*14 મીએ ભારત-પાકિસ્તાન મેચને લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરતા રાજ્યના મુખ્યમંત્રી*
ગાંધીનગર:સંજીવ રાજપૂત: ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં આગામી ૧૪મી ઓક્ટોબરે રમાનારી આઈ સી સી વર્લ્ડ કપ ક્રિકેટ મેચ સંદર્ભમાં રાજ્યના પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલી સુરક્ષા-સલામતી વ્યવસ્થાની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાશનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા અંગે તેમ જ મેચ જોવા આવનારા દર્શકોની સલામતી તથા ટ્રાફિક નિયમન અંગે પણ બેઠકમાં વિગતો મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.