*રાજકોટમાં ગુજરાત એટીએસનું મોટું ઓપરેશન. સોની બજારમાંથી અલકાયદા સાથે સંકળાયેલા ત્રણની કરાઈ ધરપકડ*
*જીએનએ અમદાવાદ:* એકવાર ફરી ગુજરાત ATS દ્વારા રાજકોટમાં મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. રાજકોટના સોની બજારમાં છેલ્લા છ મહિનાથી કારીગર બનીને રહેતાં ત્રણ શખ્સો આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા હોવાની ગુજરાત એટીએસને બાતમી મળી હતી.
તાજેતરમાં જ અમદાવાદમાંથી અલકાયદા સાથે સંકળાયેલા શખ્સોને એટીએસએ ઝડપી પાડ્યા હતાં. હવે રાજકોટમાં પણ ગુજરાત એટીએસએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. શહેરના સોની બજારમાં કારીંગર તરીકે રહેતાં અને અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના સોની બજારમાં છેલ્લા છ મહિનાથી કારગીર બનીને રહેતાં ત્રણ શખ્સો આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા હોવાની એટીએસને બાતમી મળી હતી.
સદર બાતમી અંગેની જાણ એટીએસના વરિષ્ઠ અધિકારીઓને કરતા તેમના દ્વારા નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાય અને એસ. એલ. ચૌધરીના નેતૃત્વમાં પોલીસ ઇન્સપેક્ટર એચ. વી. સિસારા, એ. એસ. ચાવડા, બી. એચ. કોરોટ, કે. જે. રાઠોડ, જે.એમ.પટેલ અને પોલીસ સબ ઇન્સપેક્ટર બી.ડી.વાઘેલા, વી. આર. જાડેજા, વાય.જી.ગુર્જર, એ.આર.ચૌધરી, એચ.ડી.વાઢેર, ડી. એસ. ચૌધરી, આર.સી.વઢવાણા, અને પી. આર.વસાવા ની બે ટીમ રાજકોટ ખાતે રવાના થઈ હતી અને ગુજરાત એટીએસ ની ટીમ દ્વારા હ્યુમન અને ટેકનિકલ વોચ પણ રાખી અંતે આ ત્રણેયને ઝડપી લેવાયા હતા.
આ શખ્સો મુસ્લિમ કારીગરોને ભારત વિરૂદ્ધ ભડકાવવાનું કામ કરતા હોવાની આશંકા સેવાઈ રહી છે. એટીએસના ગુપ્ત ઓપરેશનમાં એવું સામે આવ્યું છે કે, આ ત્રણેયને ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેઓ છેલ્લા છ મહિનાથી રાજકોટના સોની બજારમાં કારીગર તરીકે કામ કરતાં હતાં. તેમની પાસેથી એટીએસને પિસ્તોલ અને ૧૦ કારતૂસ મળી આવ્યાં છે. આ શખ્સો પશ્ચિમ બંગાળથી રાજકોટ આવ્યાં હતાં જેમના નામ અમન સીરાજ, શુકર અલી @ અબ્દુલ્લા અને શેફ નવાઝ જાણવા મળ્યા છે. તે ઉપરાંત તેઓ બાંગ્લાદેશમાંથી ભારતમાં પ્રવેશ્યા હોવાની પણ આશંકાઓ સેવાઈ રહી છે. ત્રણ શખ્સોને ઝડપ્યા પહેલા ગુજરાત એટીએસ ગુપ્ત રાહે તપાસ પણ કરી રહી હતી અને ચોક્કસ બાતમી મળતા ત્રણેયને પકડીને અમદાવાદ લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.