*અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને નવિન બોક્ષમાં ભક્તોને અપાતા ઉત્સાહિત પ્રતિસાદ મળ્યો*

*અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને નવિન બોક્ષમાં ભક્તોને અપાતા ઉત્સાહિત પ્રતિસાદ મળ્યો*

 

સંજીવ રાજપૂત-અંબાજી. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે તા. ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર-૨૦૨૩ દરમ્યાન યોજાનાર છે. આ મહામેળા અગાઉ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓની વ્યવસ્થા માટે અથાક પ્રયત્નો કરીને ખુબ સારી સુવિધા વિકસાવવા અત્યારથી જ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિરમાં આવતા શ્રધ્ધાળુઓને માતાજીનો મોહનથાળનો પ્રસાદ આપવામાં આવે છે. યાત્રાળુઓની સગવડતા ખાતર આ પ્રસાદના બોક્ષ બદલવામાં આવ્યા છે. કાગળની જગ્યાએ પ્લાસ્ટીના મજુબત ટકાઉ બોક્ષ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવ્યા છે અને એમાં માઇભક્તોને માતાજીનો પ્રસાદ આપવામાં આવે છે. આ પ્રસાદને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આણંદ જિલ્લાના વાસદથી આવેલા યાત્રાળુ શ્રીમતી પ્રતિક્ષાબેન પાઠકે જણાવ્યું કે, અમે માતાજીના દર્શન કરવા માટે વાસદથી આવ્યા છીએ. અમે માતાજીના દર્શન કર્યા છે અને પ્રસાદ લીધો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્લાસ્ટીકમાંથી સરસ મજાના પ્રસાદના બોક્ષ બનાવ્યા છે. અમે વર્ષોથી માતાજીના દર્શને આવીએ છીએ, પહેલાં કાગળના બોક્ષમાં પ્રસાદ મળતો હતો, હવે મજબુત પ્લાસ્ટીકના બોક્ષમાં માતાજીનો મોહનથાળનો પ્રસાદ મળે છે એટલે ટ્રાવેલીંગ કરીને દુરથી આવતા યાત્રિકો માટે ખુબ સારી સુવિધા ઉપલબ્ધ થઇ છે એમ કરી તેમણે નવિન બોક્ષમાં પ્રસાદ જોઇ આનંદ વ્યક્ત કર્યો હતો.

રાજસ્થાનના ડુંગરપુરથી આવેલા કમલેશભાઇ મહેતાએ અંબાજી મંદિર ટ્રસ્ટની સારી વ્યવસ્થાઓ વિશે સરાહના કરતાં જણાવ્યું કે, માતાજીનો પ્રસાદ અહીં લેવા આવ્યો ત્યારે નવા બોક્ષમાં પ્રસાદ જોઇને આનંદ થયો, પહેલાં કાગળના બોક્ષમાં પ્રસાદ મળતો હતો. જેથી અમારા જેવા બહારના રાજ્યમાંથી આવતા લોકોને એ પ્રસાદ સાચવવામાં થોડી તકલીફ પડતી હતી. અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માઇભક્તોની ખુબ કાળજી રાખવામાં આવે છે. તેમણે કહ્યું કે, સરસ મજબુત પેકીંગમાં મોહનથાળ પ્રસાદનું પેકીંગ કરીને માઇભક્તોને આપવામાં આવે છે જેનાથી પ્રસાદની ડિમાંડ પણ વધી છે.

ભાવનગરથી આવેલા દિલીપભાઇએ જણાવ્યું કે, પહેલાં કાગળના બોક્ષમાં માતાજીની પ્રસાદી મળતી હતી એના બદલે હવે પાકા પ્લાસ્ટીકના બોક્ષમાં પ્રસાદી મળે છે. આ સુવિધા અમને ખુબ સારી લાગી છે અને અંબાજી મંદિર અને વહીવટી તંત્રને અભિનંદન પાઠવીએ છીએ.