*શાકભાજીનું બજાર ગરમ, મોંઘવારીથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું*
*આદુનો ભાવ રૂ. ૨૪૦થી ૩૦૦, મરચા- રૂ. ૧૫૦, કોથમીરનો ભાવ પણ પ્રતિ કિલો રૂ ૮૦થી ૧૦૦ સુધી પહોંચ્યો*
અમદાવાદ સહિત રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. આ દરમિયાન શાક માર્કેટમાં આદુ, લીલા મરચા અને કોથમીરના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. હોલસેલ માર્કેટમાં બેંગ્લોરી આદુનો ભાવ ૨૦૦થી ૨૨૦ રૂપિયા કિલો પહોંચ્યો છે, જ્યારે સતારા આદુનો ભાવ હોલસેલ માર્કેટમાં ૧૬૦થી ૧૭૦ રૂપિયા કિલો છે. રિટેઇલમાં આદુનો ભાવ રૂ. ૨૪૦થી ૩૦૦ સુધી પહોંચ્યો છે. લીલા તીખા મરચાનો ભાવ હોલસેલ માર્કેટમાં સૌથી ઊંચો નોધાયો છે. હોલસેલ માર્કેટમાં લીલા તીખા મરચાનો ભાવ રૂ.૧૦૦ જ્યારે રિટેઇલ માર્કેટમાં રૂ.૧૫૦ સુધી પહોંચ્યો છે. કોથમીરનો ભાવ પણ પ્રતિ કિલો રૂ ૮૦થી ૧૦૦ સુધી પહોંચ્યો છે. જેમાં ટામેટા બાદ આદુ, કોથમીર, મરચાના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓ પરેશાન થઈ ઉઠી છે.
ગરમ હવામાનની અસર હવે સામાન્ય લોકોના ખિસ્સા પર પણ જાેવા મળી રહી છે. છેલ્લા અઠવાડિયા દરમિયાન દેશના ઘણા ભાગોમાં ટામેટાંના ભાવ બમણા થઈ ગયા છે. છૂટક બજારમાં ટામેટાના ભાવ ૮૦ રૂપિયાથી વધીને ૧૨૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા હતા. બીજી તરફ ટામેટાના જથ્થાબંધ ભાવ ૩૦-૩૫ રૂપિયા પ્રતિ કિલોથી વધીને ૬૫-૭૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. ટામેટાંના ભાવમાં રેકોર્ડ વધારો અનેક કારણોસર થયો છે. જાે કે, આ વધારો મુખ્યત્વે અતિશય ગરમી, વિલંબિત વરસાદ અને ખેડૂતોની ખેતી કરવામાં ઓછી રસને કારણે થયો છે. ETના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, મે મહિનામાં ટામેટાના ભાવ ઘટીને રૂ.૩-૫ પ્રતિ કિલો થયા હતા, જેમ કે વધુ ગરમી, મોડા વરસાદ અને પાક ઉગાડવામાં ખેડૂતોમાં રસનો અભાવ જેવા અનેક પરિબળોને કારણે દિલ્હીના આઝાદપુર જથ્થાબંધ બજારના ટામેટાના વેપારી અશોક ગણોરે જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં ટામેટાંના ભાવ બમણા થઈ ગયા છે. હરિયાણા અને ઉત્તર પ્રદેશ જેવા પડોશી રાજ્યોમાંથી ટામેટાંનો પુરવઠો ઓછો થયો છે. હવે અમે બેંગ્લોરથી ટામેટાં લઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે, તાજેતરના વરસાદ દરમિયાન જમીન પરના ટામેટાના છોડને નુકસાન થયું છે. ટામેટામાં નુકસાનને કારણે ખેડૂતોએ પણ આ પાકની કાળજી લેવાનું બંધ કરી દીધું છે. અમદાવાદમાં પણ ટામેટાનો ભાવ પ્રતિ કિલોએ ૮૦-૧૦૦ રૂપિયાએ પહોંચી ગયો છે.