ભરૂચ જિલ્લાનાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં જનરલ વીમાની ચૂકવણી સત્વરે કરવા કલેક્ટર ની તાકીદ
સરકારી જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓ સહિત ખાનગી વીમા કંપનીઓનાં અધિકારીઓ સાથે કલેક્ટરે યોજી બેઠક
મકાન, વાહન, માલસામાન સહિત પાકનો જેમણે વીમો લીધો છે એવા તમામ વીમા ધારકોને વીમાની સત્વરે ચૂકવણી કરવા કલેક્ટરે અનુરોધ કર્યો
મનિષ કંસારા દ્વારા
ભરૂચ: ભરૂચમાં પૂરનાં પાણી તો ઓસરી ગયા છે, લોકોને થયેલી આર્થિક નુક્સાની બદલ તાત્કાલિક સહાય મળે તે માટે જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરા અસરકારક કામગીરી કરી રહ્યા છે.
કલેક્ટરે ધી ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ, યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ તેમજ નેશનલ ઇન્સ્યોરન્સ અને ખાનગી સહિત ૨૮ જેટલી ઈન્સ્યોરન્સ કંપનીઓનાં ઉચ્ચ અધિકારીઓ સાથે આજે કલેકટર કચેરી ખાતે બેઠક યોજી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં કલેક્ટરે ઈન્સ્યોરન્સ કંપનીઓનાં અધિકારીઓને કહ્યું કે, કુદરતી આપત્તિની આ સ્થિતિમાં લોકોની સેવા કરવાની આપણી પાસે તક છે. તેમણે ભરૂચ અને અંક્લેશ્વર શહેર સહિત જિલ્લાનાં ૩૩ ગામો કે જ્યાં પૂરનાં કારણે નુક્સાન થયું છે, ત્યાં પ્રાથમિકતા નાં ધોરણે મકાન, વાહન, માલસામાન સહિત પાકનો જેમણે વીમો લીધો એવા તમામ વીમા ધારકોને સત્વરે વીમાની ચૂકવણી કરી રાહત આપવા અનુરોધ કર્યો હતો.
તેમણે વીમા કંપનીઓનાં પ્રતિનિધિઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં પોતાની ટીમ મોકલી સર્વે કરાવવા તેમજ સ્થળ પર જ દાવા અંગેનાં ત્વરિત નિકાલ માટે તાકીદ કરી હતી. આ ઉપરાંત ભરૂચ અને અંક્લેશ્વર શહેરનાં વિસ્તારો કે જ્યાં લોકોનાં ઘરમાં પાણી ઘૂસી જવાના કારણે માલસામાનને નુક્સાન થયું છે, તેવા વિસ્તારોમાં પણ તાત્કાલિક સર્વે કરાવી વીમાની ચૂકવણી માટેનાં દાવાઓ સ્વીકારી ઝડપભેર આ દાવાઓની પતાવટ કરવા જણાવ્યું હતું.
કુદરતી આફત નાં આ સમયે ફરજનિષ્ઠાથી લોકોની સેવા કરવાનાં કલેક્ટરના આહ્વાન પર સરકારી અને ખાનગી ઈન્સ્યોરન્સ કંપનીઓનાં પ્રતિનિધિઓએ હકારાત્મક અભિગમ અપનાવી વીમાની રકમની ચૂકવણી ઝડપભેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી. આર. જોષી, નિવાસી અધિક કલેક્ટર એન. આર. ધાધલ, વીમા કંપનીનાં અધિકારીઓ હાજર રહ્યા હતા.