*અંબાજી મેળામાં નિ:સ્વાર્થ સેવા આપનાર સેવાભાવી પિતા-પુત્રની સેવાને બિરદાવતા જિલ્લા કલેકટર*
અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી મેળાનું આજે ભાદરવી પૂનમના દિવસે તા. 29 ના રોજ સમાપન થયું છે ત્યારે મેળામાં સતત સાત દિવસ સુધી સેવા આપનાર ડીસાના યુવા અગ્રણી અને ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી પી. એન. માળીને માતાજીનો ખેસ પહેરાવી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી વરુણ કુમાર બરનવાલે તેમની સેવાઓને બિરદાવી હતી.
આ પ્રસંગે કલેકટરએ જણાવ્યું કે, ડીસાના વતની પી. એન. માળીએ મેળામાં સેવા આપવા માટે સામેથી વહીવટી તંત્રનો સંપર્ક કરી માઇભક્તોની સેવા કરવાનું જણાવ્યું હતું. અમે પણ દાતાની શોધમાં હતા ત્યારે શ્રી પી. એન. માળીએ આ કામ પોતાના ખભા ઉપર ઉપાડી લીધું અને છેલ્લા સાત- આઠ દિવસમાં 150 રીક્ષાઓ મારફત 75 હજારથી વધારે લોકોને એમની સેવાનો લાભ આપ્યો છે. કામાક્ષી મંદિર અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજથી મંદિર સુધી સિનિયર સિટીજનો અને દિવ્યાંગજનો અને બાળકોને સેવા પુરી પાડી છે. તેમણે કહ્યું કે જ્યારે અમે સંઘો સાથે વાતચીત કરીને તેમના અનુભવ જાણ્યા ત્યારે તેમણે જણાવ્યું કે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ખુબ જ સારી લાગી છે. સાથે સાથે આ સુવિધા માટે શ્રી પી.એન. માળીનો કલેકટરએ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી પી. એન. માળીએ જણાવ્યું કે અંબાજી ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આ મેળા તારીખ 23 થી 29 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ દરમિયાન માં અંબાની પ્રેરણાથી એમની દિવ્ય શક્તિથી મને પણ સેવા કરવાનો મોકો મળ્યો છે. આ મેળા દરમિયાન કામાક્ષી મંદિર અને કૉલેજથી અંબાજી મંદિર સુધી જે વૃધ્ધો, બાળકો અને સિનિયર સિટીજન માટે 150 જેટલી રીક્ષાઓની મદદથી માતાજીના દર્શન શ્રધ્ધાળુઓ આશાનીથી કરી શકે એ માટે નિઃશુલ્ક રીક્ષાઓની વ્યવસ્થા કરી અને રાત-દિવસ ખડેપગે ઉભા રહી યાત્રીઓની સેવા માટે તત્પર રહેનારા આપણા પોલીસ જવાનોને ભોજનમાં સ્વીટનું આયોજન કર્યુ હતું અને આ બધુ જ માતાજીની કૃપાથી જ શક્ય બન્યુ છે. હું તો માત્ર માધ્યમ છું અને મા અંબા એ મને આવી સેવા કરવા માટેની તક આપી અને આવી જ શક્તિ માતાજી આપતા રહે એવી માતાજીના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરું છું.
શ્રી પી. એન. માળી દ્વારા આપવામાં આવેલી સેવાની સરાહના કરતા પોલીસ મેસના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી. કે. જોષીએ જણાવ્યું કે, તા. 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલ અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કલેકટર અને એસ. પી. સાહેબના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા પોલીસ સ્ટાફ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી પી. એન. માળી દ્વારા દરરોજ પોલીસને સાંજના ભોજનમાં સ્વીટ આપવામાં આવી હતી. આ ઉપરાંત તેમના દ્વારા સિનિયર સિટીઝનો અને દિવ્યાંગજનો માટે 150 રીક્ષાની સેવા પણ પુરી પાડવામાં આવી હતી એમનો પોલીસ વિભાગ દ્વારા આભાર વ્યક્ત કરું છું.