*સફળતા: તાજા જન્મેલા શિશુને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે મોતના મુખમાંથી બચાવી લેવાયું*

*સફળતા: તાજા જન્મેલા શિશુને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે મોતના મુખમાંથી બચાવી લેવાયું*

જીએનએ પાલનપુર: સામાન્ય રીતે અધૂરા માસમાં જન્મેલા બાળકનો વિકાસ ઓછો થવાથી ઘણી વખત બાળકો મોતને ભેટે છે. પરંતુ હાલની મેડીકલ ક્ષેત્રની આધુનિક ટેકનોલોજી અને ડોક્ટરોના અથાક પ્રયાસોથી બાળકનો મૃત્યુદર ઘટી રહ્યો છે ત્યારે પાલનપુર ખાતે આવેલ અત્યંત આધુનિક તબીબી સારવાર આપતી પુરા ભારતભરની પશુપાલકોના પોતાની માલિકીની એકમાત્ર સિવિલ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે સારવાર માટે મોખરે છે. રાજસ્થાનની બોર્ડરે આવેલા અમીરગઢ તાલુકાના આદિવાસી વિસ્તારના ભાઈલા ગામના રહીશ ડુગસીયા જુમિબેન જેઓને અધૂરા મહિને એટલે સાત મહિને પ્રાઇવેટ હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો હતો.પરતું પ્રાઇવેટ હોસ્પિટલમાં મધ્યમ વર્ગના પરિવારને મોંઘીદાટ સારવાર પોસાય એમ ના હોવાથી તેમને શ્રી ગલબાભાઈ નાનજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ગત તારીખ ૧૨/૦૬/૨૦૨૩ના દિવસે એન.આઈ.સી.યુ ખાતે દાખલ કરાયું હતું.

 

શરૂઆતના તબક્કામાં બાળકની પરિસ્થિતિ ગંભીર જણાતા ડોકટરોની સલાહ મુજબ તાત્કાલિક સી.પેપ મશીન પર રાખીને અધૂરા માસે ડિલેવરી થઇ હોવાથી એટલે કે સાત મહિને બાળકનું વજનમાં ૮૦૦ ગ્રામ વજન હતું. બાળક અધૂરા મહિને જન્મેલ હોવાથી બાળકનો વિકાસ પુરતો થયો નહતો, તેથી શ્વાસ લેવામાં, માતાનું ધાવણ લેવામાં બાળકને ખુબ તકલીફ પડતી હતી. જેથી કરીને બાળકને સી-પેપ મશીન પર રાખવામાં આવ્યું હતું અને બાદમાં બાળકને નળી વડે ધાવણ આપવામાં આવતું હતુ. જે બાદ બાળકને વધુ સારવાર માટે ચેપના મોટા ઈન્જેકશનો ચાલુ કરવામાં આવ્યા હતા. અને બાળકને ૫ દિવસ સુધી સી-પેપ મશીન પર રાખવામાં આવ્યું હતું ત્યારબાદ બાળકની તબિયત સુધારા પર આવતા બાળકને સાદા ઓક્સિજન પર રાખવામાં આવ્યું હતું.

 

બાળકને ૨૧ દિવસ દરમિયાન ચેપના ઇન્જેક્શનો આપ્યા હતા ત્યારબાદ ધીમે ધીમે કાંગારું મધર કેર મારફતે બાળકને માતાનું ધાવણ શરુ કરવામાં આવ્યું હતું. અને બાળકનું શરૂઆતમાં વજન ૮૦૦ ગ્રામથી વધીને ૧ કિલો વજન થતાં ૪૦ દિવસની લાંબી સારવાર બાદ તંદુરસ્ત સ્વસ્થ થતાં રજા આપવામાં આવી હતી. જેમાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સુનીલભાઈ જોશીના માર્ગદર્શન થકી વિભાગના ડૉ. અજીત શ્રીવાસ્તવ, ડૉ. ભાવી શાહ, ડૉ. આશા પટેલ, ડૉ.ઝીનીત પટેલ, ડૉ. વર્ષા પટેલ તેમજ નર્સિંગ સ્ટાફ દ્વારા સફળ સારવાર આપી રજા આપવામાં આવી હતી. મોતના મુખમાંથી બાળકને બચાવી લેવાતા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો. પ્રાયવેટ હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચે થતી તબીબી સારવાર બનાસ મેડીકલ કોલેજ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક કરવામાં આવે છે.