શિક્ષણમંત્રીએ તામિલનાડુથી આવેલ અતિથિઓને ગ્રામ્ય ભોજનનું ભાણું પીરસી સંબંધની મહેક પ્રસરાવી

જીએનએ સોમનાથ: ભાવ ભરેલા ભાણુંથી સદીઓ જૂના કાઠિયાવાડી સંબંધોની મહેક પ્રસરાવવા માટે કાઠિયાવાડી ભોજન વિશ્વમાં પ્રખ્યાત છે તેમાં પણ હાલમાં ચાલી રહેલા સૌરાષ્ટ્ર-તમિલ સંગમમાં તામિલનાડુ થી પધારેલ મહેમાનોને આ કાઠિયાવાડી ભોજનની સંસ્ક્રુતિને ગ્રામ્ય ભોજન દ્વારા સંબંધોની સોડમ પ્રસરાવવામાં આવી હતી.

ભારતની એકતા, સંસ્કૃતિ અને ગૌરવશાળી વિરાસતનો ઉત્સવ એવા “સૌરાષ્ટ્ર-તમિલ સંગમ” માં તમિલનાડુ થી પધારેલા બાંધવ-ભગિનીઓને ભવ્ય અને ભાતીગળ સંસ્કૃતિ થી અવગત કરાવવા તેમજ પરંપરાગત ગ્રામ્ય ભોજન જમાડવા માટે બાદલપરા ખાતે માન. ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ દ્વારા આયોજીત “ભોજન સમારંભ” તથા “સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ આતિથ્યભાવ થી મહેમાનોની સરભરા કરી, તમિલ મિત્રોને લહેજતદાર ગુજરાતી ભોજન પીરસ્યું હતું.

આ પ્રસંગે માન. કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, મુળુભાઈ બેરા તથા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના સ્થાનિક હોદ્દેદારશ્રીઓ અને મોટી સંખ્યામાં અતિથિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શિક્ષણમંત્રી દ્વારા બાળકોનો અનહદ પ્રેમ જોવા મળ્યો હતો તેમણે બાળકો સાથે સેલ્ફી પણ પડાવી હતી અને તેઓની સાથે રમત કિલ્લોલ કરતા નજરે જોવા મળ્યા હતા.