કચ્છમાંથી દેશનો ગદ્દાર પકડાયો: BSFમાં પટાવાળો બની પાકિસ્તાનને માહિતી મોકલનાર નિલેશ બાલિયાની ધરપકડ

કચ્છમાંથી દેશનો ગદ્દાર પકડાયો: BSFમાં પટાવાળો બની પાકિસ્તાનને માહિતી મોકલનાર નિલેશ બાલિયાની ધરપકડ

પાકિસ્તાની હેન્ડલરે ‘અદિતી’નું નામ ધારણ કરી નિલેશને હનીટ્રેપમાં ફસાવ્યો’ને પછી તેની પાસેથી ગુપ્ત માહિતી મેળવવાનું શરૂ કર્યું: બીએસએફ સાથે જોડાયેલી અનેક મહત્ત્વની જાણકારી પાકિસ્તાનને મોકલી હોવાની આશંકા: માહિતીના બદલામાં નિલેશે પૈસા લીધા હોવાનું ખુલ્યું: ટૂંક સમયમાં મોટા ધડાકા-ભડાકા કરશે એટીએસ

 

ભારતમાં જ રહીને ભારતની ઘોર ખોદવાના ખતરનાક ઈરાદા ધરાવતાં તત્ત્વોને જડમૂળથી ડામી દેવા માટે સુરક્ષા એજન્સીઓએ સાબદી બની ગઈ છે જેના કારણે નાપાક ઈરાદા ધરાવતા દેશના ગદ્દારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. તાજેતરમાં જ ગુજરાત એટીએસે પોરબંદરના દરિયાકાંઠેથી ખૂંખાર આતંકી સંગઠન આઈએસકેપી (ઈસ્લામિક સ્ટેટ-ખોરાસન પ્રોવિન્સ)ના બે આતંકીઓ તેમજ તેની સાથે જોડાયેલી અને સુરતમાં રહેતી મહિલાની ધરપકડ કરીને આતંકીઓની કમર તોડી નાખી હતી ત્યારે હવે કચ્છમાંથી જ વધુ એક દેશના ગદ્દારને પકડી પાડ્યો છે. એટીએસે બીએસએફની ઑફિસમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા નિલેશ બાલિયા નામના શખ્સની ધરપકડ કરી તેની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

 

આ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે નિલેશ બાલિયા ઘણા સમયથી બીએસએફની ઑફિસમાં પટ્ટાવાળા તરીકે કાર્યરત હતો. આ દરમિયાન તે હનીટ્રેપમાં ફસાયો હતો. પાકિસ્તાની હેન્ડલરે અદિતિનું નામ ધારણ કરીને નિલેશને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી જેનો સ્વીકાર કર્યા બાદ નિલેશ તેમાં ફસાતો જ ગયો હતો. આ પછી પાકિસ્તાની હેન્ડલરે નિલેશને બ્લેક મેઈલ કરીને તેની પાસેથી ભારતીય સેનાની ગુપ્ત માહિતી મંગાવવાનું શરૂ કર્યું હતું.

 

નિલેશ બાલિયા પણ ઉપરી અધિકારીનું આ અંગે ધ્યાન દોરવાની જગ્યાએ પાકિસ્તાની હેન્ડલરને બીએસએફ સાથે જોડાયેલી મહત્ત્વની જાણકારીઓ પાકિસ્તાનને મોકલવા લાગ્યો હતો. માહિતી મોકલવાના બદલામાં નિલેશ બાલિયાને પૈસા પણ મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે સાંજ સુધીમાં એટીએસ મોટા ધડાકા-ભડાકા કરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

 

એકંદરે ગુજરાત એટીએસે કચ્છમાં દરોડો પાડીને આઈએસઆઈ માટે જાસૂસી કરવાના નેટવર્કનો ભાંડાફોડ કરી નાખ્યો છે. હાલ એટીએસે નિલેશની ધરપકડ કરી તેની સઘન પૂછપરછ શરૂ કરી છે કે તે કેટલા સમયથી આ પ્રકારે દેશ સાથે ગદ્દારી કરી રહ્યો હતો ? અત્યાર સુધીમાં તેણે કેટલી વખત પાકિસ્તાની હેન્ડલરને આ રીતે માહિતી મોકલી છે ? તે બીએસએફની ગુપ્ત માહિતી કેવી રીતે મેળવતો હતો અને કેવી રીતે પાકિસ્તાન સુધી મોકલતો હતો ? અદિતિ નામતી નિલેશને હનીટ્રેપમાં ફસાવનાર કોણ ? તે સહિતની બાબતે અત્યારે તપાસ ચાલી રહી છે જેનો ખુલાસો ટૂંક સમયમાં જ એટીએસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવે તેવી શક્યતા છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદરના દરિયાકાંઠે એટીએસે ઓપરેશન હાથ ધરીને બે આતંકીઓ તેમજ સુરતમાંથી મહિલા આતંકીને પકડ્યા બાદ આ લોકોનો ઈરાદો સુરતની કોર્ટમાં લોકોની વધુ હાજરી હોય ત્યારે આત્મઘાતી હુમલો કરવાનો હોવાનું ખુલ્યું હતું ત્યારે હવે નિલેશ બાલિયા નામનો શખ્સ પાકિસ્તાનને ભારતીય સેનાની ગુપ્ત માહિતી મોકલી રહ્યો હોવાનું ખુલ્યું છે ત્યારે પાછલા થોડા સમયથી ગુજરાતમાં રહેતા લોકોને પાકિસ્તાન વધુ નિશાન બનાવી રહ્યાનું ચિત્ર પણ ઉપસ્થિત થઈ રહ્યું છે.