસા સામે જાગૃતિ સહિતની જાણકારીના પોસ્ટર્સ પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યા હતા. જેના દ્વારા કિશોરીઓએ માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતું.

 

આ પ્રસંગે દહેજ પ્રતિબંધક અધિકારી સુશ્રી રમીલા બા ચાવડા, આઈ.સી.ડી.એસ પ્રોગ્રામ ઓફિશર સુશ્રી ઉષાબેન ગજ્જર, સી.ડી.પી.ઓ સુશ્રી નસીમબેન, સર્વ શિક્ષા અભિયાન જિલ્લા કો- ઓર્ડીનેટર કોકિલાબેન સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઈ.સી.ડી.એસ વિભાગ, આંગણવાડી કાર્યકર બહેનો અને કિશોરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.